US-UK-ઓસ્ટ્રેલિયા બનાવશે 8 પરમાણુ સબમરીન:ચીનને ઘેરવા 20.19 લાખ કરોડની ડીલ, પ્રથમ વખત ટેક્નિક આપવા અમેરિકા રાજી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મુલાકાત કરી હતી. AUKUS બેનર હેઠળ યોજાયેલી બેઠકમાં 2030 સુધી ઓસ્ટ્રેલિયાને ન્યૂક્લિયર પાવર બનાવતી સબમરીન આપવા માટે ડીલ થઈ. આ દરમિયાન બાઈડને જણાવ્યું કે, આ ડીલ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્ટેબિલિટી લાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ ડીલ હેઠળ અમેરિકા ઓસ્ટ્રેલિયાને 3 US વર્જીનિયા ક્લાસ ન્યૂક્લિયર પાવર્ડ સબમરિન આપશે. જ્યારે જરૂર પડવા પર તેને વધુ 2 સબમરીન પણ સપ્લાય કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સાથે મળી 8 SSN-AUKUS સબમરીન બનાવશે, જેમા અમેરિકાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

કેલિફોર્નિયામાં સેન-ડિએગો નેવલ બેસ પર ત્રણેય નેતાઓએ યોજનાની જાણકારી આપી.
કેલિફોર્નિયામાં સેન-ડિએગો નેવલ બેસ પર ત્રણેય નેતાઓએ યોજનાની જાણકારી આપી.

'વૈશ્વિક હિતોને અવગણી રહ્યા છે US-UK-ઓસ્ટ્રેલિયા'
AUKUSના ડીલને લઈ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંક વેનબિને જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાનું સંયુક્ત નિવેદન એ વાતના પુરાવો છે કે, આ દેશ પોતાના હિતોને સાધવા માટે વૈશ્વિક હિતોને સંપૂર્ણપણે અવગણી રહ્યાં છે. આ તમામ દેશો સતત જોખમના રસ્તે આગળ વધી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયાના ક્રૂને ટ્રેનિંગ આપશે US-UKની સબમરીન
ત્રણેય દેશોની ભાગીદારી હેઠળ બનેલી SSN-AUKUS સબમરીનની ડિલિવરી બ્રિટનને 2030ના દાયકાના અંત સુધીમાં મળશે. જ્યારે ઓસ્ટ્રેલિયાને આ સબમરીન 2040ની શરૂઆતમાં મળશે. તેને BAE અને રોલ્સ-રોયસ સાથે મળી બનાવશે. ઓસ્ટ્રેલિયાના એક ડિફેન્સ ઓફિસર મુજબ તેમાં અંદાજે 245 અબજ ડોલર (20.19 લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થશે. ઓસ્ટ્રેલિયાના ક્રૂને ટ્રેનિંગ આપવા માટે 2027 સુધી 4 અમેરિકાની અને 1 બ્રિટિશ સબમરીન પશ્ચિમના ઓસ્ટ્રેલિયામાં તૈનાત કરવામાં આવશે.

AUKUSના બેનર હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને બ્રિટનના પીએમ સુનક અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલબનીઝ સાથે મુલાકાત કરી.
AUKUSના બેનર હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને બ્રિટનના પીએમ સુનક અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલબનીઝ સાથે મુલાકાત કરી.

ઓસ્ટ્રેલિયા સાથે પ્રથમ વખત ટેક્નિક શેર કરશે અમેરિકા
આ દરમિયાન બાઇડને સતત એ વાત પર ભાર આપ્યો કે, આ સબમરીન ન્યૂક્લિયર પાવરનો ઉપયોગ કરશે. તેના પર ન્યૂક્લિયર હથિયાર નહીં હોય. 1950 પછી આ પ્રથમ અવસર હશે, જ્યારે અમેરિકા પોતાની ન્યુક્લિયર ટેક્નોલોજીને કોઈ અન્ય દેશ સાથે શેર કરશે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેને એક મજબૂત ભાગીદારી બતાવતા જણાવ્યું કે, પ્રથમ વખત એવું થશે કે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રમાં સબમરીનનો 3 કાફલો એક સાથે શાંતિ જાળવવા માટે કામ કરશે.

જ્યારે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સે જણાવ્યું કે, અમે આ ડીલને લઈ ચીન સાથે જાણકારી શેર કરવા રજૂઆત કરી છે. જોકે, અમને તેમના જવાબની જાણકારી નથી.

‘વધતા પડકારો વચ્ચે મજબૂત ભાગીદારીની જરૂર’
સુનકે જણાવ્યું કે, આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છે, તે સતત વધી રહ્યા છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, તો ચીનની ગતિવિધિઓ પણ સતત વધી રહી છે. બીજી બાજુ ઈરાન અને નોર્થ કોરિયા અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વ પર અસ્થિરતા અને વિભાજનનું જોખમ સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે કે, આપણે આપણા દેશો સાથે મળી મજબૂત કરીએ.

AUKUS હેઠળ US-UK અને ઓસ્ટ્રેલિયા સાથે મળી 8 SSN-AUKUS સબમરીન બનાવશે.
AUKUS હેઠળ US-UK અને ઓસ્ટ્રેલિયા સાથે મળી 8 SSN-AUKUS સબમરીન બનાવશે.

જિનપિંગ સાથે ટૂંક સમયમાં વાતચીત કરશે બાઇડેન
આ વચ્ચે ચીને AUKUS ડીલને ગેરકાયદેસર ગણાવતા તેની ટીકા કરી છે. આ ભાગીદારીના કારણે ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથે એક સબમરીન ડીલ પણ રદ કરી દીધી છે. તેને લઈ ફ્રાન્સ તેનાથી નારાજ છે. બીજી તરફ ચીનના રૂખ પર બાઈડને જણાવ્યું કે, આ ચિંતાનો વિષય નથી. હું ટૂંક સમયમાં જ ચીનના લીડર શી જિનપિંગ સાથે વાત કરવાનો છું. જોકે, બાઇડન અને જિનપિંગની વાતચીત કયારે થશે, તેને લઈ કોઈ માહિતી નથી મળી.

શું છે AUKUS?
સપ્ટેમ્બર 2021માં રચાયેલું AUKUS ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાનું સંરક્ષણ જૂથ છે, જે ઈન્ડો પેસિફિક ક્ષેત્ર પર કેન્દ્રિત છે. આ ગઠબંધન (AUKUS) દ્વારા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આક્રમકતાને નિયંત્રિત કરી શકાય છે. તેના હેઠળ અમરિકા ઓસ્ટ્રેલિયા સાથે પરમાણુ સબમરીનની ટેક્નોલોજી શેર કરશે. AUKUS પછી ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથે 2.9 લાખ કરોડ રૂપિયાની સબમરીન ડીલને રદ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...