રાજસ્થાન: 3 વર્ષમાં 75 હજાર ચો. મીટર જમીન લીલીછમ કરી
કોરોના સંકટ વચ્ચે ચોતરફ ઓક્સિજનની ચર્ચા છે ત્યારે ઉદયપુરના ચિત્રકૂટનગર નજીકની આ તસવીર શાંતિ આપનારી છે. અહીં માર્બલના વેસ્ટેજના કારણે અંદાજે 75 હજાર ચો. મી. જમીન ઉજ્જડ થઇ ચૂકી હતી. બે વર્ષ અગાઉ યુઆઇટીએ તેની કાયાપલટ કરવાનો નિર્ધાર કરી એક જ દિવસમાં 1 હજાર છોડ રોપ્યા હતા. આજે આ જગ્યા લીલીછમ થઇ ચૂકી છે. એક સરવે મુજબ, 1 સ્વસ્થ વૃક્ષ 1 દિવસમાં 230 લિટર ઓક્સિજન છોડે છે. ઉદયપુર ઝોનની સૌથી મોટી એમબી હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રમેશ જોશી જણાવે છે કે, 1 સ્વસ્થ વ્યક્તિને 1 દિવસમાં 530 લિટર ઓક્સિજન જોઇએ. અહીં લીમડા અને કરંજ સહિતના છાંયડો આપે તેવા છોડ રોપાયા છે, જે હવે 5થી 8 ફૂટ સુધીના થઇ ચૂક્યા છે. સ્લરી પર 3 ફૂટ પહોળા અને 6 ફૂટ ઊંડા ખાડા ખોદીને છોડ રોપાયા હતા. વૃક્ષો સરળતાથી વિસ્તરી શકે તે માટે તળાવની માટીથી તે ખાડા પૂરવામાં આવ્યા હતા.
ડ્રાઈવિંગ વખતે પથ્થરો નહીં, ઉડતા કાચબાથી પણ ધ્યાન રાખવું!
અમેરિકાના ફ્લોરિડામાં એક વિચિત્ર ઘટના બની, જેમાં ચાલુ કારે ઉડતો કાચબો કારના વિન્ડશીલ્ડને તોડીને એક 71 વર્ષીય મહિલાના કપાળમાં અથડાયો અને મહિલા લોહીલુહાણ થઈ ગઈ. પોતાની પુત્રી સાથે આ મહિલા સફર કરી રહી હતી ત્યારે આ ઘટના બની. અન્ય એક કારચાલકની મદદ બાદ 911ને ફોન કરવામાં આવતા અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ આ ઘટના જાણીને તેઓ પણ અચંબામાં પડી ગયા હતા કે કાચબો ઉડીને કાર સાથે કેવી રીતે અથડાયો. વાસ્તવમાં, રસ્તા પર રહેલા કાચબાને અન્ય કોઈ વાહને ટક્કર મારી હશે અને તે સીધો જ આ મા-દીકરીની કારના કાચમાં અથડાયો હશે એમ અધિકારીઓ માની રહ્યા છે.
લેહ-મનાલી હાઈવે બંધ
હિમાચલમાં લાહોલ સ્પીતિના જિલ્લા હેડક્વાર્ટર કાજામાં હાલના દિવસોમાં હિમવર્ષાને કારણે માઈનસ 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસથી સતત હિમવર્ષા થયા બાદ શનિવારે હવામાન ચોખ્ખું રહ્યું. કુલ્લુ તથા લાહોલમાં તડકો પડવાથી બરફથી ઢંકાયેલી ખીણો ચાંદીની જેમ ચમકી ઊઠી હતી. સાથે જ લોકોને ઠંડીથી પણ થોડીક રાહત મળી હતી. શિખરો પર હિમવર્ષા બાદ ખીણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કુલ્લુના ઉપરી વિસ્તારો તથા લાહોલ સ્પીતિમાં થયેલી હિમવર્ષા બાદ લાહોલમાં હિમખંડ ધસવાનો ખતરો વધી ગયો છે. તેને ધ્યાનમાં રાખી સ્થાનિક તંત્રએ સામાન્ય લોકોની સાથે જ પર્યટકોને અટલ ટનલ રોહતાંગની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ન જવા કહ્યું છે. કાજામાં ગત ત્રણ દિવસથી આશરે દોઢ ફૂટ સુધી હિમવર્ષા થઈ છે. હિમાચલમાં ગત 3 દિવસમાં લાહોલ સ્પીતિમાં સૌથી વધુ હિમવર્ષા થઈ છે. લેહ-મનાલી હાઈવે પણ બંધ થઈ ગયો છે. અટલ ટનલને ફક્ત ચાર બાય ચાર ગાડીઓ માટે જ શનિવારે ખોલવામાં આવી હતી.
