પાકિસ્તાનમાં આતંકી હુમલાની ઘટના અટકવાનું નામ લેતી નથી. કરાંચીમાં સોમવારે ફરી એકવાર આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અહીં ખરાદર વિસ્તારમાં ન્યૂ મેમન મસ્જિદ પાસે થયેલા બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું હતું અને 11 લોકો ઘાયલ થયા હતા.
કરાંચી પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ માટે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ પિક-અપ અને અન્ય કેટલાંક વાહનોને નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
વડાપ્રધાને કહ્યું- કડક કાર્યવાહી કરવામાં આવશે
વડાપ્રધાન શહેબાઝ શરીફે હુમલાની નિંદા કરી છે. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક પકડવા માટેને નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓને અંજામ આપનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સિંધ સરકારને મદદ કરવાની પણ વાત કરી છે. આ તરફ, સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે તમામ ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સિંધના આઈજીપી મુશ્તાક અહેમદ મહારે આ મામલે વિગતવાર રિપોર્ટ માગ્યો છે.
ગુરુવારે સદર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો
કરાંચી શહેરમાં ત્રણ દિવસમાં આ બીજો આતંકી હુમલો છે. આ પહેલાં ગુરુવારે કરાંચીના સદર વિસ્તાર પાસે વિસ્ફોટમાં 1 નાગરિકનું મોત થયું હતું, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે બાઇકમાં IED લગાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
18 દિવસ પહેલાં થયેલા બ્લાસ્ટમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા
પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં આતંકવાદી ઘટનાઓમાં ભારે વધારો થયો છે. 18 દિવસ પહેલાં કરાંચી યુનિવર્સિટીમાં ફિદાયીન હુમલો થયો હતો, જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં. આ હુમલો કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ નજીક એક કાર પાસે થયો હતો. માર્યા ગયેલા 5માંથી ત્રણ ચીનની મહિલા પ્રોફેસર હતી. ચોથો તેનો પાકિસ્તાની ડ્રાઈવર હતો અને પાંચમો ગાર્ડ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.