તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 35 People From Kabul Will Reach Delhi Today By Air Force Plane; All party Meeting On Afghanistan Crisis At 11 Am

તાલિબાનનું શાસન LIVE:કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી વિસ્ફોટ, 60નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 150 ઘાયલ, ISIS ખુરાસન ગ્રુપ પર હુમલાનો આરોપ

નવી દિલ્હી25 દિવસ પહેલા
કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે
  • ઈટાલીના વિમાન પર પણ ફાયરિંગ
  • ફ્રાન્સ આવતીકાલથી કાબુલમાંથી એરલિફ્ટ કરવાનું બંધ કરશે
  • લોકોને ડરાવવા માટે બાળકો અને વૃદ્ધ લોકોની હત્યા કરી રહ્યા છો તાલિબાનો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઠીક સામે ગુરૂવારે સાંજે બ્લાસ્ટ થયો. જેમાં 60 લોકોના મોત થયા હોવાની અને 150 લોકો ઈજાગ્રસ્ત થયા માહિતી મળી રહી છે. ઘાયલોમાં ત્રણ અમેરિકી સૈનિક પણ સામલે છે. ઘટના પછી એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ ઓપરેશન્સ બંધ કરી દેવાયા છે. પેન્ટાગોને આતંકી સંગઠન ISIS ખુરાસન પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાના બે અધિકારીઓએ જણાવ્યું કે, ગુરૂવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો. જેના થોડાં સમય બાદ બીજો વિસ્ફોટ થયો. બ્રિટનના રક્ષા મંત્રાલયે બંને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા મુજબ આ હુમલો આતંકી સંગઠન ISISએ કર્યો છે.

રશિયન મીડિયા સ્પુતનિકના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 13 લોકો માર્યા ગયા છે. ફોક્સ ન્યૂઝે જણાવ્યું કે વિસ્ફોટમાં 4 અમેરિકી સૈનિક પણ માર્યા ગયા હોવાના સમાચાર છે. ભાસ્કરના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એરપોર્ટની બાસે બૈરન હોટલ નજીક વિસ્ફોટ થયો છે. સુરક્ષા માટે કાબુલ એરપોર્ટથી જતી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તમામ વિમાનોને નાટોની સેનાએ પોતાની સુરક્ષા હેઠળ લઈ લીધા છે.

CNNના અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને હુમલાની જાણકારી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ અમેરિકી સૈનિક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એરપોર્ટ પર સતત ફાયરિંગ થતું હોવાની સુચના મળી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં અનેક અફઘાની માર્યા ગયા છે, જ્યારે અનેક ઘાયલ પણ થયા છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી. એક માહિતી અનુસાર વિમાનમાં આશરે 100 અફઘાની નાગરિકો સવાર હતા.

આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે.
આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને આજે જ આતંકી હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી
કાબુલ એરપોર્ટમાં ભાગદોડ જોવા મળી રહી છે. આ વચ્ચે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને આજે જ કાબુલ એરપોર્ટમાં આતંકી હુમલો થશે તેવી શક્યતા દાખવી પોતાના નાગરિકોને હાલ કાબુલ એરપોર્ટ પર નહીં જવાની તેમજ જે લોકો ત્યાં હાજર છે તેઓને તાત્કાલિક ત્યાંથી અન્ય સ્થાને ખસી જવાની સુચના આપી હતી

કાબુલ સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે જેઓ કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર હાજર છે તેઓ તાત્કાલિક ત્યાંથી હટી જાય અને આગામી સુચનાની રાહ જુએ. તો બ્રિટને પણ આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે.

તાલિબાને પાકિસ્તાન સાથેની પોતાની નિકટતા કબુલ કરી, કહ્યું- પાકિસ્તાન અમારા માટે બીજા ઘર જેવું; ભારત સાથે પણ સારા સંબંધ ઈચ્છીએ છીએ
પાકિસ્તાન સાથે તાલિબાને પોતાની નિકટતા કબુલ કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન તેમના સંગઠન (તાલિબાન) માટે બીજા ઘર જેવું છે. ઝબીઉલ્લાહે એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે અને બંને દેશોના લોકો ધાર્મિક આધાર પર એકબીજા સાથે જોડાયેલા છે. તેથી જ અમે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ. એમ પણ કહ્યું કે અમે ભારત સાથે પણ સારા સંબંધો ઈચ્છીએ છીએ.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.-ફાઇલ
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.-ફાઇલ

