જિજીવિષા:ઈટાલીમાં 101 વર્ષીય વૃદ્ધ કોરોનામાંથી સાજા થયા, ઈટાલીના સૌથી વયોવૃદ્ધ કોરોના સર્વાઈવર

ઈટાલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કોરોના સર્વાઈવરને ઈટાલિયન મીડિયાએ ‘મિ. P’ નામ આપ્યું છે
  • મિ. P સ્પેનિશ ફ્લુ, વિશ્વયુદ્ધ અને હવે કોરોનાવાઈરસના રોગચાળાને પણ સર્વાઈવ કરી ગયા છે
  • અગાઉ ચીનમાં 103 વર્ષની સ્ત્રી અને 100 પુરુષ તથા સાઉથ કોરિયામાં 97 વર્ષનાં સ્ત્રી પણ કોરોનામાંથી સાજાં થયાં હતાં

રિમિની, ઈટાલીઃ ઈટાલીમાં અત્યારે ચાલી રહેલા મોતના તાંડવ વચ્ચે ચમત્કારિક લાગે તેવા પોઝિટિવ સમાચાર પણ આવી રહ્યા છે. જેમ કે, ત્યાંના રિમિનીમાં 101 વર્ષના એક વયોવૃદ્ધ વ્યક્તિ કોરોનાવાઈરસના ચેપમાંથી સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે અને ગુરુવારે ડોક્ટરોએ તેમને ઘરે જવા માટે રજા પણ આપી દીધી છે. આ સાથે તેઓ ઈટાલીના સૌથી મોટી ઉંમરના કોરોના સર્વાઈવર બની ગયા છે. એટલું જ નહીં, તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના કોરોના સર્વાઈવર્સની યાદીમાં પણ સામેલ થઈ ગયા છે.
ઈટાલિયન મીડિયા આ શતાયુ કોરોના સર્વાઈવરને ‘મિ. P’ તરીકે ઓળખે છે. મિ. Pને ગયા અઠવાડિયે તેમના પરિવારજનો દ્વારા રિમિની શહેરની ઈન્ફર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 
મિ. Pને હોસ્પિટલેથી રજા અપાઈ ત્યારે રિમિની શહેરનાં મેયર ગ્લોરિયા લિસીની આંખમાં પણ હરખનાં આંસું આવી ગયેલાં, એમણે મીડિયાને કહ્યું કે, મિસ્ટર P આપણે ત્યાં આશાવાદનો એક નવો સિમ્બોલ બની રહેશે. એમનું સાજા થવું કહી આપે છે કે 101 વર્ષના હો તોય ભવિષ્યમાં શું લખાયેલું હશે તે કોઈ કહી શકતું નથી.
આ 101 વર્ષીય દર્દીનું સાજા થવું એ લગભગ ચમત્કારિક વાત એટલા માટે છે કે ઈટાલીમાં કોરોનાને કારણે જે 9100થી પણ વધુ લોકોનાં મોત થયાં છે, તેમાં 86 ટકા જેટલા લોકોની ઉંમર 70 વર્ષથી વધુ હતી. 

ચીનમાં 103 વર્ષનાં દાદી પણ સાજાં થયેલાં
મિ. P 101 વર્ષની જૈફ વયે કોરોનામાંથી બેઠા થયા એ સાથે હવે તેમને ચીનનાં 103 વર્ષનાં કોરોના સર્વાઈવર સાથે સરખાવવામાં આવી રહ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ચીનના કોરોનાના એપિસેન્ટર એવા વુહાનમાં 103 વર્ષનાં ઝાંગ ગ્વાંગફેન નામનાં દાદીમા પણ કોરોનાના જડબામાં ફસાઈને મોતને થપ્પો કરી આવ્યાં હતાં. 1 માર્ચે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને અઠવાડિયા પછી તેમને ઘરે જવા રજા આપી દેવાઈ હતી. આ જ સમયગાળામાં 100 વર્ષના અન્ય એક પુરુષને પણ કોરોનામાંથી સંપૂર્ણ રિકવરી આવી ગઈ હતી. રસપ્રદ વાત એ હતી કે તેમને હાર્ટ ફેલ્યોર, અલ્ઝાઈમર્સ ડિસીઝ અને હાઈપર ટેન્શન જેવી મલ્ટિપલ ગંભીર બીમારીઓ હોવા છતાં તેઓ કોરોનાને હંફાવવામાં સફળ રહ્યા હતા. 

સાઉથ કોરિયાના 97 વર્ષનાં સર્વાઈવર
આ જ રીતે સાઉથ કોરિયાના ચેંગડો શહેરમાં 97 વર્ષનાં એક દાદીમા પણ કોરોનાવાઈરસના ચેપનો ભોગ બન્યાં પછી સંપૂર્ણપણે સાજાં થઈને ઘરે પરત ફર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...