યે અપુન કા સ્ટાઈલ હૈ!:ચીનમાં સિગરેટ પીને લગાવી 42 કિલોમીટરની મેરેથોન દોડ, લોકો રહી ગયા દંગ !

3 મહિનો પહેલા

સામાન્ય રીતે સિગરેટ ન પીતો હોય તેવો વ્યક્તિ દોડી શકે છે. પરંતુ, ચીનમાં યોજાયેલી મેરેથોનમાં એવી ઘટના બની કે લોકો ચોંકી ઉઠ્યા. ફિટનેસ અને ગુડ હેલ્થને પ્રોત્સાહન આપવા માટે 42 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં એક 50 વર્ષીય વૃદ્ધ કાકાએ સિગરેટ પીતા પીતા 42 કિલોમીટરની મેરેથોન દોડ પૂર્ણ કરી. સુટ્ટો મારવાની સાથે મેરેથોન દોડમાં પણ તેઓ ખૂબ તેજ દોડી રહ્યા હતા. ચીનના જીયાનદે શહેરમાં આ શિનજિયાંગ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. લગભગ એક હજારથી વધુ લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો. જ્યાં 50 વર્ષના ચેઈન સ્મોકર કાકા આકર્ષણનું કેંદ્ર બન્યા હતા.

ચેઈન સ્મોકિંગ કરતા આ કાકા અંકલ ચેનના નામથી ખૂબ મશહૂર થઈ રહ્યા છે. મેરેથોનમાં સિગરેટ પીતા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ છે. દુનિયાના અનેક લોકો તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી કાકાનો અનોખો અંદાજ જોઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિગરેટ પીતા પીતા મેરેથોનમાં 50 વર્ષના આ કાકાએ 3 કલાક 28 મિનિટની દોડ પૂર્ણ કરી છે. આ રેસમાં 564મા નંબર પર તેઓ આવ્યા છે. જોકે મેરેથોન બાદ આયોજકોએ રેસનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું. અંકલ ચેન નામથી ચર્ચામાં આવેલો શખ્સ પહેલા પણ 2018માં 3.36 કલાક સુધી ગુઆંગજોમાં મેરેથોન પૂર્ણ કરી ચૂક્યા છે.