તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 78 People From Kabul Will Arrive In India Today; People From The Sikh Community Were Carrying Guru Granth Sahib On Their Heads

તાલિબાનનું શાસન LIVE:તાલિબાને કહ્યું-અફઘાનિસ્તાનમાંથી સક્ષમ લોકોને ન લઈ જાય અમેરિકા, 31 ઓગસ્ટ સુધી કોઈપણ સંજોગોમાં પૂરું કરે રેસ્ક્યૂ-ઓપરેશન

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • તાલિબાનો બાળકો અને વૃદ્ધોનું અપહરણ કરીને તેમને પોતાની ઢાલ બનાવી રહ્યાં છે
  • અફઘાનિસ્તાન પર શાસન માટે તાલિબાને બનાવી ટીમ-12, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ સહિત હક્કાની નેટવર્કનો આતંકવાદી પણ સામેલ

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે મંગળવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેણે ફરી એક વખત અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું હતું કે નાટોની સેના 31 ઓગસ્ટ સુધીમાં કોઈપણ સંજોગોમાં અફઘાનિસ્તાન છોડીને જતી રહે. અમે આ સમયસીમા વધારવાની તરફેણમાં નથી. તેણે અમેરિકાને એમ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનના સક્ષમ લોકોને અહીંથી ન લઈ જાય.

દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને કહ્યું હતું કે 31 ઓગસ્ટની સમયસીમામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમને વિશ્વાસ છે કે અમે આ મહિનાના અંત સુધીમાં એ પૂરું કરી લેશું.

મુઝાહિદે કહ્યું હતું કે અમેરિકાએ ડોક્ટરો, એન્જિનિયર અને શિક્ષિત વર્ગને પોતાના દેશમાં આવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ હોવાથી તે અફઘાનોને એરપોર્ટ જવા દેતા નથી. આ સાથે તાલિબાને અફઘાન નાગરિકોને કહ્યું હતું કે તેઓ દેશ છોડીને ન જાય.

દેશ ચલાવવા માટે 12 સભ્યની કાઉન્સિલની રચના કરાઈ
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોના ચહેરા સામે આવ્યા છે. તાલિબાને મંગળવારે દેશ ચલાવવા માટે 12 સભ્યની કાઉન્સિલની રચના કરી છે. તેમાંથી 7 નામ જાહેર કરવામાં આવ્યાં છે. પાંચ નામને હજી નક્કી કરવાનાં બાકી છે.

કાઉન્સિલમાં અબ્દુલ ગની બરાદર (તાલિબાનના સહસ્થાપક), તાલિબાનના સ્થાપકના પુત્ર મુલ્લા યાકૂબ, હક્કાની નેટવર્ક (આતંકવાદી જૂથ), ડો. અબ્દુલ્લા (ભૂતપૂર્વ વડાપ્રધાન), ખલીલ-ઉર-રહેમાન હક્કાની, હામિદ કરઝાઈ (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), હનીફ અતમાર અને ગુલબુદ્દીન હેકમતયારનો સમાવેશ થાય છે. સૂત્રો કહે છે, રાષ્ટ્રપતિ અને અમીરાત ઉપરાંત તાલિબાન 12 સભ્યની કાઉન્સિલ સાથે અફઘાનિસ્તાન પર શાસન કરશે. હક્કાની અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં છે. તેના પર 5 મિલિયન ડોલરનું ઇનામ પણ મૂકવામાં આવ્યું છે.

તાલિબાની યૌદ્ધાઓનો સફાયો કરનારા ગુલ આગા શેરઝઇ નાણામંત્રી બન્યા

અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી થઈ હતી, જે મુજબ 31 ઓગસ્ટ સુધી તાલિબાન પૂર્ણ સરકાર નહીં બનાવી શકે, તેથી ઈન્ટેરિમ સરકાર બનાવવામાં આવી છે (ફાઈલ ફોટો)
અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી થઈ હતી, જે મુજબ 31 ઓગસ્ટ સુધી તાલિબાન પૂર્ણ સરકાર નહીં બનાવી શકે, તેથી ઈન્ટેરિમ સરકાર બનાવવામાં આવી છે (ફાઈલ ફોટો)

તાલિબાને મંગળવારે તેની વચગાળાની સરકારમાં કેટલાક મંત્રીઓની નિમણૂક કરી છે. ખાસ વાત એ છે કે સંગઠને એક સમયે તાલિબાનનો કટ્ટર વિરોધી રહેલા ગુલ આગા શેરઝઇને નાણામંત્રી બનાવાયા છે. ગુલ આગા શેરઝઈ પહેલાં કંદહાર અને પછી નંગરહારના ગવર્નર રહ્યા હતા.

