મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, મુલ્લા મુજીબનું મોત:14 લોકો માર્યા ગયા, મુલ્લાએ તાલિબાનનો વિરોધ કરવા પર માથુ વાઢી નાંખવાની જાહેરાત કરી હતી

24 દિવસ પહેલા
  • આ હુમલા પાછળ ISISનું ખુરાસાન ગ્રુપ (ISKP)નો હાથ હોવાનું માનવામાં આવે છે.
  • હેરાતમાં અગાઉ તાલિબાન અને ISISનું ખુરાસાન ગ્રુપ એટલે કે ISKP વચ્ચે અથડામણ થઈ હતી.

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં તાલિબાનના સૌથી મોટા ધર્મગુરુઓમાંના એક મુલ્લા મુજીબ ઉર રહેમાન અન્સારી માર્યા ગયા હતા. આ ઘટના ગાજાઘર શહેરમાં બની હતી. ગયા મહિને પણ તાલિબાનનો એક મોટો નેતા માર્યો ગયો હતો. આ હુમલા પાછળ ISISના ખુરાસાન ગ્રુપ (ISKP)નો હાથ હોવાનું માનવામાં આવે છે. તાલિબાને હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી.

બે વિસ્ફોટ થયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાજાઘરની મસ્જિદમાં કુલ 2 વિસ્ફોટથયા હતા. આ દરમિયાન જુમાની નમાજ ચાલી રહી હતી. મુલ્લા મુજીબ આ મસ્જિદના મુખ્ય ઈમામ હતા. બ્લાસ્ટ તેની સામેની હરોળમાં જ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ એક ફિદાયીન હુમલો હતો અને તેમાં બે લોકો સામેલ હતા.

બીજો બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો બહાર દોડી રહ્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર મુલ્લા મુજીબ થોડા કલાકો પહેલા હેરાતમાં એક ઈકોનોમિક પરિષદમાં ભાગ લીધા બાદ તેઓ સીધા મસ્જિદ પહોંચ્યા. તેમના સેક્રેટરીએ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

તાલિબાન મૌલવી મુલ્લા મુજીબ ઉર રહેમાન અંસારી શુક્રવારની નમાજ માટે હેરાતની મસ્જિદમાં ગયા હતા. - ફાઈલ ફોટો.
તાલિબાન મૌલવી મુલ્લા મુજીબ ઉર રહેમાન અંસારી શુક્રવારની નમાજ માટે હેરાતની મસ્જિદમાં ગયા હતા. - ફાઈલ ફોટો.

માથુ વાઢી નાંખવાનો આદેશ આપ્યો હતો
મુલ્લા મુજીબ તાલિબાનના સૌથી ક્રૂર નેતાઓમાંના એક માનવામાં આવતા હતા. તે છોકરીઓનું શિક્ષણ અને તેમનું ઘરેથી બહાર નીકળવા સામે સખત વિરોધી હતો. લગભગ બે મહિના પહેલા તેણે ફતવો બહાર પાડ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ તાલિબાન સરકારનો વિરોધ કરશે અથવા આદેશનું પાલન ન કરે તો તેની સજા તે જ હશે કે તેનું માથું વાઢી નાખવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફરમાન કે ફતવાને તાલિબાનના પ્રવક્તાએ મુજીબનો અંગત અભિપ્રાય ગણાવીને ફગાવી દીધો હતો.

ISKP પર શંકા શા માટે?
બુધવારે જ હેરાતમાં તાલિબાન અને ISISનું ખુરાસાન ગ્રુપ એટલે કે ISKP વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આ હુમલામાં ISKPના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પછી, ખુરાસાન જૂથે કહ્યું હતું કે તે ચોક્કસપણે આ મૃત્યુનો બદલો લેશે.

ISKP એ તાલિબાન માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે, જેમણે 15 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનની સરકાર પર કબજો કર્યો હતો. હેરાત સહિત દેશના ઘણા ભાગોમાં તાલિબાન અને ISKP વચ્ચે અથડામણ ચાલી રહી છે. જ્યારે અમેરિકાની સેના અફઘાનિસ્તાન છોડી રહી હતી તે સમયે કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટ પાછળ ISKPનો હાથ હતો.

અન્ય સમાચારો પણ છે...