ફ્રાન્સે કહ્યું- આવતીકાલથી કાબુલથી એરલિફ્ટ બંધ કરવામાં આવશે
અમેરિકા, બ્રિટન અને ભારત સહિત ઘણા દેશ કાબુલમાંથી લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. આં દરમિયાન ફ્રાન્સે નિર્ણય લીધો છે કે તે 31 ઓગસ્ટની અંતિમ તારીખથી ચાર દિવસ પહેલા એટલે કે શુક્રવારથી તેની ફ્લાઇટ બંધ કરશે. રશિયન સમાચાર એજન્સી સ્પુતનિક અનુસાર, ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે કહ્યું છે કે શુક્રવારની રાત પછી કાબુલ એરપોર્ટ પરથી ઇવેક્યુએશન ફ્લાઇટ્સ ચલાવી શકશે નહીં.

બીજી બાજુ, અમેરિકાએ સંકેત આપ્યો છે કે અમેરિકી સૈન્યનું મિશન પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટની સમયમર્યાદા પછી પણ કાબુલ એરપોર્ટ ખુલ્લું રાખવામાં આવી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે કાબુલ એરપોર્ટ પરથી ઓપરેશન ચાલુ રાખવાના પ્રયાસો ચાલુ છે અને અન્ય દેશો આમાં ભૂમિકા ભજવી શકે છે કે કેમ તે જોવાનું બાકી છે.

પંજશીરમાં તાલિબાનની નોર્દન એલાયન્સ સાથે વાતચીત, સીઝફાયર પર સંમતિ
અફઘાનિસ્તાનમાં પંજશીર સિવાય તમામ વિસ્તારો તાલિબાનના કબ્જામાં છે. પંજશીરમાં અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહની આગેવાનીમાં લડવૈયાઓ તાલિબાન સામે યુદ્ધ લડી રહ્યા છે. આં દરમિયાન એવું જાણવા મળ્યું છે કે તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિઓ વચ્ચે ચારીકારમાં વાતચીત થઈ છે. આ દરમિયાન બંને પક્ષો એકબીજા પર હુમલો ન કરવા સંમત થયા છે.

તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિઓ વચ્ચે ચારીકારમાં વાતચીત થઈ છે. અફઘાનિસ્તાનમાં પંજશીર સિવાય તમામ વિસ્તારો તાલિબાનના કબજામાં છે.
તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિઓ વચ્ચે ચારીકારમાં વાતચીત થઈ છે. અફઘાનિસ્તાનમાં પંજશીર સિવાય તમામ વિસ્તારો તાલિબાનના કબજામાં છે.

કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાનો ભય
કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થવાની આશંકા વ્યક્ત કરતાં પોતાના નાગરિકોને અત્યારે કાબુલ એરપોર્ટ પર ન જવાની ચેતવણી આપી છે અને જે લોકો એરપોર્ટની બહાર ઉપસ્થિત છે તે લોકો તાત્કાલિક ત્યાંથી દૂર જતા રહે. કાબુલમાં આવેલા અમેરિકી દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો કાબુલ એરપોર્ટના અબુ ગેટ, ઇસ્ટ ગેટ અથવા નોર્થ ગેટ પર ઉપસ્થિત છે તો તેઓ તાત્કાલિક ત્યાંથી દૂર જતા રહે અને યુએસ સરકાર તરફથી વધુ સૂચના ન મળે ત્યાં સુધી રાહ જુએ.

તાલિબાનોએ TOLO ન્યૂઝના પત્રકાર પર હુમલો કર્યો
તાલિબાનોએ કાબુલમાં TOLO ન્યૂઝના પત્રકાર જિયાર ખાનનો કેમેરો તોડી નાખ્યો અને તેની પર હુમલો કર્યો હતો. દરમિયાન, સમાચાર આવ્યા કે તાલિબાનની મારપીટને કારણે જિયાર ખાનનું મોત થયું છે. પરંતુ ખુદ જિયાર ખાને તેનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, 'તાલિબાનોએ મારા પર હુમલો કર્યો છે, પરંતુ કેટલાક લોકોએ મારા મૃત્યુની અફવા ફેલાવી છે.' જિયાર ખાન અફઘાનિસ્તાનમાં ગરીબી બાબતે કવરેજ કરી રહ્યા છે.

