દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે હેલોવીન ફેસ્ટીવલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ઇટાવોન ટાઉનમાં આ દુર્ઘટનામાં 151 લોકો મૃત્યુ પામ્યા હતા. 2 હજારથી વધુ લોકો ગુમ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સાંકડા રસ્તા પર લાખો લોકો એકઠા થયા બાદ નાસભાગ મચી ગઈ હતી.
આ દુર્ઘટના બાબતે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતુ કે, "લોકોની ભીડ એટલી વધુ હતી કે અમે ફરી પણ શકતા નહોતા. અચાનક કેટલાક લોકો બૂમો પાડવા લાગ્યા- ધક્કો મારો, ધક્કો મારો.પછી લોકો એક બીજાની ઉપર પડવા લાગ્યા. હું પણ દબાઈ ગઈ હતી. હું શ્વાસ પણ લઈ શકતી નહોતી."
સૌ પ્રથમ તે તસવીર, જે દુર્ઘટનાની ભયાનકતા જણાવે છે...
ભારતમાં દક્ષિણ કોરિયા દૂતાવાસનો ધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવ્યો હતો
એક અધિકારીએ જણાવ્યું કે હેલોવીન ફેસ્ટીવલમાં નાસભાગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ પછી દિલ્હી ખાતેના દક્ષિણ કોરિયા દૂતાવાસનો ધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવ્યો છે.
દુર્ઘટના સંબંધિત 3 મહત્વના મુદ્દાઓ...
1. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં થયેલી દુર્ઘટનામાં 151 લોકોના મોત થયા છે. 82 ઘાયલ છે અને 2 હજાર લોકો ગુમ છે. મૃતકોમાં મોટાભાગના 18-20 વર્ષની વયજૂથના યુવાનો છે.
2. મૃતકોમાં 19 વિદેશી નાગરિકો છે. જેમાંથી 3 ચીનના નાગરિક હતા. આવા અનેક પ્રવાસીઓ ઘાયલ પણ થાય છે.
3. ઇટાવોન વિસ્તાર તેની નાઇટ લાઇફ માટે જાણીતો છે. અહીં હેલોવીન દરમિયાન દુર્ઘટના બની. કોરોના મહામારી પછી આ પહેલો નો માસ્ક હેલોવીન હતો.
17 વર્ષની કિમે જણાવી દુર્ઘટનાની કહાની
17 વર્ષીય કિમ સીઓ-જોંગ, હાઇસ્કૂલની વિદ્યાર્થીની, તેના મિત્ર સાથે ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે ઘરેથી નીકળી હતી. કિમ સિઓ-જોંગે કહ્યું કે, "અમે હેલોવીન સેલિબ્રેશનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હું મારા મિત્ર સાથે રાત્રે લગભગ 8 વાગ્યે ઇટાવોન વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. અમે આગળ વધી શકતા નહોતા. અમે ઘરે પાછા જવાનું વિચાર્યું પણ ભીડ થવાને કારણે અમે ક્યાંય જઈ શક્યા જ નહીં.
અચાનક કેટલાક લોકો બૂમો પાડવા લાગ્યા, ધક્કો મારો. લોકો એકબીજાને ધક્કો મારવા લાગ્યા. અચાનક મારી સામે ઊભેલો એક માણસ પડી ગયો. ધક્કો લાગવાને કારણે હું પણ પડી ગઈ. એક પછી એક મારી પાછળ ઉભેલા લોકો પણ પડવા લાગ્યા. કેટલાક લોકો મારા પર પણ પડ્યા. મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. કેટલાક લોકોએ અમને મદદ કરી. જેમ-તેમ કરીને હું અને મારો મિત્ર ત્યાંથી બહાર નીકળી ગયા હતા.
19 વર્ષની કિમ દા-બિન ગુમ
સિઓલ કોમ્યુનિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, 2,000 થી વધુ ગુમ થવાની ફરિયાદો નોંધવામાં આવી છે. 19 વર્ષીય કિમ દા-બિન પણ ગુમ છે.તેની માતા તેને શોધતી હોસ્પિટલ પહોંચી હતી. મૃતકો અને ઘાયલોને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું, "મારી પુત્રી થોડા દિવસો પછી લશ્કરી સેવાની તાલીમ માટે જવાની હતી. તે પહેલા તે તેના મિત્રોને મળવા માંગતી હતી. શનિવારે રાત્રે તે ઘરની બહાર નીકળી હતી, ત્યારબાદ તેના એક મિત્રએ જણાવ્યું કે તેનું નાશભાગમાં મૃત્યુ થયું છે. આ સાંભળીને હું ઘટનાસ્થળે પહોંચી હતી. હું વિશ્વાસ કરી શકતી નથી કે મારી પુત્રી હવે નથી રહી. એટલા માટે હું હોસ્પિટલ ગઈ. મને હજી મારી દીકરી મળી નથી."
