ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે સંપત્તિ ઘોષણા યોજનાની જાહેરાત કરી. જે અંતર્ગત નાગરિકો પાસે તેમની જાહેર ન કરાયેલી સંપત્તિની જાણકારી માગવામાં આવી છે. ઈમરાને કહ્યું કે તમામ નાગરિક તેમાં ભાગ લે અને 30 જૂન સુધી ટેક્સ ભરી દે. પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં દેવું 6 હજાર કરોડથી વધીને 30 હજાર કરોડ થઈ ગયું છે.
મંગળવારે પાકિસ્તાનનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં 20 કરોડ લોકોમાંથી દર વર્ષે માત્ર 14 લાખ લોકો જ પોતાની વાર્ષિક આવકની જાણકારી આપે છે.
1) દેશને ગરીબીમાંથી મુક્ત કરવા માટે મદદ કરો
ઈમરાને કહ્યું કે, "તમને બધાંને મારી અપીલ છે કે સંપત્તિ જાહેર કરવાની સ્કીમમાં ભાગ લો. જો તમે ટેક્સ નથી આપતાં તો આપણે દેશને આગળ કઈ રીતે લઈ જઈ શકીએ. 30 જૂન પછી તમને આવી તક નહીં મળે. એજન્સીઓની પાસે તમામ જાણકારી છે કે કેટલાં લોકો પાસે બેનામી સંપત્તિ અને ખાતા છે."
તેઓએ કહ્યું કે, "પાકિસ્તાનને ફાયદો અપાવો. તમારા બાળકોના ભવિષ્ય સુરક્ષિત કરો. તક હાથમાંથી નીકળી જાય તે પહેલાં સ્કીમનો લાભ ઉઠાવો. દેશને પગભર થવામાં મદદ કરો. દેશના લોકોને ગરીબીમાંથી મુક્ત કરાવવામાં સહાયત કરો."
પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, દેશ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. દેશના વિકાસમાં યોગદાન આપો. જો આપણે એક મહાન દેશ બનાવવા માગીએ છીએ તો આપણે પોતે જ બદલવાની જરૂર છે. પાકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં દુનિયામાં સૌથી ઓછો ટેક્સ આપવામાં આવે છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ સરકારે મેમાં પહેલી વખત ટેક્સ માફી સ્કીમની જાહેરાત કરી હતી. જે અંતર્ગત નાગરિકોની બેનામી સંપત્તિ, બેંક ખાતા અને વિદેશમાં જમા ધન સાથે જોડાયેલી જાણકારી જાહેર કરવાની વાત કરવામાં આવી હતી.
આ બીજી વખત છે જ્યારે સરકારે નાગરિકોને આ પ્રકારની અપીલ કરી છે. સરકારની યોજના છે કે આ વખતે સેનાના ઉચ્ચ અધિકારીઓની સેલેરીમાં વધારો કરવામાં ન આવે. નાગરિકોને બેનામી સંપત્તિ જાહેર કરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે જે 30 જૂને પૂર્ણ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.