દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે. અહીં મુશળધાર વરસાદમાં ઓછામાં ઓછા 15 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે, દક્ષિણ પશ્ચિમ ચીનમાં લગભગ 1,200 કિમી દૂર યુનાન પ્રાંતમાં 3 લોકો ગુમ થયા હતા.
ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભૂસ્ખલન પણ થયું હતું. ચીનના પૂર્વ કિનારે આવેલા ફુજિયાનમાં એક ફેક્ટરી પૂરના કારણે ધસી પડી હતી. અહીં રેસ્ક્યુ ટીમને 5 લોકોના મૃતદેહ મળ્યા હતા. ભૂસ્ખલનની ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે, અન્ય 3 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અનેક વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયા છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુઆંગ્સી પ્રદેશના શિનચેંગમાં પૂરમાં ત્રણ બાળકો તણાઈ ગયા હતા. જેમાં 2 મૃત્યુ પામ્યા અને એક બાળકનો બચાવ થયો હતો. વાવાઝોડાને કારણે યુનાનના ક્યુબેઈ કાઉન્ટીમાં રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા છે. કમ્યુનિકેશન લાઈનો તૂટી ગઈ. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ક્યુબેઈ કાઉન્ટી ચીન-વિયેતનામ સરહદથી લગભગ 130 કિલોમીટર ઉત્તરમાં છે.
પાકને ઘણું નુકસાન થયું છે
કિનારાનું શહેર ઝિયામેનથી લગભગ 210 કિલોમીટર દૂર આવેલા વુપિંગ કાઉન્ટીમાં પણ ભારે વરસાદ થયો હતો. અહીં રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા હતા. વાવાઝોડાના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. અહીં 39 મકાનો ધરાશાયી થયા હતા. બચાવ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે વુપિંગ કાઉન્ટીમાં 1,600 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ચીનમાં 1000 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે
વર્ષ 2021માં, ચીનમાં 1,000 વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે હેનાન પ્રાંતમાં લગભગ 30 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. 2,15,200 હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. લગભગ 1.22 અબજ યુઆન (લગભગ 1886 કરોડ યુએસ ડોલર) સીધું આર્થિક નુકસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.