ઈમરાનની પત્ની બુશરા બીબીનું કારસ્તાન:કોન્ટ્રેક્ટ અપાવવા માટે 5 કેરેટની ડાયમંડ રિંગ લીધી; અબજપતિનો ઓડિયો વાઇરલ

એક મહિનો પહેલા

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની ગેરરીતિને લગતો વધુ એક ઘટસ્ફોટ થયો છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ ચર્ચામાં બુશરા બીબીના એ મિત્ર ફરાહ ખાન ઉર્ફે ફરાહ ગોગી જ છે કે જે ખાનની સરકાર સત્તામાંથી ગઈ તે અગાઉ ઈસ્લામાબાદથી દુબઈ ભાગી ગયા હતા.

2 મિનિટ 17 સેકન્ડનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા અરબપતિ કારોબારી મલિક રિયાઝ અને તેની દીકરી અંબર વચ્ચે વાતચીત છે. તેમાં અંબર પિતાને જણાવી રહી છે કે બુશરા બીબી 5 કેરેટની હીરાની વિંટી માગી રહી છે. તેના બદલામાં તેઓ ઈમરાન પાસેથી રિયાઝને કોન્ટ્રેક્ટ અપાવી દેશે.

આ ઘટના શું છે એ સમજો
બે દિવસ અગાઉ પાકિસ્તાનના સૌથી મોટા જમીન માફિયા મલિક રિયાઝ અને તેની દીકરી અંબર રિયાઝનો એક ઓડિયો ક્લિપ સામે આવ્યો હતો. તેમા અંબર તેના પિતા મલિક રિયાઝને પંજાબીમાં કહે છે-મારી ફરાહ ગોગી સાથે વાતચીત થઈ ગઈ છે. તે કહે છે કે બુશરા બીબીને 3 નહીં પણ 5 કેરેટનો ડાયમંડ જોઈએ છે. રિંગ તે જાતે જ બનાવી લેશે, જોકે તેની ચુકવણી આપણે કરવાની રહેશે. બુશરા અને ફરાહએ ઈમરાન ખાન સાહેબ સાથે વાત કરી લીધી છે. તે તાત્કાલિક કોન્ટ્રેક્ટની તમામ ફાઈલ ઓકે કરાવી લેશે. આ અંગે મલિક રિયાઝ કહે છે કે-આ માટે કોઈ જ મુશ્કેલી નથી. 5 કેરેટનો ડાયમંડ મોકલી આપી છીએ.

અબજો ડોલરનો કોન્ટ્રેક્ટ મળ્યો
પાકિસ્તાનની જર્નલિસ્ટ ગૌહર બટ્ટ કહે છે-કરાચીમાં એક અબજો રૂપિયાનો હાઉસિંગ પ્રોજેક્ટ પાસ થયો છે. મલિક રિયાઝ આ માટે કોન્ટ્રેક્ટ લેવા માગતો હતો. તેની ફાઈલ આગળ વધતી ન હતી. ફરાહ ખાને બુશરા બીબીનો સંપર્ક કર્યો. બુશરાએ ઈમરાનને તૈયાર કર્યાં અને અબજો રૂપિયાના કોન્ટ્રેક્ટમાં કરોડોની લાંચ લીધી હોવાનું સ્પષ્ટ થાય છે. ખાસ વાત એ છે કે આ ડાયમંડ રિંગ પહેરેલી બુશરાને જોઈ પણ હતી. તે અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી.

મલિક રિયાઝ કોણ છે
રિયાઝનો પાકિસ્તાનમાં ખૂબ જ પ્રભાવ છે. લશ્કર, ISI અને રાજકારણમાં તેમના વગદાર લોકો રહેલા છે. તાજેતરમાં આસિફ અલી જરદારી સાથેની વાતચીતનો એક ઓડિયો પણ લીક થયો હતો. તેમાં જરદારીને કહી રહ્યા છે કે ઈમરાન પરસ્પર પેચઅપ કરવા માગે છે. આ અંગે જરદારી સ્પષ્ટ કહે છે કે આ હવે શક્ય નથી. ગયા વર્ષે રિયાઝ સાથે જોડાયેલ મોટી રકમ મળી આવી હતી. બ્રિટીશ સરકારે આ રકમ પાકિસ્તાનને સોંપી દીધી હતી. ઈમરાન ખાતે તેમની કેબિનેટને કહ્યું હતું કે આ એક ગુપ્ત ડીલ છે. બાદમાં આ પૈસાનું શું થયું તે અંગે કોઈને જાણ નથી.