કોરોનાકાળ બાદ અમેરિકામાં પેસેન્જર વિમાન દ્વારા પ્રવાસ માટે નીકળેલાની પણ સફર મુશ્કેલીભરી સાબિત થઇ રહી છે. અમેરિકામાં 28મેથી 1 જૂન દરમિયાન 5 દિવસમાં જ 2,800 ફ્લાઈટ રદ થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ એરલાઈન્સ પાસે સ્ટાફની અછત બતાવાયું છે. ન્યુયોર્ક, વોશિંગ્ટન, ટેક્સાસ, ઓહિયો, મિસિસિપી અને ડલાસમાં લાખો મુસાફર એરપોર્ટ પર અટવાઈ ગયા છે.
ખરેખર કોરોનાકાળમાં અમેરિકામાં મુખ્ય એરલાઈન્સોએ તેના સ્ટાફમાં લગભગ 55 ટકાનો કાપ મૂક્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફમાં તો 60 ટકાથી વધુનો કાપ મુકાયો હતો. એવામાં હવે મુસાફરો વધી જવા છતાં પણ એરલાઇન્સે નવી ભરતીઓ શરૂ નથી કરી. ફ્લાઈટ અવેર વેબસાઇટ અનુસાર કોરોનાકાળથી પૂર્વ અમેરિકામાં રોજ લગભગ 30 હજારથી વધુ ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું. હવે આ આંકડો લગભગ 28 હજારે પહોંચી ગયો છે. અમુક એરલાઈન્સનો સ્ટાફ બીમાર છે. એવામાં સ્ટાફની અછત વર્તાઈ રહી છે.
દુનિયામાં 2019માં 4.5 અબજ મુસાફર, 42 લાખ ફ્લાઈટ
12 લાખ અમેરિકીઓના સમર ટ્રાવેલ પ્લાન સંકટમાં, ફ્લાઈટ્સની અછત
અમેરિકામાં 30મેના રોજ મેમોરિયલ ડે સાથે ઉનાળાની રજાઓ શરૂ થઇ જાય છે. દક્ષિણનાં રાજ્યોના આંકડા જોવામાં આવે તો લગભગ 12 લાખ અમેરિકીઓએ સમર ટ્રાવેલ પ્લાન બનાવ્યો છે. એરલાઇન્સની ટિકિટો ખરીદી છે પણ ફ્લાઈટ્સની અછતને લીધે તેમના પ્લાન હવે રદ થઈ શકે છે. એરલાઈન્સ એસોસિયેશને આરટીપીસીઆર ટેસ્ટની અનિવાર્યતાને પણ ખતમ કરવાની માગ કરી છે.
બ્રિટન : 155 ફ્લાઈટ રદ, મુસાફરો ઉતાવળે ખાલી વિમાનમાં જ ચઢી ગયા
બ્રિટનમાં તમામ એરલાઇન્સમાં સ્ટાફની અછત છે. એક જ દિવસમાં હિથ્રો અને ગેટવિક એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરાઈ. તેમાં બ્રિટિશ એરવેઝ અને તુઈ એરવેઝ સામેલ છે. એરપોર્ટની અંદર તથા બહાર મુસાફરોની લાઈન છે. માન્ચેસ્ટર એરપોર્ટ પર ઉતાવળે એવી સ્થિતિ સર્જાઈ કે ખાલી વિમાનમાં મુસાફરો સવાર થઈ ગયા. વિમાન હેંગર પર હતું. પોલીસને બોલાવી મુસાફરોને ઉતારવા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.