આફ્રિકન દેશ સેનેગલમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 40 લોકોનાં મોત થયા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું- પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક બસનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે તે બેકાબૂ બની ગઈ અને બીજી બસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ મેકી સેલૈએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
AFPની રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના કેફરીન શહેરની નજીક બની હતી. ઈમરજન્સી સર્વિસ ઓફિસર શેખ ફોલએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 125 લોકોનો ભોગ લેવાયો, જેમાંથી 87 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગનીબી ગામમાં અકસ્માત સર્જાયો
રાષ્ટ્રપતિ મેકી સૈલે જણાવ્યું હતું કે કાફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે લગભગ 3.30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા.
તેમણે કહ્યું કે હું ગનીબીમાં થયેલા અકસ્માતના સમાચારથી ખૂબ જ દુખી છું, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત
રાષ્ટ્રપતિએ સેનેગલમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે રોડ અકસ્માત નેશનલ રોડ નંબર-1 પર થયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, એક બસનું ટાયર પંક્ચર થતા તે બીજી બસ સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 87 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
સેનેગલમાં માર્ગ મુસાફરી સુરક્ષિત નથી
સેનેગલમાં માર્ગ અકસ્માત સામાન્ય છે. એક્સપર્ટના મતે અહીં ખરાબ રસ્તા અને ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માતો થાય છે. 2020માં પણ એક બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 16 લોકોનાં મોત અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.