G20 સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. મુલાકાતના થોડા કલાક પછી બ્રિટિશ PMએ મહત્ત્વની જાહેરાત કરી છે. જેમાં યુવા ભારતીયોને દર વર્ષે 3000 વિઝા ઓફર કરવાની જાહેરાત કરવામાં આવી. એક તરફ બ્રિટનમાં ભારતીય યુવાઓ માટે દરવાજા ખુલ્યા છે જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવાઓ માટે દરવાજા બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતની 50% સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન નકારી કાઢી છે. ભારત સાથે નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાનના સ્ટુડન્ટ વિઝા મંજૂરીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 2022માં વ્યવસાયિક અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિઝા મંજૂરીનો દર 50 ટકાથી નીચે રહ્યો છે. માત્ર 3.8 ટકાના દરે એટલે કે વ્યાવસાયિક અભ્યાસ માટેની 900થી વધુ વિદ્યાર્થીઓની અરજીઓમાંથી માત્ર 34 મંજૂર કરવામાં આવી હતી.
ઋષિ સુનકને મળ્યા PM મોદી
ગઈકાલે એટલે કે મંગળવારે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતીય મૂળના પીએમ બન્યા બાદ મોદી સાથે સુનકની આ પહેલી મુલાકાત હતી. મુલાકાતના થોડા કલાક પછી બ્રિટિશ PMએ મહત્ત્વની જાહેરાત કરી છે.
સુનકે યુકેમાં કામ કરવા માટે ભારતીય યુવાનોને દર વર્ષે ત્રણ હજાર વિઝા આપવાની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આવી યોજનાનો લાભ મેળવનારો ભારત પહેલો દેશ છે. યુકેના વડાપ્રધાને હતું કહ્યું, 'આજે યુકે-ઈન્ડિયા પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ થઈ છે. 18-30 વર્ષની વયના ભારતીય ડીગ્રીધારકોને યુકે આવવા અને બે વર્ષ માટે કામ કરવા માટે 3,000 વિઝા ઓફર કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 50% સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન નકારી
ઓસ્ટ્રેલિયાએ ભારત, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓની વ્યાવસાયિકથી ઉચ્ચ શિક્ષણ માટેના સ્ટુડન્ટ વિઝા માટેની તેમની વિનંતીને નકારી કાઢી છે. માત્ર 3.8 ટકાના દરે એટલે કે વ્યાવસાયિક અભ્યાસ માટેની 900થી વધુ વિદ્યાર્થીઓની અરજીઓમાંથી માત્ર 34 મંજૂર કરવામાં આવી હતી.
વ્યવસાયિક અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિઝા મંજૂરીનો દર 2022માં 50 ટકાથી નીચે રહ્યો છે. જુલાઈ 2022 સુધીમાં, 96,000 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા, જે ચીન પછી વિદેશી વિદ્યાર્થીઓનો બીજા નંબરનો સૌથી મોટો સમૂહ છે.
ઉચ્ચ શિક્ષણ માટે પણ વિઝા દર ઘટ્યા
ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણમાં પણ, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા મંજૂરીનો દર ઘટીને 56 ટકા, પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે 57 ટકા થયો છે. દરમિયાન, નેપાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં માત્ર 33 ટકા વિઝા અને વ્યાવસાયિક શિક્ષણમાં 15 ટકા વિઝા મળ્યા હતા.
નકલી ડોક્યુમેન્ટથી વિઝા મેળવવું સરળ
મેલબોર્ન સ્થિત રજિસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ, વિશાલ શર્મા કે જેઓ ભારત અને નેપાળના ગ્રાહકો ધરાવે છે, તેમણે જણાવ્યું હતું કે નોંધપાત્ર સંખ્યામાં વિઝા જે ફેક પ્રવેશકર્તાના છે તેને નકારી કાઢવામાં આવ્યા છે.
શર્માએ ધ ઑસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની યોજના ધરાવતા યોગ્ય વિદ્યાર્થીઓના સંજોગોને ધ્યાનમાં લીધા વિના ફેક પ્રવેશકર્તાનો આધાર લઈ વિઝા નકારવામાં આવ્યા છે."
શર્મા આ વાતથી સંમત થાય છે કે, ભારતમાં નકલી ડોક્યુમેન્ટના આધારે વિઝા બનાવવાના કૌભાંડ ચાલે છે. ઓસ્ટ્રેલિયન સરકારે વધુ નવા સ્ટાફની ભરતી કરીને અને પ્રોસેસિંગ વર્કલોડને ફરીથી વહેંચીને વિઝા પ્રોસેસિંગ વિલંબને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
G-20માં સામેલ તમામ નેતાઓ બાલીના મેંગ્રોવ ફોરેસ્ટ પહોંચ્યા
આ પહેલાં પીએમ મોદી સહિત G-20માં સામેલ તમામ નેતાઓ બાલીના મેંગ્રોવ ફોરેસ્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન G20 નેતાઓએ મેન્ગ્રોવ ફોરેસ્ટમાં આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરવા માટે છોડનું વાવેતર કર્યું હતું. તાજેતરના સમયમાં જળવાયુ પરિવર્તન ખૂબ જ ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવ્યું છે. 2022માં ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપમાં લોકો ગરમીથી પરેશાન હતા. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારતમાં પ્રથમ હીટવેવથી પાકને નુકસાન થયું હતું. અમેરિકામાં પણ કાળઝાળ ગરમીને કારણે જંગલોમાં આગ લાગી હતી તો બીજી તરફ વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બધા પાછળ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે.
G20 નેતાઓની મેન્ગ્રોવ ફોરેસ્ટની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે
તાજેતરમાં ભારતે ગ્લોબલ મેન્ગ્રોવ એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ જોડાણ ઈન્ડોનેશિયા અને UAE દ્વારા કરવામાં આવ્યું છે. મેન્ગ્રોવ્સ દરિયાકાંઠાનાં જંગલો છે, જે ચક્રવાત અને તોફાનોની અસરોને ઘટાડે છે. આ ઉપરાંત તેઓ વધુ કાર્બન ઉત્સર્જનને શોષી લે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને G20 નેતાઓએ અહીં વૃક્ષારોપણ કર્યું છે.
બાલીના મેન્ગ્રોવ ફોરેસ્ટમાં G20 નેતાઓની તસવીરો...
ઈન્ડોનેશિયા ભારતને G20 અધ્યક્ષપદ સોંપશે
ભારત 1 ડિસેમ્બરથી નવી દિલ્હીમાં G20 જૂથના નેતાઓની સમિટનું આયોજન કરશે. ડિસેમ્બર 2022માં ઉદયપુરમાં એનું ઉદઘાટન કરવામાં આવશે. રાજસ્થાનનાં ત્રણ શહેરો આ વખતે આ ગ્રુપનું આયોજન કરશે. જયપુરની સાથે ઉદયપુર અને જોધપુરમાં પણ કોન્ફરન્સ થશે.
20 દેશનો સમૂહ છે G20
G20 ગ્રુપ ફોરમમાં 20 દેશ છે. તે વિશ્વની વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ ધરાવે છે. 20 દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુ.કે., યુએસ અને યુરોપિયન યુનિયન (EU) સામેલ છે.
G20 વૈશ્વિક જીડીપીના 85% ધરાવે છે
G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે, કારણ કે તેના સભ્ય દેશો વિશ્વના GDPમાં 85% હિસ્સો ધરાવે છે. એમાં વિશ્વના 75% આંતરરાષ્ટ્રીય વેપારનો પણ સમાવેશ થાય છે. વિશ્વની બે તૃતીયાંશ વસતિ આ દેશોમાં રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.