તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 6 Cases Of Fear And Hope; Corona Symptoms Appearing Suddenly, Doctor nurses Are Being Attacked, People Are Winning At Will

કોરોનાવાઈરસ:ડર અને આશાના 6 કિસ્સા; કોરોનાના લક્ષણ અચાનક દેખાઇ રહ્યાં છે, ડૉક્ટર-નર્સો પર હુમલા થઈ રહ્યા છે, ઈચ્છાશક્તિથી લોકો જીતી રહ્યા છે 

રોમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
33 વર્ષનો ખેલાડી આન્દ્રે નેપોલી. - Divya Bhaskar
33 વર્ષનો ખેલાડી આન્દ્રે નેપોલી.

રોમ‌, લંડન‌: એક તરફ ચેપનાં લક્ષણો નવા રૂપમાં સામે આવી રહ્યા છે તો બીજી તરફ આ બીમારી લોકોનું વર્તન બદલી રહી છે. કોરોનાએ પોર્ટુગલમાં 14 વર્ષના એક બાળકનો જીવ લીધો છે, જેનામાં ચેપનાં કોઇ લક્ષણ દેખાયાં જ નહોતાં. બ્રિટનમાં એક તંદુરસ્ત યુવકનું થોડા કલાકોમાં જ મોત થઇ ગયું. બ્રિટનમાં ડૉક્ટર્સ પર હુમલા પણ થઇ રહ્યા છે. વાંચો ડર અને આશાના 6 કિસ્સા.
33 વર્ષનો ખેલાડી: ‘ડૉક્ટર કહે છે કે હું સાજો થઇ ગયો છું પણ શ્વાસ નથી લઇ શકતો’
રોમ‌: આન્દ્રે એકદમ સ્વસ્થ હતો. લૉકડાઉનમાં પણ ઘરમાં જ જોગિંગ, સ્વીમિંગ ચાલુ હતા. શરદી થઇ તો ડૉક્ટરને બતાવ્યું. તે કોરોના પોઝિટિવ જણાયો. ઘરમાં ક્વોરેન્ટાઇન કરી દેવાયો. ડૉક્ટરે કહ્યું કે હાલત અચાનક બગડી શકે છે. એવું જ થયું. માત્ર 36 કલાકમાં તે આઇસીયુમાં પહોંચી ગયો. ત્યાં 9 દિવસ રહ્યો. 3 દર્દીને પોતાની નજર સામે મરતા અને ડૉક્ટર્સને વેન્ટિલેટર તથા દવાઓ માટે સંઘર્ષ કરતા જોયા. તે કહે છે- ડૉક્ટરનું કહેવું છે કે હું ઠીક છું. તેથી મને હોટલમાં રખાયો છે પરંતુ હું હજુ પણ શ્વાસ લઇ શકતો નથી. બેડમાંથી ટોઇલેટ સુધી જાઉં તો પણ શ્વાસ ચઢી જાય છે. રોજ વર્કઆઉટ અને વોટરપોલો આન્દ્રે નેપોલીની દિનચર્યાનો હિસ્સો છે. તે છેલ્લે ક્યારે બીમાર પડ્યો હતો એ તેને યાદ પણ નથી.
19 વર્ષનો શૅફ: ડૉક્ટરે કહ્યું- તું યુવાન અને મજબૂત છે, અડધા કલાકમાં જ મોત
લંડન‌: લૂકા ડી નિકોલા. ઉંમર માત્ર 19 વર્ષ. વ્યવસાયે ઇટાલિયન શૅફ. લૂકાને થોડી શરદી થઇ અને હળવો તાવ હતો. ડૉક્ટરે પેરાસિટામોલ આપીને કહ્યું- તું યુવાન અને મજબૂત છે. સામાન્ય તાવ છે, એકદમ સાજો થઇ જઇશ પણ બીજા જ દિવસે તેની હાલત અચાનક બગડી. તે પડી ગયો. તેની માતાએ જોયું કે તેના હોઠ સૂકાઇ ગયા છે અને શરીર ફિક્કું પડી ગયું છે. ડૉક્ટરને બોલાવ્યા પણ તેના ફેફસાંમાં લોહી-પાણી ભરાઇ ગયા હતા. તેને હોસ્પિટલ લઇ જવાયો પણ અડધા કલાકમાં જ તેનું મોત થઇ ગયું. હવે તેની માતામાં પણ આ લક્ષણો દેખાઇ રહ્યા છે. લૂકા ઇટાલીનો વતની હતો અને તેની માતા સાથે લંડનમાં સ્થાયી થયો હતો. લોકોને આરોગ્યપ્રદ ભોજનના ફાયદા જણાવતો, પોતે પણ તંદુરસ્ત હતો.
14 વર્ષનો કિશોર: લક્ષણ ન દેખાયાં, ચામડીના રોગથી ઇમ્યૂન સિસ્ટમ નબળી હતી, મોત
