પાકિસ્તાનના પેશાવરમાં આવેલી એક શિયા મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટમાં 57 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 200થી વધુ લોકો ઘવાયા હતા. તેમાં અનેક લોકોની હાલત ગંભીર જણાવાઈ છે. અફઘાનિસ્તાન નજીકના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતની રાજધાની પેશાવરના કિસ્સા ખ્વાની બજારની જામિયા મસ્જિદમાં વિસ્ફોટના સમયે મોટી સંખ્યામાં લોકો જુમ્માની નમાજ અદા કરવા એકઠા થયા હતા.
પેશાવરના એસએસપી હારુન અલ રશીદે કહ્યું કે વિસ્ફોટ આત્મઘાતી હુમલાખોરે કર્યો હતો. બે હુમલાખોરે મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની લપેટમાં આવતા બે પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ આતંકીઓમાંથી એક અંદર ઘૂસી ગયો હતો. તેણે જ આત્મઘાતી વિસ્ફોટ કર્યો. હજુ કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
હુમલામાં વિદેશનો હાથ: પાક.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે. ગૃહમંત્રી શેખ રશીદ અહેમદે હુમલા પાછળ વિદેશી તાકાતોનો હાથ હોવાનો દાવો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.