અમેરિકા / હવે મેરિટ બેઝ ઇમિગ્રેશન સિસ્ટમ, ટ્રમ્પે ગ્રીન કાર્ડના સ્થાને બિલ્ડ અમેરિકા વિઝા પ્રસ્તાવ રજૂ કર્યો

  • નવી ઇમિગ્રેશન યોજના બિલ્ડ અમેરિકા હેઠળ પ્રસ્તાવમાં વિઝા ક્વૉટા 12 ટકાથી વધારીને 57 ટકા કરવાની યોજના  
  • દર વર્ષે અંદાજિત 11 લાખ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, જેમાં કોઇ ફેરફાર નહીં થાય

divyabhaskar.com

May 19, 2019, 01:28 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં ગ્રીનકાર્ડના સ્થાને નવી ઇમિગ્રેશન યોજના ‘બિલ્ડ અમેરિકા’ વિઝાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ નવી ઇમિગ્રેશન યોજના યોગ્યતા અને મેરિટ આધારે હશે. તેમાં ગ્રીનકાર્ડ અથવા સ્થાયી પીઆરની અનુમતિની રાહ જોઇ રહેલા ભારતીયો સહિત અન્ય વિદેશી પ્રોફેશનલ્સ અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સને લાભ થશે. હાલ, ડેમોક્રેટિક અને રિપબ્લિકનમાં વિવાદના કારણે સંસદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.

અમેરિકા દરવર્ષે અંદાજિત 11 લાખ વિદેશીઓને ગ્રીનકાર્ડ આપે છે. જે હેઠળ આ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં સ્થાયી કામ કરવા અને રહેવાની અનુમતિ મળે છે. હાલમાં 66 ટકા ગ્રીનકાર્ડ પરિવાર સાથે સંબંધના આધારે આપવામાં આવે છે. માત્ર 12 ટકા લોકોને જ યોગ્યતાના આધારે આ કાર્ડ આપવાની અનુમતિ હતી. આ પ્રસ્તાવમાં વિઝા ક્વોટા 12 ટકાથી વધારીને 57 ટકા કરવાની વાત કહી હતી.

સિવિક્સની એક્ઝામ પાસ કરવી જરૂરી

બિલ્ડ અમેરિકા વિઝા હેઠળ ગ્રીનકાર્ડ માટે વિદેશીઓને ઇંગ્લિશ ભાષા શીખવી પડશે. સાથે જ સિવિક્સની એક્ઝામ પણ પાસ કરવાની રહેશે. આ પ્રસ્તાવ હજુ સંસદમાં છે અને કોંગ્રેસની મંજૂરી મળવાનું મુશ્કેલ લાગી રહ્યું છે. સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિ છે, જ્યારે સેનેટમાં રિપબ્લિકનનું નિયંત્રણ છે. બંને પાર્ટીઓના નેતા આ પ્રસ્તાવને લઇને અલગ-અલગ વિચારણા કરી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું, યોગ્યતાને મોકો મળવો જોઇએ

આ નવી યોજના ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની છે. આ યોજના મુખ્ય રીતે બોર્ડર સિક્યોરિટીને મજબૂત કરવાની છે. ટ્રમ્પે કહ્યું કે, અમે એવા લોકોને મોકો આપવા ઇચ્છીએ છીએ, જે નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજતા હોય. આ નવી નીતિનો ઉદ્દેશ્ય યોગ્યતા, હાઇ ડિગ્રી ધારક અને પ્રોફેશનલ ક્વોલિફિકેશન ધરાવનાર માટે પીઆર જેવા નિયમો સરળ બનાવવાના છે.

અમેરિકા ઇમિગ્રન્ટ્સનો સ્વાગત કરનાર દેશ
ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે, તેઓ આ નવા પ્રસ્તાવ હેઠળ મોટો બદલાવ ઇચ્છે છે. આનાથી યોગ્યતાને પણ મહત્વ આપવામાં આવશે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હંમેશાથી વિદેશીઓનું સ્વાગત કરનાર દેશ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવું કરતો રહેશે.

US ગ્રીનકાર્ડ અંગે તમે જે કાંઈ જાણવા માગો છો એ બધું

સવાલ : કેનેડા-ઓસ્ટ્રેલિયામાં કેવી સિસ્ટમ છે?

જવાબઃ હાલમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્કિલબેઝ ઇમિગ્રેશન સિસ્ટમ અમલી છે.

સવાલ : આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે ?

જવાબઃ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં એજ્યુકેશન લીધું હોય તો એના પોઈન્ટ મળે છે. કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં લીધેલા શિક્ષણ ઉપરાંત ત્યાંનો કે પોતાના દેશમાં કામ કરવાના અનુભવના પણ પોઈન્ટ મળે છે.

સવાલ : ઇંગ્લિશ લેન્ગવેજની એક્ઝામનું કેટલું મહત્ત્વ?

જવાબઃ દરેક દેશમાં અંગ્રેજી ભાષાના પ્રભુત્વને આધારે જ ગ્રીનકાર્ડ કે PR મળે છે. ILTS કે પીટીની એક્ઝામમાં મેળવેલા મહત્તમ બેન્ડના આધારે ગ્રીનકાર્ડ કે PR મેળવવામાં ફાયદો થાય છે.

સવાલ : અમેરિકામાં કેવી સિસ્ટમ આવી રહી છે ?

જવાબઃ અમેરિકામાં પણ હવે આ રીતે જ સ્કિલ બેઝ ઇમિગ્રેશન સિસ્ટમ અમલી બની રહી છે. ભારતમાં લીધેલા શિક્ષણ ઉપરાંત અમેરિકી યુનિવર્સિટીનું શિક્ષણ, અમેરિકામાં કામકાજનો અનુભવ અને ઇંગ્લિશ લેન્ગવેજ ટેસ્ટમાં મેળવેલા બેન્ડના આધારે નિશ્ચિત પોઈન્ટ મેળવવામાં આવે તો ઉમેદવાર ગ્રીનકાર્ડ માટે માન્ય ઠરે.

સવાલ : અમેરિકી સિસ્ટમમાં કંઈ નવું છે ?

જવાબઃ અમેરિકામાં એક નવો મુદ્દો ઉમેરાયો છે કે ગ્રીનકાર્ડની અરજી કરનારે સિવિક એક્ઝામ પણ આપવી પડશે. આ એક્ઝામમાં અમેરિકાના ઇતિહાસથી લઈ અમેરિકાની તમામ માહિતી હશે જેની પરીક્ષામાં પાસ થવું પડશે.

સવાલ : ગ્રીનકાર્ડ માટે અરજી કરનાર ભારતીયોને શું ફાયદો?

જવાબઃ સૌથી સારી વાત એ છે કે અમેરિકા દર વર્ષે 11 લાખ લોકોને ગ્રીનકાર્ડ આપે છે તેમાં સ્કિલ બેઝ કે મેરિટ બેઝ ઇમિગ્રેશનનો હિસ્સો 12 ટકાનો છે એટલે કે 1.32 લાખ લોકોને ગ્રીનકાર્ડ મળતાં હતા હવે તેમાં જંગી એટલે કે 45 ટકા વધારીને 57 ટકા કરાયો છે આથી આ સંખ્યા વધીને 5 લાખ જેટલી થશે.

સવાલ : ફેમિલી ઇમિગ્રેશનને અસર થશે?

જવાબઃ ના, ફેમિલી ઇમિગ્રેશનની પ્રક્રિયા હાલમાં જે રીતે ચાલે છે એ જ રીતે ચાલતી રહેશે.

(ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર સાથે થયેલી વાતચીતના આધારે)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી