પાક. વિદેશમંત્રી કુરેશીનું કબૂલનામું / આપણે મૂર્ખાના સ્વર્ગમાં ન રહેવું જોઈએ: પાકિસ્તાન, આખરી આશા ચીને પણ પાકિસ્તાનને ડિંગો બતાવ્યો

  • દુનિયામાંથી ભાવ ના મળતાં પાકિસ્તાને હાર માની, વિદેશમંત્રીએ કહ્યું- UN પણ સાથે નથી
  • ભારતના એક અબજના બજાર સાથે જોડાયેલા છે વિશ્વના દેશો
  • ભારતમાં મોટું રોકાણ એટલે મુસ્લિમ દેશો અમારી સાથે નથી
  • પાકિસ્તાની-કાશ્મીરી સમજી લે કે તમારી કોઈ મદદ નહીં કરે

Divyabhaskar.com

Aug 13, 2019, 11:40 AM IST

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં પરિવર્તન કરવાની અને રાજ્યની પુન:રચનાને લઈને પાકિસ્તાને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને વિશ્વમાંથી સહયોગ મળી રહ્યો નથી. પાકિસ્તાનનો પ્રોપેગંડા નિષ્ફળ ગયો તેવું ખુદ ત્યાંના વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશી જણાવી રહ્યા છે. પાક. અધિકૃત જમ્મુ-કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં મીડિયા સાથે વાતચીતમાં કુરેશીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પણ તેમને સમર્થન મળવું મુશ્કેલ છે. કુરેશીએ કહ્યું કે આપણે મૂર્ખાના સ્વર્ગમાં રહેવું જોઈએ નહીં. પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓએ જાણી લેવું જોઈએ કે કોઈ તેમની સાથે ઊભું નથી. ભારતના એક અબજના માર્કેટ સાથે દુનિયાના દેશોનું હિત જોડાયેલું છે. મુસ્લિમ દેશો પણ ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહ્યાં છે પણ પાકિસ્તાનને સહયોગ કરતા નથી. યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં પાંચ સ્થાઈ સભ્ય છે.

મુસ્લિમોની બહુમતી હોવાથી કલમ 370 હટાવી: ચિદમ્બરમ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને માજી ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ એવો આક્ષેપ કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી હોવાથી કેન્દ્ર સરકારે કલમ 370માં પરિવર્તન કર્યું છે. ચેન્નાઈ ખાતે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો જમ્મુ-કાશ્મીર હિન્દુ બહુમતી ધરાવતું રાજ્ય હોત તો ભાજપ આ રાજ્યનો વિશેષ દરજ્જો જાળવી રાખત.

આપણા હાથમાંથી કાશ્મીર નીકળી જશે: દિગ્વિજય
મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે કલમ 370 અંગે ભાજપ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલથી કાશ્મીરને બચાવવાની જરૂર છે. જો કાશ્મીર અંગે સમજી-વિચારીને પગલાં નહીં ભરાય તો કાશ્મીર આપણા હાથમાંથી નીકળી જશે. આજે જુઓ કાશ્મીરનું શું હાલત છે.

ઉત્તર સરહદને પેલેસ્ટાઈન બનાવ્યું: અય્યર
વિવાદિત નિવેદનો કરીને સતત ચર્ચામાં રહેનાર કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર એવો આક્ષેપ કર્યો છે કે કલમ 370 હટાવીને તેમણે ઉત્તર સરહદને પેલેસ્ટાઇન બનાવી દીધું છે. મોદી અને શાહે તેમના ગુરુ બેન્જામીન નેતાન્યુહ અને યહૂદી પાસેથી આ પાઠ શીખવ્યો છે.

100મા સ્વતંત્રતા દિવસે કાશ્મીર ભારતમાં નહીં હોય
એમડીએમકેના વડા અને રાજ્યસભાના સાંસદ વાયકોએ કાશ્મીર અંગે વિવાદી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત જ્યારે તેનો 100મો સ્વતંત્રતા દિવસ ઉજવતું હશે ત્યારે કાશ્મીર ભારત સાથે નહીં હોય. વાયકોએ કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો છે. તિરુવન્નમલાઈ જિલ્લામાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો હિસ્સો નહીં હોય. અગાઉ પણ વાયકો આવા નિવેદન આપી ચૂક્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી