છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 22.22 લાખ નવા કોરોનાના નવા કેસ મળ્યા છે તેમજ 13.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 5,543 લોકોનાં મોત થયા છે. નવા કેસ મુદ્દે અમેરિકા 5.05 લાખ દર્દી સાથે ટોપ પર છે, જ્યારે 2.80 લાખ નવા કેસ સાથે ભારત બીજા ક્રમે છે. જ્યારે સ્પેન 1.10 લાખ નવા કેસ સાથે ત્રીજા નંબર પર છે.
અમેરિકામાં 700 નવાં મોત નોંધાયાં છે, જ્યારે ભારતમાં 436 લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસના મામલે પણ અમેરિકા ટોપ પર છે. સમગ્ર વિશ્વમાં 5.72 કરોડ એક્ટિવ કેસ છે, એમાંથી 2.39 કરોડ એકલા અમેરિકામાં જ છે. અત્યારસુધીમાં 33.18 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, એમાંથી 26.90 કરોડ સાજા થઈ ગયા છે, જ્યારે 55.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વિશ્વમાં અત્યારસુધીમાં કોરોનાની સ્થિતિ
યુરોપમાં સંક્રમણ વધ્યા પછી પણ કોઈ પ્રતિબંધો નહીં
યુરોપમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે યુરોપમાં પોણાઆઠ લાખ નવા કેસ નોંધાયા હતા, પરંતુ આ છતાં યુરોપ અટક્યું નથી. ઘણા દેશોની સરકારો લોકડાઉન અથવા નિયંત્રણો લાદવાનું ટાળી રહી છે. શિક્ષકોના વિરોધ છતાં પણ ફ્રાન્સની સરકારે શાળાઓ બંધ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
સરકાર કહે છે કે ડબલ ડોઝ અને વેક્સિનેશન પછી, વસતિ સંક્રમણનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. ફ્રાન્સમાં કોરોનાના લગભગ એક લાખ નવા કેસ રોજ આવી રહ્યા છે. યુરોપના અન્ય એક મોટા દેશ બ્રિટનમાં મંગળવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. બ્રિટનના નાયબ વડાપ્રધાન ડોમિનિક રેબે કહ્યું હતું કે બ્રિટનમાં લોકડાઉન અથવા વેક્સિન પાસ લાગુ કરવામાં આવશે નહીં. રેબે કહ્યું, ભલે બ્રિટનમાં દરરોજ લગભગ 90 હજાર કેસ આવી રહ્યા છે, પરંતુ આપણે સુરક્ષિત છીએ.
સ્કોટલેન્ડઃ ઓમિક્રોનને કારણે નાતાલ પહેલાં સ્કોટલેન્ડમાં લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો 24 જાન્યુઆરીથી હટાવવામાં આવશે. નાઇટ ક્લબો ફરીથી ખૂલશે. ઇન્ડોરમાં લોકોનું એકઠા થવા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. મંગળવારે અહીં 36,526 નવા કેસ સામે આવ્યા છે. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્નજને કહ્યું હતું કે અમે ઓમિક્રોનને હરાવ્યો છે.
સ્પેનઃ સ્પેનમાં દરરોજ લગભગ 1.10 લાખ કેસ આવી રહ્યા છે. અહીંની લગભગ 80 ટકા વસતિને વેક્સિન આપવામાં આવી છે. સરકારે માસ્કને ફરજિયાત કર્યું છે. અહીં ઓફિસો, બજારો, શાળાઓ અને જાહેર સ્થળો ખુલ્લાં છે.
હોલેન્ડ: યુરોપમાં સૌપ્રથમ લોકડાઉન લાગુ કરનાર દેશ હોલેન્ડે 22 જાન્યુઆરીથી લોકડાઉન હટાવવાની જાહેરાત કરી છે.
જર્મનીઃ અહીં રોજના 54 હજાર નવા કેસ આવી રહ્યા છે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ કરવામાં આવ્યું નથી.
પોર્ટુગલઃ અહીં દરરોજ 21 હજાર નવા કેસ આવી રહ્યા છે પરંતુ શાળા-કોલેજોમાં વર્ગો ચાલુ છે.
રશિયા: દરરોજ 30 હજારથી વધુ કેસ આવી રહ્યા છે પરંતુ અહીં કોઈ લોકડાઉન નથી.
ફિનલેન્ડઃ રોજના 22 હજાર કેસ, પણ ઓફિસ-મોલ ખુલ્લાં છે.
પોલેન્ડ: દરરોજ લગભગ 15 હજાર નવા કેસ, પાંચમી લહેરની આશંકા, જાહેર પરિવહન ચાલુ છે.
સ્વિટ્ઝર્લેન્ડ: દરરોજ લગભગ 20 હજાર નવા કેસ, આઇસોલેશનનો સમયગાળો 7થી ઘટાડીને 5 દિવસ કરવામાં આવ્યો છે.
લાઈવ અપડેટ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.