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 151 લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટનામાં 82થી વધુ લોકો ઘાયલ થયા હતા.આમાંથી ઘણા લોકો કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ફેસ્ટિવલ દરમિયાન ચાર મીટર પહોળાઈ ધરાવતા એક સાંકડા રસ્તા પર લાખો લોકો એકઠા થયા હતા, ત્યારબાદ અચાનક નાસભાગ મચી ગઈ હતી. ભીડમાં કચડાઈ જવાને કારણે અનેક લોકોનાં મોત થયાં છે. દુર્ઘટના બાદ દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
50 લોકોને સી.પી.આર આપવામાં આવ્યું હતું
નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ-ચેઓન-સિકે જણાવ્યું હતું કે ઈટાવાન લેસર જિલ્લામાં એક સાંકડી શેરીમાં લાકો લોકોની ભીડ એકઠી થઈ હતી ત્યારે આ ઘટના બની હતી. મૃત્યુઆંક વધી શકે છે. અનેક લોકોને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
ઈમર્જન્સી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ તમામ લોકોને સી.પી.આર. આપવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવા સૂચના આપી છે. તેમજ તહેવારનાં સ્થળોની સુરક્ષા સમીક્ષા કરવા કહ્યું હતું.
એક કાર પણ પાર્ક કરવી મુશ્કેલ છે એટલો સાંકડો રસ્તો હતો
કોરિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લોકો એક અનામી સેલિબ્રિટીને જોઈને પાગલ થઈ ગયા હતા અને પછી તેમની આ દીવાનગી દુર્ઘટનાનું કારણ બની ગઈ. અહેવાલો કહે છે કે જ્યાં નાસભાગ થઈ હતી તે શેરી માત્ર ચાર મીટર પહોળી છે. આ શેરી એટલી સાંકડી છે કે ત્યાં એક કાર પણ પાર્ક કરવી મુશ્કેલ છે. જેમ જેમ ટોળાંએ એકબીજાને ધક્કો મારતા લોકો એકબીજા પર પડવા લાગ્યા. અનેક લોકોને ગૂંગળામણ થઈ હતી અને તેમને હાર્ટએટેક આવ્યો હતો.
હવે જાણો શું હોય છે કાર્ડિયાક એરેસ્ટ
હૃદયના આંતરિક ભાગોમાં રક્ત પ્રવાહને અવરોધ પહોંચે છે, જેના કારણે હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે છે. જ્યારે, હાર્ટએટેકમાં લોહી જુદા જુદા ભાગોમાં જમા થાય છે. આવા કિસ્સાઓમાં, તાત્કાલિક સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે.
વધુ એક્સાઈટમેન્ટના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે
ડોક્ટરોના મતે સામાન્ય વ્યક્તિને પણ કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. કેટલીક વાર વધુ એક્સાઈટમેન્ટના કારણે 'એડ એનર્જી ડ્રાઈવ' વધી જાય છે. હાર્ટ કોલોપ્સ થઈ જાય છે. સ્નાયુઓની મજબૂતાઈને કારણે 'એડ એનર્જી ડ્રાઈવ' દરમિયાન હૃદયના સંકોચનમાં વધારો થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવા સમયે હૃદયની લય બગડે છે અને કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક મૃત્યુ પણ થાય છે.
10 પોઈન્ટમાં જાણો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ?
1. હેમિલ્ટન હોટેલ પાસે ઇટાવોનની સાંકડી ગલીમાં લાખો લોકો ભેગા થયા હતા. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ પ્રથમ હેલોવીન ઈવેન્ટ સિઓલમાં યોજાઈ હતી.
2. સાઉથ કોરિયાના મીડિયા અનુસાર, રાત્રે લગભગ 10:22 વાગ્યે પહેલી ઈમર્જન્સીની માહિતી મળી હતી. આ પછી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભીડને કારણે મેડિકલ ટીમને પહોંચવામાં સમય લાગ્યો હતો.
3. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ચાર મીટર પહોળા રસ્તા પર લગભગ એક લાખ લોકો હાજર હતા. ઇટાઓન સબવે સ્ટેશન અને હોટલથી મોટી ભીડ ઘટના સ્થળે પહોંચી રહી હતી.
4. કોરિયન મીડિયા અનુસાર, એક સેલિબ્રિટી સાંકડી શેરીમાં નાઇટ સ્પોટ્સ સાથે હાજર એક એસ્ટાબ્લિશમેન્ટમાં જોવા મળી હતી, ત્યારબાદ ભીડ નોંધપાત્ર રીતે વધી ગઈ હતી.
5. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં નાસભાગ થઈ હતી તે શેરી માત્ર ચાર મીટર પહોળી હતી. જગ્યા એટલી નાની છે કે તેમાં સેડાન કાર પણ પાર્ક કરી શકાય નહીં.
6. નાસભાગ દરમિયાન લોકો એકબીજાને ધક્કા મારવા લાગ્યા. જેના કારણે લોકો એકબીજા પર પડવા લાગ્યા.
7. નાસભાગ થતાં જ લોકોની હાલત ખરાબ થવા લાગી. આ દરમિયાન, ઘણા લોકો ગૂંગળામણથી મોતને ભેટ્યા અને અનેકને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો.
8. ભીડને કારણે એમ્બ્યુલન્સ પીડિતો સુધી પહોંચી શકી ન હતી. આ દરમિયાન, પોલીસકર્મીઓ કારની છત પર ઊભા રહ્યા અને ભીડને રસ્તો છોડી દેવાની સૂચના આપી, જેથી એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવી શકાય.
9. નાસભાગ બાદ પણ ઘણા લોકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પણ તેઓએ માર્ગમાં અવરોધ ઊભો કર્યો હતો.
10. ભીડ અને સાંકડી ગલીના કારણે જ્યારે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી, ત્યારે મેડિકલ ટીમે ઘટનાસ્થળે જ પીડિતોને CPR આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.