અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ગુરુદ્વારા કર્તે પરવાન પર શનિવારે મોટો આતંકી હુમલો થયો. તેમાં બે લોકો માર્યા ગયા અને સાત ઘાયલ થયા છે. મૃતકોમાં અફઘાન શીખ સવિંદર સિંહ અને એક ઈસ્લામિક અમીરાત ફોર્સના સભ્ય છે.
અફઘાન ગૃહ મંત્રાલયના તાલિબાની પ્રવક્તાએ જણાવ્યું કે, હેન્ડ ગ્રેનેડ અને રાઇફલથી સજ્જ આતંકીઓએ શનિવાર વહેલી સવારે ગુરુદ્વારાના દરવાજા પર બ્લાસ્ટ કર્યો. ત્યારબાદ આતંકીઓએ અંદર ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ અને એક પછી એક 13 બ્લાસ્ટ કર્યા. તાલિબાન ફાઇટર્સના જવાબી ફાયરિંગમાં એક હુમલાખોર ઠાર મરાયો. સુરક્ષાકર્મીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ઉડાવવાનું કાવતરું નિષ્ફળ કરી દીધું. હાલ ગુરુદ્વારામાં 25થી 30 હિન્દુ અને શીખોએ શરણ લીધી છે.
હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન (આઇએસકેપી)એ લીધી છે. આઇએસકેપીએ કહ્યું, હુમલો પયગંબર મોહમ્મદ સાહેબ પર ભારતમાં ભાજપી નેતાઓના અપમાનજનક નિવેદનોના જવાબમાં કરવામાં આવ્યો. જોકે આઇએસકેપી પહેલા પણ અફઘાનિસ્તાનમાં હુમલાઓની જવાબદારી લેતું રહ્યું છે.
બીજી તરફ, અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની આતંકી સંગઠનો પર શક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે હુમલાની આકરી નિંદા કરી છે અને કહ્યું કે સરકાર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભવવંત માને કેન્દ્ર સરકારને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા માટે પગલાં ભરવા કહ્યું છે.
પાંચમો મોટો હુમલોઃ અફઘાનિસ્તાનમાં હાલના દિવસોમાં શીખોના ધર્મસ્થળો પર આ પાંચમો મોટો હુમલો છે. તેમાં મોટાભાગે જવાબદારી આઇએસકેપીએ લીધી છે. માર્ચ 2020માં ગુરુદ્વારા હર રાઈ સાહિબમાં થયેલા હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા. 2018માં જલાલાબાદમાં શીખો પર થયેલા હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા. કર્તે પરવાનના જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં મોટી સંખ્યામાં હિન્દુ અને શીખ વસે છે. હાલના અનુમાન મુજબ અફઘાનિસ્તાનમાં માત્ર 140 શીખ બચ્યા છે, જેમાંથી મોટાભાગના પૂર્વી શહેર જલાલાબાદ, કાબુલ અને ગજનીમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.