કાબુલથી 35 લોકો ભારત પહોંચ્યા
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે ઓપરેશન દેવી શક્તિ હાથ ધર્યું છે. આ અંતર્ગત એરફોર્સના વિમાનમાં 24 ભારતીયો અને 11 નેપાળીઓ કાબુલથી આવી પહોંચ્યા છે. આ વિમાનગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર પહોંચ્યું છે. દરમિયાન, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત આવવા માંગતા 80 અફઘાન શીખોને તાલિબાનોએ રોકી રાખ્યા છે અને પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબને પણ ભારતમાં લાવવાથી રોક્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એરફોર્સના વિમાને તે અફઘાની લોકોની આવવાની ઘણી રાહ જોઈ હતી, પરંતુ તેમણે લાવી શકાયા નહીં.

અફઘાનિસ્તાનથી લોકોને એરલિફ્ટ કરવાની સાથે સરકાર ત્યાંની પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. આ સંદર્ભમાં સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તમામ પક્ષોને જણાવશે કે અફઘાનિસ્તાન મુદ્દે શું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકર આ અંગે માહિતી આપશે.

તાલિબાને આતંકવાદી મુલ્લા અબ્દુલ કય્યુમ ઝાકીરને વચગાળાનો રક્ષા મંત્રી બનાવ્યો
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન હવે પોતાની સરકાર બનાવવાની કવાયતમાં વ્યસ્ત છે. દરમિયાન તેણે વચગાળાના રક્ષા મંત્રી અને ગૃહમંત્રીની નિમણૂંક કરી છે. મીડિયા અહેવાલો અનુસાર
તાલિબાને ખતરનાક આતંકવાદી મુલ્લા અબ્દુલ કય્યુમ ઝાકીરને વચગાળાના રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કર્યો છે. અબ્દુલ કય્યુમ ઝાકીર તાલિબાનના કમાન્ડર રહી ચૂક્યો છે અને તાલિબાનના સ્થાપક મુલ્લા
ઓમરનો પણ નજીકનો છે. અમેરિકાની આગેવાની હેઠળના NATO સેનાએ 2001માં ઝાકિરની ધરપકડ કરી હતી અને 2007 સુધી તેને ગ્વાંતનામોની જેલમાં રાખ્યો હતો. ગ્વાંતનામો-બે જેલ કયુબામાં આવેલી હાઇ સિક્યોરિટી જેલ છે. આં જેલમાં ખતરનાક અને હાઇ પ્રોફાઇલ આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે.

મુલ્લા અબ્દુલ કય્યુમ ઝાકિર તાલિબાનનો કમાન્ડર રહી ચૂક્યો છે અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરની નજીકનો પણ છે.
મુલ્લા અબ્દુલ કય્યુમ ઝાકિર તાલિબાનનો કમાન્ડર રહી ચૂક્યો છે અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરની નજીકનો પણ છે.

કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા 100 લોકોનો ISIS સાથે સંબંધ હોઈ શકે છે
અમેરિકા અને ભારત સહિત વિશ્વના ઘણા દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી રહ્યા છે. આં દરમિયાન યુએસ સરકારના અધિકારીઓએ ચેતવણી આપી છે કે કાબુલથી એરલિફ્ટ કરાયેલા 100 અફઘાનીઓનો ISIS જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોઈ શકે છે અને આ લોકો ગુપ્તચર એજન્સીની વોચ લિસ્ટમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની ઓટોમેટેડ બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમથી આ લોકોની ઓળખ કરવામાં આવી છે.

ફોટો કાબુલ એરપોર્ટની બહારનો છે, જ્યાં અફઘાનીઓની ભારે ભીડ છે.
ફોટો કાબુલ એરપોર્ટની બહારનો છે, જ્યાં અફઘાનીઓની ભારે ભીડ છે.
કાબુલ એરપોર્ટ પર હજી પણ અફઘાનીઓની ભારે ભીડ એકત્રિત થઈ રહી છે.
કાબુલ એરપોર્ટ પર હજી પણ અફઘાનીઓની ભારે ભીડ એકત્રિત થઈ રહી છે.

