છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર અનેક પ્રતિભાશાળી ઓનલાઈન ક્રિએટરોએ પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. 2011માં યુ ટ્યૂબની સાથે ક્રિએટરોના અલગ જ અર્થતંત્રનો ઉદય થયો. તેઓ પોતાના આઈપી સાથે આઝાદ છે. તેના પર કોઈ બ્રાન્ડ કે સ્પોન્સરનું લેબલ નથી. અનેક સાઈટ પર લેખક, ગેમર, શિક્ષક, વિદ્વાન, શેફ, એથલેટ અને આર્ટિસ્ટ સહિત અન્ય લોકો પોતાના વીડિયો શેર કરે છે. ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ફેક્ટરીના એક સ્ટડી પ્રમાણે, દુનિયાભરમાં આશરે પાંચ કરોડ વ્યક્તિ ક્રિએટર અર્થતંત્ર સાથે જોડાયેલા છે. 2021માં ક્રિએટર માર્કેટનું મૂલ્ય રૂ. 7.44 લાખ કરોડથી વધુનું હતું.
અનેક ઓનલાઈન ક્રિએટર સાઈટ સાથે લાખો લોકો જોડાયેલા છે. ઓન્લી ફેન્સ પર 20 લાખથી વધુ ક્રિએટર છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચ 70 લાખ માસિક એક્ટિવ સ્ટ્રીમર હોવાનો દાવો કરે છે. વિઝ્યુઅલ અને લેખકોનું કન્ટેન્ટ પીરસતી સાઈટ પેટ્રિઓનના અઢી લાખથી વધુ એક્ટિવ એકાઉન્ટ છે. ક્રિએટરોના આ નવા વર્ગે જબદરસ્ત કમાણી કરી છે. ઓન્લી ફેન્સનો દાવો છે કે, 2016માં સ્થાપના પછી તે રૂ. 44 હજાર કરોડથી વધુનું પેમેન્ટ કરી ચૂકી છે. પેટ્રિઓન કહે છે કે, તેના ક્રિએટર એકાઉન્ટથી રૂ. 26 હજાર કરોડથી વધુની કમાણી થઈ ચૂકી છે. 2021ના પહેલા છ મહિનામાં ટ્વિચે આશરે રૂ. 1500 કરોડની એપ્સ ખરીદી હતી.
ઓનલાઈન ક્રિએટરોમાં બાળકો, કિશોરો અને યુવાનોની સંખ્યા વધુ છે. રિસર્ચ ફર્મ પીએસએફકેના સ્ટડીથી માલુમ પડે છે કે, 9થી 24 વર્ષના વયજૂથના 50%થી વધુ લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છે છે, પરંતુ સબસ્ક્રિપ્શનથી સૌથી વધુ પૈસા કમાનારા ઈતિહાસકાર હીથર કૉક્સ રિચર્ડસન, સંગીતકાર અમાન્ડા પામેર, ફોટોગ્રાફર બ્રેન્ડન સ્ટેન્ટન અને મોડલ બ્લેક ચાઈના 30 વર્ષથી વધુ વર્ષના છે. જોકે, તેઓ પોતાની સ્કિલ ઓનલાઈન વેચતા પહેલા કારકિર્દીમાં સર્વોચ્ચ સ્તરે પોહંચી ચૂક્યા હતા. છેલ્લા દસ વર્ષમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર પોતાનું કન્ટેન્ટ અપલોડ કરવાનું ચલણ વધ્યું છે. ઈન્ટરનેટ કનેક્શન સાથે કોઈ પણ વ્યક્તિ આ મેદાનમાં નસીબ અજમાવી શકે છે. પહેલા ક્રિએટરોને થોડા પૈસા અપાતા હતા. વધુ વ્યૂઅરશિપ જ સન્માન ગણાતું. બાદમાં ક્રિએટરોને કન્ટેન્ટ સાથે જોડીને જાહેરખબરોમાં હિસ્સો મળવા લાગ્યો.
એ પછી પેઈડ સોશિયલ મીડિયાનું મોડલ આવ્યું. તેમાં ઓડિયન્સ સીધા પોતાના પસંદગીના ક્રિએટરને પૈસા આપી શકે છે. ટ્વિચના વાઈસ પ્રેસિડેન્ટ માઈક મિન્ટન કહે છે કે, 2011માં ટ્વિચ આવવાની સાથે ક્રિએટર ઈકોનોમીનો પાયો નંખાયો. સબસ્ક્રિપ્શન પર નજર કરીને તમે આર્ટિસ્ટ અને ઓડિયન્સના સંબંધને સમજી શકો છો. 45 વર્ષીય અમાન્ડા પામેરે 2015માં પેટ્રિઓન પર એકાઉન્ટ શરૂ કર્યું હતું. તેઓ પૈસા આપનારા 12 હજાર સબસ્ક્રાઈબરને મ્યુઝિક, વીડિયો અને બ્લોગ પોસ્ટ કરે છે. તેમણે મહામારીમાં આ રીતે રૂ. 37 કરોડની કમાણી કરી છે.
સાઈટો ઊંચું કમિશન વસૂલી કમાય છે
આ બધી કમાણી ક્રિએટરોના ખિસ્સામાં નથી જતી. લાગે તો છે કે, સોશિયલ મીડિયા પર ક્રિએટર જ પોતાના બોસ છે, પરંતુ પ્લેટફોર્મ કે સાઈટની પણ ચોક્કસ ભૂમિકા છે. ઉદાહરણ તરીકે, ટ્વિચ સબસ્ક્રિપ્શનમાં 50% કમિશન વસૂલે છે. ઓન્લી ફેન્સનો હિસ્સો 20% છે, તો પેટ્રિઓન 5%થી 12% અને સબસ્ટેક 10% લે છે. આ કંપનીઓ વચેટિયાની ભૂમિકામાં હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.