તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જાપાનમાં રજિસ્ટર્ડ લગ્નોમાં 12.3%નો ઘટાડો, 121 વર્ષ બાદ જન્મદર વિક્રમી નીચી સપાટીએ

ટોક્યો7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2065 સુધીમાં જાપાનની વસતી 8.8 કરોડ થઇ જશે

કોરોના સંકટની દુનિયાભરમાં જન્મદર પર અસર થઇ છે જ્યારે શરૂમાં એવી અટકળો થતી હતી કે લૉકડાઉનના કારણે જન્મદર વધી શકે છે. જાપાનમાં ગત વર્ષે જન્મદરમાં વિક્રમી ઘટાડો થયો. જાપાનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના સંકટની અસર વિવિધ રૂપમાં સામે આવી રહી છે.

મહામારીના કારણે ઘણા લોકોએ લગ્ન મોકૂફ રાખ્યાં. 2020માં દેશમાં જન્મેલાં બાળકોની સંખ્યા 8,40,832 છે, જે આંકડો 2019ની સરખામણીમાં 2.8% ઓછો અને ઇ.સ. 1899 પછીનો સૌથી ઓછો છે. જાપાનમાં જન્મદર મામલે 121 વર્ષ બાદ આવી સ્થિતિ સર્જાઇ છે.

મંત્રાલયે ઉમેર્યું કે જાપાનમાં રજિસ્ટર્ડ લગ્નોની સંખ્યા ગત વર્ષે 12.3% ઘટીને 5,25,490 હતી જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ જાપાનમાં ઓછાં લગ્ન થયાં હતાં. 2020માં જાપાનમાં પ્રજનનદર ઘટીને 1.34 થઇ ગયો, જે વિશ્વમાં સૌથી ઓછો છે. જાપાનમાં વૃદ્ધોની વસતી વધુ છે. યુવાનોની સંખ્યા ઓછી હોવાના કારણે કાર્યબળ ઘટી રહ્યું છે. જાપાન ‘સુપર-એજ્ડ’ દેશ કહેવાય છે. એટલે કે જાપાનની 20%થી વધુ વસતી 65 વર્ષથી વધુ વયની છે. દેશની કુલ વસતી 2018માં 12.40 કરોડ હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે 2065 સુધીમાં વસતી ઘટીને અંદાજે 8.8 કરોડ થઇ શકે છે. બીજી તરફ ચીનમાં નવજાત શિશુઓની સંખ્યામાં 15% ઘટાડો થયો છે. ચીન સરકારે ગયા અઠવાડિયે જ જાહેર કર્યું હતું કે તે તેની કુટુંબ નિયોજનની કડક નીતિ હળવી બનાવશે, જે અંતર્ગત દંપતી 3 બાળકને જન્મ આપી શકશે.

દક્ષિણ કોરિયામાં પહેલીવાર જન્મથી વધુ મોત
જાપાનનો પડોશી દેશ દ.કોરિયા પણ ઘણાં વર્ષોથી નીચા જન્મદર સામે ઝઝૂમી રહ્યો છે. ગત વર્ષે તેણે પહેલીવાર જન્મથી વધુ મોતની માહિતી આપી હતી. આ સ્થિતિ ‘પોપ્યુલેશન ડેથ ક્રોસ’ તરીકે ઓળખાય છે. તેનો અર્થ એ છે કે કુલ વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...