તાલિબાન લોકોને ડરાવવા માટે બાળકો અને વૃદ્ધ લોકોની હત્યા કરી રહ્યા છે
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનની ક્રૂરતાની તસવીર દરરોજ સામે આવી રહી છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ગૃહમંત્રી મસૂદ અંદરાબીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેમણે દાવો કર્યો છે કે લોકોને ડરાવવા માટે તાલિબાન ઘરના સભ્યોની સામે બાળકોની હત્યા કરી રહ્યા છે અને તેમનાં ઘરોમાં સૂતા વૃદ્ધો પર ગોળીઓ વરસાવી રહ્યા છે.

તાલિબાનીઓના ડરથી અફઘાનીઓ દેશ છોડી રહ્યા છે.
તાલિબાનીઓના ડરથી અફઘાનીઓ દેશ છોડી રહ્યા છે.

તાલિબાનનો દાવો - નોર્ધર્ન અલાયન્સના કમાન્ડરે 300 લડવૈયા સાથે શરણાગતિ સ્વીકારી
તાલિબાને એક વીડિયો બહાર પાડ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજશીરમાં નોર્થર્ન અલાયન્સના બળવાખોર જૂથના ટોચના કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાનીએ તેના 300 લડવૈયા સાથે આત્મસમર્પણ કર્યું છે. ખુરાસાની તાલિબાનનો કટ્ટર દુશ્મન હતો અને તે પંજશીરનો જાણીતો કમાન્ડર છે. તેણે થોડા દિવસ પહેલાં તાલિબાન પ્રત્યે વફાદારી બતાવી હતી. ખુરાસાનીએ કહ્યું હતું કે પંજશીરના બીજા કમાન્ડર અને લડવૈયાઓ પણ લડાઈ બંધ કરે અને તાલિબાનના સમર્થનમાં આગળ આવે.

અહીં ટોલો ન્યૂઝના પત્રકાર જિયાર ખાન યાદ પર કાબુલમાં રિપોર્ટિંગ કરતી વખતે તાલિબાન લડવૈયાઓએ હુમલો કર્યો અને કેમેરા તોડી નાખ્યો હતો. જ્યારે કંદહારમાં તાલિબાને બે પાકિસ્તાની પત્રકારોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને પત્રકારો પરવાનગી વગર ત્યાં કામ કરી રહ્યા હતા.

પંજશીરમાં નોર્થર્ન અલાયન્સના ટોચના કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાની (જમણેથી બીજો)એ તેના 300 લડવૈયા સાથે આત્મસમર્પણ કર્યું છે. આ તાલિબાનનો દાવો છે.
પંજશીરમાં નોર્થર્ન અલાયન્સના ટોચના કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાની (જમણેથી બીજો)એ તેના 300 લડવૈયા સાથે આત્મસમર્પણ કર્યું છે. આ તાલિબાનનો દાવો છે.

વિશ્વ સમક્ષ ઝૂકયું તાલિબાન- 31 ઓગસ્ટ પછી પણ લોકોને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી
અફઘાનિસ્તાન છોડનારા લોકો 31 ઓગસ્ટ પછી પણ ત્યાંથી બહાર નીકળી શકશે. તાલિબાને આની મંજૂરી આપી છે. ન્યૂઝ એજન્સી AFPએ જર્મન એમ્બેસીના હવાલેથી આ માહિતી જણાવી છે. આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમની સેના 31 ઓગસ્ટ પછી અફઘાનિસ્તાન છોડશે. જોકે સોમવારે G7 દેશોએ અમેરિકી રાષ્ટ્રપતિ પાસે 31 ઓગસ્ટની સમયમર્યાદા વધારવાની માગ કરવામાં આવી હતી. હાલમાં કાબુલ એરપોર્ટ પર અમેરિકા સહિત નાટો દેશની સેનાનું નિયંત્રણ છે. વિવિધ દેશોના નાગરિકોને અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

પંજશીરમાં ઘૂસ્યા તાલિબાન લડવૈયાઓ

આ ફોટો પંજશીરમાં હાજર તાલિબાન લડવૈયાઓનો છે. તાલિબાનનું કહેવું છે કે તે પંજશીર પર હુમલો કરી રહ્યું નથી, કારણ કે તે ગામડાંનો નાશ કરવા માગતું નથી. તાલિબાનના એક લડવૈયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે પંજશીર અંગે વાતચીત ચાલી રહી છે.
આ ફોટો પંજશીરમાં હાજર તાલિબાન લડવૈયાઓનો છે. તાલિબાનનું કહેવું છે કે તે પંજશીર પર હુમલો કરી રહ્યું નથી, કારણ કે તે ગામડાંનો નાશ કરવા માગતું નથી. તાલિબાનના એક લડવૈયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે પંજશીર અંગે વાતચીત ચાલી રહી છે.