ગુલ આગા શેરઝઈ તાલિબાન સામેની લડાઈમાં CIAના મુખ્ય સાથી હતા. તેને તાલિબાનના કસાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંદહારના ગવર્નર હતા ત્યારે તેણે તાલિબાનનો સફાયો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે તેઓ નંગરહારના ગવર્નર હતા ત્યારે રસ્તાના નિર્માણનાં કામો કર્યા હતા, જેને કારણે તેમને અફઘાનિસ્તાનના બુલડોઝર પણ કહેવામાં આવે છે.

થોડા દિવસો પહેલાં જ તેણે તાલિબાન પ્રત્યે વફાદારીના સોગંધ લીધા હતા. તે અફઘાનિસ્તાનના મોટા નેતાઓમાંનો એક છે, જે પહેલાં તાલિબાનનો કટ્ટર વિરોધી હતો, પરંતુ હવે તાલિબાનની સાથે છે.

સદર ઇબ્રાહિમને વચગાળાનો ગૃહમંત્રી બનાવાયા
તાલિબાને મુલ્લા સખાઉલ્લાહને કાર્યકારી શિક્ષણમંત્રી અને અબ્દુલ બારીને ઉચ્ચ શિક્ષણમંત્રી બનાવ્યા છે. સદર ઇબ્રાહિમને વચગાળાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે અને ગુલ આગાને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે, સાથે જ મુલ્લા શિરીનની કાબુલના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હમદુલ્લા નોમાનીને કાબુલનો મેયર બનાવાયા છે.

પંજશીરના પહાડોમાં ભીષણ લડાઈ ચાલુ, CIA ચીફે મુલ્લા બરાદર સાથે કરી સિક્રેટ મીટિંગ
પંજશીરની આસપાસ તાલિબાન અને વિદ્રોહી જૂથ વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. પંજશીરના યૌદ્ધાઓ પહાડોની ટોચ પર હોવાને કારણે તાલિબાનીઓને હારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તાલિબાનીઓ પણ જોરદાર ફાયરિંગ અને રોકેટ લોન્ચર ફાયર કરતાં જોવા મળી રહ્યા છે.

તાલિબાનનાં સૂત્રોએ દાવો કર્યો કે પંજશીરની અનેક મહત્ત્વની ચોકીઓ પર તાલિબાન પહોંચી ગયા છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે પંજશીરની મોબાઈલ કનેક્ટિવિટી કાપી દેવાઈ છે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAના ચીફ વિલિયમ બર્ન્સ અને તાલિબાનના નેતા મુલ્લા બરાદર વચ્ચે સોમવારે કાબુલમાં મુલાકાત થઈ હતી.

આ વચ્ચે એક બ્રિટનના અખબારે દાવો કર્યો છે કે અહમદ મસૂદ તાલિબાન સાથે ચર્ચા કરીને આત્મસમર્પણ કરી શકે છે. જોકે નોર્ધર્ન અલાયન્સે આ સમાચારને ફગાવ્યા છે. ભાસ્કર ગ્રુપને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ તાલિબાનો અને પંજશીરના નેતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે

ભારતના રેસ્ક્યૂને 'ઓપરેશન દેવી શક્તિ' નામ અપાયું

ભારત સરકારે અફઘાનિસ્તાનમાં ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યૂ-ઓપરેશનને મંગળવારે નામ આપવામાં આવ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેને ઓપરેશન દેવી શક્તિ નામ આપવામાં આવ્યું છે. તેમણે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવી રહેલા ભારતીય વાયુસેનાને સલામ કર્યું છે. ભારત સરકારે અત્યારસુધીમાં અફઘાનિસ્તાનમાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું છે.

