ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:600 દિવસ પછી ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકો માટે દરવાજા ખોલ્યા

પર્થએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80% રસીકરણ પછી સરકારની રાહત, વિદેશોમાં ફસાયેલા 50 હજારથી વધુ લોકો વતન આવી રહ્યા છે

ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ્સ પર આશરે 600 દિવસ પછી રોનક દેખાઈ રહી છે. અહીંનાં વિવિધ એરપોર્ટ પરિસરમાં આશરે બે વર્ષ પહેલાં છૂટા પડેલા પરિવારોના મિલનનાં ભાવુક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન સરકારે બે વર્ષ પહેલાં 20 માર્ચ, 2020ના રોજ કોરોના પ્રકોપ રોકવા તમામ સરહદો સીલ કરી દીધી હતી. એ વખતે દેશ બહાર ગયેલા ઓસ્ટ્રેલિયન નાગરિકો વિદેશોમાં ફસાઈ ગયા હતા.

અગાઉ કોરોના નિયમો હેઠળ ઓસ્ટ્રેલિયન નાગરિકો સરકારની મંજૂરી વિના બહાર પણ નહોતા જઈ શકતા. જોકે, હવે 1 નવેમ્બરથી આ પ્રતિબંધ હટ્યા પછી વિદેશોમાં ફસાયેલા 50 હજારથી વધુ નાગરિક પરત ફરી રહ્યા છે. હવે સિડની અને મેલબર્નમાં ફ્લાઈટોનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

જોકે, વેસ્ટર્ન અને સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને લેન્ડિંગની મંજૂરી નથી આપી. વડાપ્રધાન સ્કોટ મોરિસનનું કહેવું છે કે જો વિદેશમાં ફસાયેલા નાગરિકોએ બંને ડોઝ લઈ લીધા હોય તો તેમના પાછા આવવા પર વિવિધ રાજ્યોએ કોઈ અડચણો ના નાંખવી જોઈએ. આપણે જેમ બને તેમ ઝડપથી વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે દેશ ખોલવો જ પડશે.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 1.70 લાખ કોરોના કેસ નોંધાયા છે અને આશરે 1700 મોત થયાં છે. આ સાથે વિક્ટોરિયા સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ 14 દિવસ ક્વોરેન્ટાઈન થવું પડશે. સરકારે ભારત બાયોટેકની કોવેક્સિનને પણ માન્યતા આપી દીધી છે.

કોવિડ નિયમો તોડવા પર બે વર્ષની જેલ, 50 લાખ દંડ
વિક્ટોરિયા રાજ્ય કોવિડ નિયમો તોડનારા શખસને રૂ. 50 લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ ધરાવતો કાયદો લાવવા જઈ રહી છે. જાણીજોઈને વેક્સિન નહીં લેનારા લોકોને પણ આ દાયરામાં લાવવામાં આવશે. જો કોઈ વ્યવસાયિક સંગઠન કોવિડ નિયમોને તોડશે, તો તેમને રૂ. 2.5 કરોડનો દંડ ફટાકારવામાં આવશે.

18 મહિના પછી થાઈલેન્ડ વિદેશી પ્રવાસીઓ માટે ખૂલ્યું
18 મહિનાના પ્રતિબંધો પછી બેંગકોક વિદેશી પ્રવાસીઓ માટે ખૂલી ગયું છે. નવા નિયમો પ્રમાણે 14 દિવસ ક્વોરેન્ટાઈન રહ્યા વિના પ્રવાસીઓ થાઈલેન્ડમાં ફરી શકશે. શરત એટલી જ કે તેમણે બંને ડોઝ લીધા હોવા જોઈએ. કોરોના મહામારીની થાઈલેન્ડના અર્થતંત્ર પર ભારે અસર પડી હતી. તે પાટા પર લાવવા સરકારે 60થી વધુ દેશના પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી દીધી છે. કોરોના પહેલા બેંગકોકમાં દુનિયાના સૌથી વધુ પ્રવાસી આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...