ન્યૂ નોર્મલ:19 મહિના બાદ અમેરિકાએ બોર્ડર ખોલી, વેક્સિનના બંને ડોઝ અનિવાર્ય શરત

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો કેનેડા-મેક્સિકો જઇ શકશે, અન્ય દેશો અંગે ટૂંકમાં નિર્ણય

કોરોનાકાળ બાદ હવે અમેરિકાએ તેની બોર્ડર ખોલવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને 19 મહિના બાદ કેનેડા અને મેક્સિકો સાથેની અમેરિકી બોર્ડર્સ ખોલી દીધી છે. લોકો સડક તથા હવાઇ માર્ગે આ બંને દેશમાં અવરજવર કરી શકશે. મુસાફરીની મંજૂરી માટે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે અનિવાર્ય શરત રહેશે. તે વિના મંજૂરી નહીં મળે.

આ નિર્ણય નવેમ્બરથી લાગુ થશે. સૂત્રોના જણાવ્યાનુસાર અન્ય દેશોમાંથી આવનારા લોકો માટે પણ મુસાફરી પ્રતિબંધો હટાવવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. બાઇડેન સરકાર દ્વારા પ્રતિબંધો હટાવવાનું આ પગલું અમેરિકી અર્થતંત્રમાં તેજી લાવવાના પ્રયાસો તરીકે જોવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ અત્યાર સુધી દેશમાં આવવા અને જવા માટે બિનજરૂરી ટ્રાવેલિંગ પર પ્રતિબંધ લાદેલો છે. ટ્રાવેલિંગ જરૂરી હોવાનું સાબિત કરવા પર જ મંજૂરી અપાય છે.

હવાઇમાર્ગ: મુસાફરો માટે નેગેટિવ સર્ટિ. પણ જરૂરી
સડક માર્ગે કેનેડા અને મેક્સિકો જતા-આવતા લોકો માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી રહેશે જ્યારે હવાઇ મુસાફરો માટે બંને ડોઝ ઉપરાંત કોરોના નેગેટિવ સર્ટિ. હોવું પણ જરૂરી રહેશે. ફાઇઝર-મોડર્ના તેમ જ એસ્ટ્રાજેનેકાના બંને ડોઝ તથા જોનસન એન્ડ જોનસનનો સિંગલ ડોઝ માન્ય ગણાશે.

ન્યૂયોર્ક: અત્યાર સુધીમાં 5 હજાર કરોડ રૂ.નું નુકસાન
ન્યૂયોર્કના ડેમોક્રેટ સેનેટર ક્રિસ્ટન ગિલીબેન્ડનું કહેવું છે કે મુસાફરી પ્રતિબંધોને કારણે તેમના રાજ્યને અત્યાર સુધીમાં અંદાજે 5 હજાર કરોડ રૂ.નું નુકસાન થઇ ચૂક્યું છે. હવે પ્રતિબંધો હટતાં લોકોની અવરજવર થઇ શકશે અને તેનાથી અર્થતંત્રને વેગ મળશે.

વિશ્વના ઘણા દેશ પર્યટન સ્થળો ખોલી રહ્યા છે
બાલી દ્વીપ:
17 મહિના બાદ ખૂલ્યું ઇન્ડોનેશિયાનું મુખ્ય પર્યટન સ્થળ. ગુરુવારથી અહીં જાપાન, ચીન, દ.કોરિયા, ન્યૂઝીલેન્ડ તથા યુએઇના પર્યટકોને આવવાની મંજૂરી અપાઇ છે.

બરમૂડા: કેરેબિયન આઇલેન્ડનું મુખ્ય પર્યટન સ્થળ બરમૂડા પણ પર્યટકો માટે ખોલી દેવાયું છે. તમામ વિદેશીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે.

ઇજિપ્ત: બધા જ દેશોના લોકોને આવવાની મંજૂરી. પર્યટકોએ એરપોર્ટ પર હેલ્થ સર્ટિ. આપવું પડશે. વેક્સિનના બંને ડોઝ જરૂરી. આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ પણ ફરજિયાત.

ફ્રાન્સ: હેલ્થ પાસ ફરજિયાત. પર્યટકો માટે વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જરૂરી. કેટલાક દેશોમાંથી આવતા લોકો માટે નેગેટિવ સર્ટિ. પણ જરૂરી છે.


અન્ય સમાચારો પણ છે...