અફઘાનિસ્તાનની પ્રથમ કન્યા સ્કૂલ પણ બંધ, વિદ્યાર્થિઓને લઈને રવાન્ડા પહોંચ્યા

25 વર્ષની શબાના બાસીજ રાસિખ છોકરીઓના શિક્ષણની તરફેણ કરે છે. -ફાઇલ ફોટો
25 વર્ષની શબાના બાસીજ રાસિખ છોકરીઓના શિક્ષણની તરફેણ કરે છે. -ફાઇલ ફોટો

તાલિબાનના ભયને કારણે મોટી સંખ્યામાં લોકોનું પલાયન ચાલુ છે. અત્યારસુધીમાં 48 હજારથી વધુ લોકો કાબુલ એરપોર્ટ મારફત દેશ છોડી ચૂક્યા છે. સોમવારે માત્ર 24 કલાકમાં જ 14 હજારથી વધુ લોકો અફઘાનિસ્તાનમાંથી પલાયન કરી ગયા છે. અફઘાનિસ્તાનમાં પ્રથમ કન્યા બોર્ડિંગ સ્કૂલ પણ બંધ થઈ ગઈ છે. સ્કૂલ ઓફ લીડરશિપ અફઘાનિસ્તાનના સ્થાપક શબાના બાસીજ રાસિખે ટ્વિટર દ્વારા જણાવ્યું છે કે તે તેની વિદ્યાર્થિનીઓ સાથે તેઓ રવાંડા પહોંચ્યા છે.

શબાનાના જણાવ્યા મુજબ, ગયા સપ્તાહે જ તે પોતાની વિદ્યાર્થિનીઓ, શિક્ષકો અને સ્કૂલ સ્ટાફને લઈને કતાર પહોંચી ગઈ હતી. તેની સાથે લગભગ 250 લોકો હતા. હવે તે પોતાની સમગ્ર સ્કૂલના લોકોને લઈને કતારથી રવાંડા પહોંચી છે, જ્યાં તેની વિદ્યાર્થિનીઓ ચાલુ વર્ષનું પોતાનું સેમેસ્ટર પૂર્ણ કરશે. શબાનાએ કતાર અને રવાંડાની સરકારોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે અમેરિકાએ તેની ટીમના બચાવ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. હવે તેની સ્કૂલ રવાંડાથી જ ચાલશે, પરંતુ શબાનાનું કહેવું છે કે આ સ્કૂલ કાયમી ધોરણે રવાંડામાં નહીં રહેશે અને તેને આશા છે કે ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તો તે પોતાના દેશ પરત ફરી શકશે. શબાનાએ થોડા દિવસો પહેલાં જ તેની સ્કૂલને લગતા તમામ રેકોર્ડ સળગાવી દીધા હતા, જેથી તાલિબાનોને ખબર ન પડે કે તેની સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓ કયા પરિવારની છે.

તાલિબાનોએ ગજનીનો પ્રવેશદ્વાર ક્રેન દ્વારા તોડી નાખ્યો
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન હવે ત્યાંનાં હેરિટેજ સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર નજર રાખતા લોકોના ટ્વિટર એકાઉન્ટ સાથે શેર કરવામાં આવેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનોએ ક્રેન વડે ગજની પ્રાંતનો પ્રવેશદ્વાર તોડી નાખ્યો છે. આ દરવાજો ઇસ્લામિક સામ્રાજ્યની સ્થાપનાની યાદમાં બનાવવામાં આવ્યો હતો.

બીજી તરફ સમાચાર છે કે તાલિબાને એક યુનિટની રચના કરી છે, જેનું નામ વિક્ટ્રી ફોર્સ કે 'ફતહ' રાખ્યું છે. તાલિબાનના હાથ લાગેલા અમેરિકાનાં હથિયારો અને સૈન્ય સામગ્રીથી આ ફોર્સને સજ્જ કરવામાં આવી છે. જોકે તેના આ યુનિટને કાબુલમાં તહેનાત કરવામાં આવ્યું છે.

તાલિબાનની નવી વિક્ટ્રી ફોર્સની આ તસવીર અફઘાન મીડિયામાં શેર કરવામાં આવી છે.
તાલિબાનની નવી વિક્ટ્રી ફોર્સની આ તસવીર અફઘાન મીડિયામાં શેર કરવામાં આવી છે.

