આ તો ગજબ કહેવાય!:4 વર્ષનો હતો ત્યારે અપહરણ થયું, તેના ગામનો નકશો દોરીને સોશિયલ મીડિયામાં શેર કર્યો, 33 વર્ષે પોતાના ગામે પરત ફર્યો

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષની ઉંમરે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો શિકાર બન્યો હતો

આ બનાવ ચીનનો છે. 33 વર્ષ પહેલાં બાળપણમાં અપહ્યત યુવક ફરી તેની માતા પાસે પહોંચી ગયો છે. આવું એટલે શક્ય બન્યું કે તેણે તેની યાદશક્તિના આધારે તેના ગામનો નક્શો બનાવી સોશિયલ મીડિયા પર શૅર કર્યો. એ નકશાની મદદથી તે ઘરે પાછો ફરી શક્યો. ત્યાં 1989માં હેનાન પ્રાંતમાં 4 વર્ષના લી જિંગવેઇનું પડોશમાં રહેતા એક શખસે ચાઇલ્ડ ટ્રાફિકિંગ માટે અપહરણ કરી લીધું હતું. તેણે લીને 1,800 કિ.મી. દૂર જઇને ગુઆંગડોંગ પ્રાંતમાં એક દંપતીને વેચી દીધો હતો. ત્યાર બાદ લીનો તેના પરિવાર અને ગામ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

વરસો વીતતાં ગયાં, પણ લીના મગજમાં તેની માતાની અને ગામની યાદો અકબંધ રહી. તે જે દંપતી સાથે રહેતો હતો તેને પણ તેણે ઘણીવાર અનુરોધ કર્યો કે તેને તેના ગામે જઇને તેની માતાને મળવા દે. તેની વારંવારની કાકલૂદી છતાં તે દંપતીનું હૃદય ન પીગળ્યું. બીજા થોડાં વર્ષ વીત્યા બાદ તેણે તેની યાદશક્તિ પર વધુ જોર કર્યું અને ધીમે-ધીમે એક નકશો તૈયાર કર્યો, જે બિલકુલ તેના ગામની રચના સાથે મેળ ખાતો હતો. કોઇએ તેને ઇન્ટરનેટની મદદથી તેની માતાની અને તેના ગામની શોધ કરવા કહ્યું.

ત્યાર બાદ લીએ તે નક્શો ઇન્ટરનેટ પર અપલોડ કરી દીધો. પોતે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો શિકાર બન્યો હોવાની વિગતો પણ તે નકશા સાથે એટેચ કરી દીધી. ગત વર્ષે ડિસેમ્બરમાં તેની માતાને માલૂમ પડ્યું કે તેનો લાપતા દીકરો તેને શોધી રહ્યો છે.

અસલ માતાની ખાતરી માટે ડીએનએ ટેસ્ટ કરાયો
વીડિયો શૅરિંગ ઍપ દ્વારા માહિતી મળતાં જ લી તેની જન્મદાત્રી માતાને ગત 24 ડિસેમ્બરે મળ્યો. મા-દીકરાનું મિલન થતાં જ બંને ભાવવિભોર થઇને રડવા લાગ્યાં. લીના દાવાની ખાતરી માટે તેના ડીએનએ સેમ્પલ તેની માતાના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરાયા, જે મેચ થઇ ગયાં. આ એ વાતનો પુરાવો છે કે વર્ષો સુધી મનુષ્યનું મગજ જૂની યાદો સંગ્રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...