ભાસ્કર એક્સક્લુઝિવ:મિઝોરમમાં મ્યાનમારના 30,000 શરણાર્થી, વસતી સંતુલન સામે સંકટ

ગુવાહાટીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યાનમારના શરણાર્થીઓને ઓળખપત્ર, 160 કેમ્પોમાં ચોક્સાઈ વધારાઈ

મ્યાનમારમાં સૈન્યની સરમુખત્યાર સરકારના અત્યાચારોથી પીડિત શરણાર્થીઓનું ભારતમાં આગમન યથાવત્ છે. મિઝોરમમાં લગભગ 30,500 શરણાર્થીઓ શરણ લઈ ચૂક્યા છે. મિઝોરમ સરકારે રાજ્યમાં પહોંચેલા આ શરણાર્થીઓની પ્રોફાઈલિંગ કરી ડેટા પણ તૈયાર કરી લીધો છે. મિઝોરમ સરકારે મ્યાનમારના તમામ શરણાર્થીઓને વિશેષ ઓળખપત્ર પણ આપી દીધાં છે.

રાજ્ય સરકારના અધિકારીઓ કહે છે કે આ ઓળખપત્રનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નહીં કરી શકાય. મિઝોરમની વસતી લગભગ 12.50 લાખ છે. તેમાં પણ 30 હજાર મ્યાનમાર શરણાર્થીઓના આગમનથી અહીં વસતી સંતુલન બગડવાની આશંકા છે. મિઝોરમના લગભગ 160 શરણાર્થી કેમ્પોમાં ચોક્સાઈ વધારાઇ છે જેથી આ શરણાર્થીઓ સ્થાનિક ક્ષેત્રોમાં વસી ન જાય.

શિબિરોમાં મ્યાનમારની પૂર્વ સરકારના પ્રતિનિધિઓ પણ
ગત વર્ષે ફેબ્રુઆરીમાં મ્યાનમારના સૈન્યએ સત્તા પર કબજો જમાવ્યા બાદથી ભયભીત લોકો સમૂહોમાં ટઆઉ નદીને પાર કરી મિઝોરમ પહોંચી રહ્યા છે. આ શરણાર્થી મૂળરૂપે મ્યાનમારના ચીન પ્રાંતના વતની છે. આ શિબિરોમાં મ્યાનમારના આંગ સાન સૂ કીના નેતૃત્વ હેઠળની પૂર્વ લોકશાહી સરકારના 14 પ્રતિનિધિઓ પણ સામેલ છે.

શરણાર્થીઓમાં 22 હજારથી વધુ મહિલા-બાળકો છે
મિઝોરમમાં પહોંચેલા મ્યાનમારના શરણાર્થી ચંફાઈ, સિયાહા, લાંગ્તલાઈઝ, સેરછિપ, હ્નાહથિયાલ અને સેતુઆલ જિલ્લામાં 160 રાહત કેમ્પોમાં રહી રહ્યા છે. મિઝોરમમાં રહેતા મ્યાનમારના 30 હજાર શરણાર્થીઓમાંથી 11,800 બાળકો અને 10,200 મહિલાઓ છે. રાજ્ય સરકારે શરણાર્થીઓ માટે અત્યાર સુધી આશરે 80 લાખ રૂ. મંજૂર કર્યા છે.

મણિપુર : મ્યાનમારના 85 લોકો સરહદ પાર કરતા પકડાયા
તાજેતરમાં મ્યાનમારની સરહદ નજીકના મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં 20 બાળકો સહિત મ્યાનમારના 80 નાગરિકોની ધરપકડ કરાઈ હતી. પછી ઈમ્ફાલમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા. ભાજપના પ્રદેશ એકમે મ્યાનમારથી આવતા લોકો પર રોક લગાવવાની માગ કરી છે.

સ્થાનિક જાતિ-જનજાતિઓને વસતી ઘટવાની ચિંતા
મણિપુરમાં મ્યાનમારના 5000થી 10,000 નાગરિકો રહે છે. મૈતે અને નાગા જનજાતિના લોકોની આશંકા છે કે તેનાથી જાતિય સંતુલન બગડી શકે છે. હિન્દુ સમુદાય મૈતેની સંખ્યા સતત ઘટી રહી છે. 2011ની વસતીગણતરી અનુસાર મૈતે રાજ્યની કુલ વસતીના 51 ટકા હતા.

અન્ય સમાચારો પણ છે...