અમરુલ્લાહ સાલેહનો દાવો- તાલિબાન બાળકોને ઢાલ બનાવી રહ્યા
પંજશીરની અંદરાબ ઘાટીમાં પંજશીરના લડવૈયાઓ તાલિબાન સામે યુદ્ધ લડી રહ્યા છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાએ કહ્યું હતું કે તાલિબાનોએ અંદરાબ ઘાટીમાં ખોરાક અને ઈંધણનો સપ્લાય અટકાવી દીધો છે. અહીંની સ્થિતિ અત્યંત જોખમી છે. હજારો મહિલાઓ અને બાળકોને પર્વતોની તરફ ભાગી જવું પડ્યું છે. છેલ્લા બે દિવસથી તાલિબાનોએ બાળકો અને વૃદ્ધોનું અપહરણ કરીને તેમને પોતાની ઢાલ બનાવી રહ્યા છે.

અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં અમરુલ્લાહ સાલેહની આગેવાનીમાં પંજશીરના લડવૈયા તાલિબાની સામે યુદ્ધ કરી રહ્યા છે. ફોટો પંજશીરના લડવૈયાઓનો છે.
અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં અમરુલ્લાહ સાલેહની આગેવાનીમાં પંજશીરના લડવૈયા તાલિબાની સામે યુદ્ધ કરી રહ્યા છે. ફોટો પંજશીરના લડવૈયાઓનો છે.

અંદરાબમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ભીષણ લડાઈ; 50 તાલિબાનો ઠાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાંથી બચેલા એકમાત્ર પંજશીરમાં યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પંજશીર ખીણ અફઘાનિસ્તાનના અમુક વિસ્તારોમાં છે, જ્યાં તાલિબાનો કબજો નથી કરી શક્યા. પંજશીર સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે અંદરાબમાં થયેલી અથડામણમાં 50થી વધારે તાલિબાની લડાકુઓનાં મોત થયાં છે અને 20થી વધારે લોકોને બંધક બનાવાયા છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર લઈ લીધો
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું AI-1956 વિમાન આજે 78 લોકોને લઇને તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી પહોંચી ગયું છે. એમાં 25 ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, વી. મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ સાહિબને સંભાળવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેઓ આ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર મૂકીને એરપોર્ટની બહાર લાવ્યા હતા. આ ગુરુ ગ્રંથ સાહિબની આ નકલો દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે.

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની હત્યા કરવાનું કાવતરું હતું
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન છોડનાર પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ દાવો કર્યો છે કે અશરફ ગનીની હત્યા કરવાનું કાવતરું હતું. હશમત કહ્યું હતું કે કાબુલમાં હત્યાઓ અને વાતાવરણ બગાડવાની યોજનાઓ હતી, જેથી કેટલાક સૈન્યના નિવૃત્ત લોકો તેમના ઇરાદા પૂરા કરી શકે. તેમણે મારી હત્યા કરવાનું ષડયંત્ર પણ રચ્યું હતું. હશમતે અંગ્રેજી ન્યૂઝ ચેનલ WION સાથેની વાતચીતમાં આ દાવો કર્યો છે.

જોકે તેમણે એ નથી કહ્યું કે અશરફ ગનીની હત્યા કોણ કરવા માગતું હતું? આ સવાલના જવાબમાં અશરફે કહ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે આ ખુલાસો અશરફ ગની પોતે જ કરશે. હશમતે પોતે તાલિબાનમાં જોડાયા હોવાના અહેવાલને પણ નકારી દીધા છે. તેઓ કહે છે, તેણે તાલિબાન શાસન સ્વીકાર્યું છે, પરંતુ તેમની સાથે સામેલ થવાનું સ્વીકાર્યું નથી.

શીખ સમુદાયના લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ફ્લાઇટની અંદર જો બોલે સો નિહાલ અને વાહે ગુરુજી કા ખાલસા-વાહે ગુરુજી કી ફતેહ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શેર કર્યો છે.

તાલિબાને અમેરિકાને ધમકી આપી- 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડી દો
ભારત સહિત વિશ્વભરના દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એમ પણ કહ્યું હતું કે કાબુલમાંથી લોકોને 31 ઓગસ્ટ સુધીમાં બહાર કાઢવા કાર્ય પૂર્ણ થશે. આ દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને એક નિવેદન જારી કર્યું અને નાટો દળોને ધમકી આપી કે તેઓ 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટનો કબજો છોડી દે અને તેમના દેશમાં પરત ફરે.