તાલિબાનના કબજા બાદ 87 હજારથી વધુ લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા કાબુલ પર તાલિબાનોના કબજા બાદથી 87 હજાર 900 લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું હતું કે મંગળવારથી અમેરિકાનાં 42 લશ્કરી વિમાનો દ્વારા 19 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 11,200 અમેરિકન અને 48 સાથીદેશોના 7,800 નાગરિકનો સમાવેશ થાય છે.

મહિલાઓ માટે તાલિબાની હુકમનામું, કહ્યું - મહિલાઓ પોતાના ઘરમાં જ રહે
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી કામ કરતી મહિલાઓ તેમની સલામતી માટે ચિંતિત છે. અમેરિકા સહિત વિશ્વભરના દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન તાલિબાનના પ્રવક્તાએ મહિલાઓ માટે હુકમનામું બહાર પાડ્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે અમારા લડવૈયાઓને મહિલાઓનું સન્માન કરવાની તાલીમ આપવામાં આવી નથી, તેથી અમે કામ કરતી મહિલાઓને કામ માટે ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરીએ છીએ.

પંજશીરમાં યુદ્ધથી ગભરાઈ ગયું પાકિસ્તાન, તાજિકિસ્તાને કહ્યું- તાલિબાન સરકાર સ્વીકાર્ય નથી
પંજશીરમાં તાલિબાન અને નોર્થર્ન અલાયન્સના લડવૈયાઓ વચ્ચે પંજશીરમાં યુદ્ધથી તાલિબાન સાથે પાકિસ્તાન પણ ભયભીત થયું છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના વિદેશમંત્રીને શાહ મહમૂદ કુરેશીને અફઘાનિસ્તાનના પડોશી દેશોને મદદ કરવાની જવાબદારી આપવામાં આવી છે. બુધવારે કુરેશી તાલિબાનના સમર્થનમાં પડોશી દેશોને એકત્ર કરવામાં વ્યસ્ત હતા. આ સંબંધમાં કુરેશી તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન પહોંચ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામ અલી રહેમાને કુરેશીને કહ્યું હતું કે તાઝિક મૂળના 46% લોકો અફઘાનિસ્તાનમાં રહે છે. તાજિકિસ્તાન આવી સરકારને સ્વીકારશે નહીં, જેમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ નથી. તેમણે આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાનમાં તાઝિક મૂળના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજશીર ઘાટીમાં મોટા ભાગના તાઝિક લોકો જ રહે છે.

અફઘાનિસ્તાનની ચોથા ભાગની વસતિ તાઝિક મૂળની છે
એવો અંદાજ છે કે અફઘાનિસ્તાનની વસતિનો ચોથો ભાગ તાઝિક મૂળનો છે. તાઝિક પશ્તૂનો પછી અફઘાનિસ્તાન બીજા ક્રમનો સૌથી મોટું વંશીય જૂથ છે. થોડા દિવસો પહેલાં રશિયન મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાજિકિસ્તાને પંજશીરના લડવૈયાઓ માટે હથિયારો અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી હતી, જોકે આ સમાચારની પુષ્ટિ થઈ શકી નથી.

તમને જણાવી દઈએ કે પંજશીર હાલમાં ચારેબાજુથી તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોથી ઘેરાયેલું છે અને હાલમાં ત્યાં માત્ર હવાઈ માર્ગે જ પહોંચી શકાય છે. આવી સ્થિતિમાં તાજિકિસ્તાનથી પંજશીરમાં હથિયારો મોકલવાના દાવાઓની ચકાસણી કરવી મુશ્કેલ છે. તાજિકિસ્તાન પણ ભારત સાથે સારા સંબંધો ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...