આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ દુર થવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે સતત બીજા દિવસે પાકિસ્તાની રૂપિયો ડોલર સામે 11.17 રુપિયા ગગડ્યો હતો. એટલે કે પાકિસ્તાને હવે કોઈપણ વસ્તુની આયાત કરવા માટે પ્રતિ ડોલરના હિસાબે 266 રૂપિયા ચૂકવવા પડશે. આ દરમિયાન, પાકિસ્તાનના સાંસદોને મળતા ભંડોળમાં 30% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બુધવારે ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC)ની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડૉનના રિપોર્ટ અનુસાર 100 કરોડ રૂપિયા માત્ર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના જજોના ઘરો અને વિશ્રામગૃહોના સમારકામ માટે આપવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વિકાસ માટે 90 હજાર કરોડ આપશે
ECCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ડેવલપમેન્ટ ફંડ તરીકે ત્યાંનાં સાંસદોને 90 હજાર કરોડ પાકિસ્તાની રુપિયા આપવામાં આવશે. ડોનના રિપોર્ટ મુજબ નાણાંમંત્રી ઈશાક ડારની અધ્યક્ષતામાં ECCની બેઠક મળી હતી. બેઠકમાં પ્રેગનેન્સી ટેસ્ટમાં ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવમાં 25 ટકાનો વધારો કરવાની મંજુરી આપવામાં આવી છે. બીજી તરફ બેઠકે 54 અન્ય દવાઓવા ભાવ નક્કી કરવાના નિર્ણયને સ્થગિત કરી દીધો છે.
લોકોને ડર- પેટ્રોલ પ્રતિ લીટર 300 રુપિયે ન પહોંચી જાય
ડોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે પાકિસ્તાનના રુપિયામાં બે દિવસની અંદર 10%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, એવામાં ત્યાં ચીજવસ્તુના ભાવમાં વધારો તો થશે જ સાથે વ્યાજ દરો પણ વધશે.
પાકિસ્તાનમાં કોરંગી એસોસિએશન ઑફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખને આશંકા છે કે ત્યાં પેટ્રોલની કિંમત 300 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. એક રિપોર્ટ અનુસાર, 16 જાન્યુઆરીથી પાકિસ્તાનમાં પેટ્રોલ 214 રૂપિયા પ્રતિ લીટરના દરે મળી રહ્યું છે. વેપારીઓને ડર છે કે લોન લેવાનું મોંઘું થશે તો પાકિસ્તાનમાં ઉદ્યોગો બંધ પડી જશે અને લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
પાકિસ્તાનમાં પેટ્રોલનાં ભાવ વધારવા માંગે છે IMF
પાક સરકારે ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) પાસેથી 6 અબજ ડોલરની સહાય માંગી હતી, પરંતુ પેટ્રોલ, ડીઝલના ભાવનાં વધારો કરવાની શરત મુકી છે. રશિયા-યુક્રેનનાં યુદ્ધના કારણે દુનિયાભરમાં એનર્જીની કિંમતોમાં વધારા વચ્ચે પાકની છેલ્લી ઈમરાન સરકારે એનર્જીની કિંમતોમાં સબસિડીની જાહેરાત કરી હતી. આ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં લેતા શહેબાઝ શરીફ સરકાર કિંમતો વધારવા જેવા કોઈ પગલા ભરતા ખચકાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.