લિસ્બન: પોર્ટુગલનો 14 વર્ષનો વિક્ટર ગોડિનો યુરોપમાં કોરોનાથી મોતને ભેટેલો સૌથી ઓછી ઉંમરનો દર્દી છે. વિક્ટર ફુટસાલ પ્લેયર હતો. આ ફુટબોલનો જ એક પ્રકાર છે પણ તેમાં દરેક ટીમમાં 5 ખેલાડી હોય છે. એટલે કે ફુટબોલથી પણ વધુ એનર્જીની જરૂર પડે છે. તે ચામડીના રોગ સોરાઇસિસથી પીડાતો હતો. આ બીમારી ઇમ્યૂન સિસ્ટમ નબળી પાડી દે છે. તેનામાં કોરોનાના કોઇ લક્ષણ નહોતા. અચાનક તબિયત બગડી તો ઓવર શહેરથી તેને પોર્તો લવાયો. બન્ને શહેર વચ્ચેનું અંતર માત્ર અડધા કલાકમાં કપાય છે પણ હોસ્પિટલ પહોંચતાં જ તેનું મોત થઇ ગયું. વિક્ટરનું મોત ડરામણું છે, કેમ કે બાળકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. 2 દિવસ અગાઉ પેરિસમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું છે. 
26 વર્ષની સ્કૂલ ટીચર: ડાયાબિટિક છે, આપબળે કોરોના વાઇરસ સામે લડી રહી છે
લંડન‌: 26 વર્ષની સારા હાલ સેકન્ડરી સ્કૂલમાં ટીચર છે. ટાઇપ વન ડાયાબીટિક છે. શરદી થઇ તો હેલ્પલાઇન પર ફોન કર્યો. કહેવામાં આવ્યું કે તેને કોરોના હોઇ શકે છે. સારાએ ખૂબ પાણી પીવાનું શરૂ કરી દીધું. બે દિવસ બાદ તેને લાગ્યું કે હવે તે સાજી થઇ રહી છે ત્યાં અચાનક ખૂબ પરસેવો થવા લાગ્યો. તે સોફા પર પડી ગઇ. શ્વાસ ચઢવા લાગ્યો. હાલત બગડતી ગઇ તો હેલ્પલાઇન પર ફોન કર્યો. ખબર પડી કે એમ્બ્યુલન્સ 9 કલાક પછી આવશે. તે જાતે હોસ્પિટલમાં પહોંચી. તે પોઝિટિવ જણાઇ પણ તેને ઘરે મોકલી દેવાઇ. હવે એક અઠવાડિયા બાદ તેની હાલત સુધારા પર છે. જોકે, શ્વાસ લેવામાં હજુ પણ તકલીફ પડી રહી છે. 3 વાર ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ ન આવી. હેલ્પલાઇન તેને સમજાવતી રહી કે તમે એમ્બ્યુલન્સની રિક્વેસ્ટ કેન્સલ કરો.
102 વર્ષનાં દાદીમા: ડૉક્ટર્સે ‘અમર’ નામ રાખી દીધું છે, તેમના પર રિસર્ચ કરી રહ્યા છે
ઇટાલીના જિનોઆમાં 102 વર્ષનાં ઇટાલિકા ગ્રોનડોના રહે છે. આ મહિનાની શરૂઆતમાં હૃદયની સામાન્ય તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તપાસમાં ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે. સારવાર શરૂ કરાઇ અને જોતજોતાંમાં તેઓ સાજા થઇ ગયા. ડૉક્ટર્સે તેમનું હુલામણું નામ હાઇલેન્ડર (અમર) પાડી દીધું છે. તેઓ સાજા થતાં ઇટાલીના અન્ય વૃદ્ધોમાં પણ હિંમત આવી છે. તેમનો જન્મ 1917માં થયો હતો અને તેઓ સ્પેનિશ ફ્લૂ પણ જોઇ ચૂક્યા છે. ડૉક્ટર્સ તેમના સીરમ અને બૉડી પર રિસર્ચ કરી રહ્યા છે, જેથી કોરોના સામે લડવાનો કોઇ રસ્તો શોધી શકાય. ગ્રોનડોન પર સંશોધકોની નજર છે. તેઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. ડૉક્ટર્સ એ જાણવા મથે છે કે તેમના શરીરમાં એવું તો શું છે?
સેવામાં લાગી નર્સ: ઘરે આવતી વખતે હુમલો, ડૉક્ટર્સ-નર્સોથી આઇકાર્ડ છીનવી લેવાય છે
માન્ચેસ્ટર: 33 વર્ષીય સમા શાલી હોસ્પિટલમાં 10 કલાકની ડ્યૂટી કરીને ઘરે જતી હતી. ગળામાં ક્રિસ્ટી હોસ્પિટલનું આઇકાર્ડ હતું. અચાનક એક યુવકે તેની નજીક આવીને તેને લાફો મારી દીધો. થોડી વાર તેની ફરતે ચક્કર લગાવ્યા બાદ બીજો લાફો માર્યો. પછી કેટલાક લોકોને આવતા જોઇને ભાગી ગયો. સમાને ડર છે કે કદાચ તે યુવક કોરોના પોઝિટિવ હતો અને તેને ચેપ લગાડવા માગતો હતો. તેને હવે એવો પણ ડર છે કે ક્યાંક તે તેના સાથીઓને ચેપગ્રસ્ત ન કરી બેસે. હાલ બ્રિટનમાં ડૉક્ટર્સ-નર્સો સાથે મારઝૂડ અને લૂંટફાટના બનાવ બની રહ્યા છે. લોકો તેમની પાસેથી આઇકાર્ડ છીનવી લેવા પ્રયાસ કરે છે. કેટલાક લોકો ડૉક્ટર્સ-નર્સોને કોરોના સ્પ્રેડર કહી રહ્યા છે. આદેશ છે કે તેઓ યુનિફોર્મ અને આઇકાર્ડ પહેરીને ન નીકળે.

અન્ય સમાચારો પણ છે...