વિશ્વના સૌથી મોટા જહાજનું બુકિંગ શરૂ
જો તમે ક્રૂઝમાં મુસાફરી કરવાના શોખીન છો તો વિશ્વના સૌથી મોટા જહાજના પ્રથમ મુસાફરોમાં સામેલ થઇ શકો છો. માર્ચ, 2022થી શાંઘાઇથી રવાના થનારા ક્રૂઝ ‘વન્ડર ઑફ ધ સીજ’ની પહેલી સફર માટે બુકિંગ શરૂ થઇ ગયું છે. ક્રૂઝ કંપની રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલે તેની તસવીરો શૅર કરી છે. 2 હજારથી વધુ લક્ઝુરિયસ રૂમ્સ ધરાવતા આ જહાજ પર 6,988 મુસાફરો સવાર થઇ શકે છે. તેનું વ્યક્તિદીઠ ભાડું દોઢ લાખથી માંડીને 3.5 લાખ રૂ. સુધી છે જ્યારે 4 લોકોના ફેમિલી સ્યૂટ માટે અંદાજે 27.5 લાખ રૂ. ચૂકવવા પડશે. ક્રૂઝમાં ઓપન એર એક્વા થિયેટર ઉપરાંત 2 હજાર ફૂલ-છોડવાળો સેન્ટ્રલ પાર્ક બનેલો છે. રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ મુસાફરો માર્ચ, 2022થી નવેમ્બર, 2022માં શાંઘાઇથી જાપાનની પહેલા રાઉન્ડની ટ્રિપ પર જઇ શકશે. 9 રાત અને 8 દિવસની સફર દરમિયાન ક્રૂઝ ટોક્યો, માઉન્ટ ફૂજી, કુમામોટો, કાગોશિમા, ઇશિગાકી અને મિયાજાકી જેવાં બંદરો પરથી પસાર થશે. તદુપરાંત, તે એશિયાના કેટલાંક ટોપ રેટેડ સ્થળોની સફર પણ શરૂ કરશે, દ.કોરિયા અને વિયેતનામ પણ સામેલ છે. નવેમ્બર, 2022થી જાન્યુઆરી, 2023 દરમિયાન ક્રિસમસ, ન્યૂ યર તથા બીજી રજાઓને ધ્યાનમાં રાખીને વિયેતનામના ચાન મે, દ.કોરિયાના બુસાન તથા જેજુ, ચીનના તાઇપેઇ માટે પણ બુકિંગ થઇ શકે છે.
સ્કેગિટ વૅલી ટ્યૂલિપ ફેસ્ટિવલ
વોશિંગ્ટનના માઉન્ટ વર્નોનમાં રૂઝેનગાર્ડે ખાતે સ્કેગિટ વૅલી ટ્યૂલિપ ફેસ્ટિવલ અંતર્ગત મોટી સંખ્યામાં મુલાકાતીઓ ટ્યૂલિપના રંગબેરંગી ફૂલોનું સૌંદર્ય નિહાળવા પહોંચ્યા હતા. ગત વર્ષે આ ફેસ્ટિવલ કોરોના મહામારીના કારણે રદ કરાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.