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું હતું કે 31 ઓગસ્ટ રેડ લાઇન હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે તેમની સેના આ તારીખ સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. આ તારીખ લંબાશે તો એનો અર્થ એ થશે કે અમેરિકી સૈન્ય ફરી અફઘાનિસ્તાનમાં પોતાનો કબજો વધારી રહ્યું છે. જો આવું થશે તો અમેરિકાએ એનાં પરિણામો ભોગવવાં પડશે.

ફ્રાન્સે કહ્યું- 31 ઓગસ્ટ પછી પણ લોકોનું સ્થળાંતર ચાલુ રહેશે
ફ્રાન્સે તાલિબાનની આ ધમકીનો જવાબ આપ્યો છે. ફ્રાન્સે સ્પષ્ટ કહ્યું છે કે 31 ઓગસ્ટની સમયમર્યાદા બાદ પણ અમે અમારા નાગરિકોને કાબુલમાંથી બહાર કાઢવાનું કામ ચાલુ રાખીશું. ફ્રાન્સનું આ નિવેદન તાલિબાનને સીધો પડકાર આપે છે કે જો તે બચાવ કામગીરીમાં અવરોધો ઊભા કરશે તો એ યોગ્ય રહેશે નહીં.

બોરિસ જોનસન બોલાવી શકે છે ઈમર્જન્સી G7 બેઠક
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન મંગળવારે G7ની ઈમર્જન્સી બેઠક બોલાવે એવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આમાં તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે 31 ઓગસ્ટ પછી પણ અફઘાનિસ્તાનમાં સેનાને રોકવા માટે કહેશે, જેથી લોકોને કાબુલ એરપોર્ટ પરથી બહાર કાઢવા માટે વધુ સમય મળી શકે. આ માટે કાબુલ એરપોર્ટ પર હજારો અફઘાન અને વિદેશી નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે તેમને કોઈ ફ્લાઇટ મળે, જેથી તેઓ અફઘાનિસ્તાન છોડીને જઈ શકે.

બાઈડને કરી જાહેરાત- જે અફઘાનોએ યુદ્ધમાં મદદ કરી, તેમને અમેરિકામાં આશરો મળશે
અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પરત બોલાવવાની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મોટી જાહેરાત કરી છે. તેમણે સોમવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈમાં જેમણે અમેરિકી સૈન્યને મદદ કરી છે તેમને અમેરિકામાં આશરો આપવામાં આવશે. બાઈડને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે એક વખત સ્ક્રીનિંગ અને અન્ય ઔપચારિકતાઓ થઈ ગયા પછી અમે અફઘાનોનું અમારા દેશમાં સ્વાગત કરીશું, જેમણે યુદ્ધ દરમિયાન અમને મદદ કરી હતી.

ચીન તાલિબાનના સમર્થનમાં આવ્યું, કહ્યું- ઉગ્રવાદી સંગઠનને તમામ મદદ આપશે
તાલિબાનના કબજા બાદ અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોએ અફઘાનિસ્તાનને આર્થિક મદદ બંધ કરી દીધી છે. એના પર ચીને ઈશારામાં અમેરિકાને નિશાન બનાવ્યું છે. ચીનના વિદેશી મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને અફઘાનિસ્તાનમાં કથળી રહેલી સ્થિતિ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું.

અંદરાબમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ભીષણ લડાઈ; 50 તાલિબાન ઠાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાંથી બચી ગયેલા એકમાત્ર પંજશીરમાં લડાઈ ખતરનાક રીતે આગળ વધી રહી હોવાનું જણાય છે. પંજશીર ઘાટી અફઘાનિસ્તાનના એ વિસ્તારોમાં છે, જ્યાં તાલિબાનો કબજો કરી શક્યા નથી. પંજશીર સાથે જોડાયેલાં સૂત્રોએ દાવો કર્યો છે કે અંદરાબમાં થયેલી લડાઈમાં 50થી વધુ તાલિબાન લડવૈયા માર્યા ગયા છે અને 20થી વધુ લડવૈયાઓને બંધક બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...