અમદાવાદની વસતી 75 લાખ, ટ્રમ્પ કહે છે - મારા સ્વાગતમાં એરપોર્ટથી સ્ટેડિયમ સુધી 50થી 70 લાખ લોકો ઊભા રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતની પ્રથમ મુલાકાત અંગે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરી
  • ટ્રમ્પે કહ્યું કે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીમાં 50 લાખથી 70 લાખ લોકો મારું અભિવાદન કરશે એવું મોદીએ મને કહ્યું છે
  • અમદાવાદની વસ્તી 75 લાખની આસપાસ છે. આટલા લોકો ક્યાંથી આવશે તે સવાલ છે

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તેમના ભારત પ્રવાસ અંગે બહુ ઉત્સાહિત છે. ટ્રમ્પે બુધવારે પત્રકારોને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને એક સારી વ્યક્તિ છે. તેમણે તેમને કહ્યું છે કે અમદાવાદમાં એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી તેમના સ્વાગત માટે 50થી 70 લાખ લોકો હાજર રહેશે. હેમ્પશાયરની રેલીમાં 50 હજાર લોકો હતા ત્યારે તેમને તે પસંદ નહોતું. પરંતુ ત્યાં લાખો લોકો હશે. આ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારત તેના વિશેષ મહેમાનનું યાદગાર સ્વાગત કરશે. બંને દેશ લોકશાહી અને વિવિધતા માટે પ્રતિબદ્ધ છે. આપણો દેશ વિભિન્ન મુદ્દે અમેરિકાને સહયોગ આપી રહ્યો છે. બંને દેશ વચ્ચેની મજબૂત થઈ રહેલી દોસ્તી માત્ર આપણા નાગરિકો નહીં બલ્કે સમગ્ર વિશ્વ માટે લાભકારક હશે.

  • હું ભારત જઈ રહ્યો છું. વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર છે, ગ્રેટ જેન્ટલમેન છે. મને જણાવાયું છે કે ત્યાં લાખો લોકો આવશે. મારી પાછલી સભામાં 40થી 50 હજાર લોકો આવ્યા હતા પણ મને સંતોષ નથી થતો. કારણ કે મને લાગે છે કે 50 લાખથી 70 લાખ લોકો એરપોર્ટથી નવા સ્ટેડિયમ સુધી મારા સ્વાગત માટે ઊભા રહેશે. - ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત મુલાકાત માટે હું કાગડોળે રાહ જોઈ રહ્યો છુંઃ ટ્રમ્પ

  • અમેરિકામાં ચૂંટણી અભિયાન પર જોર આપી રહેલા ટ્રમ્પ એ વાતથી ઘણા ઉત્સાહમાં છે કે ભારતમાં લાખો લોકો તેમને જોવા અને સાંભળવા માટે આવી રહ્યા છે. પૂર્વ સૈનિકો માટે યોજાયેલા એક કાર્યક્રમ બાદ મીડિયાને ટ્રમ્પે કહ્યું કે, હું ભારત મુલાકાતની કાગડોળે રાહ જોઈ રહ્યો છું.
  • વડાપ્રધાન મોદી સાથે તેમની થયેલી ચર્ચાની વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, તે જેન્ટલમેન છે. મને કહેવામાં આવ્યું છે કે ત્યાં લાખો લોકો આવશે. રાષ્ટ્રપતિએ ચપટી વગાડતા કહ્યું કે, ગત રાતે રાત્રે તેમની સભામાં લગભગ 40-50 હજાર લોકોએ હાજરી આપી હતી જે કોઈ પણની સરખામણીમાં વધારે છે. પરંતુ હવે મને આનાથી સંતોષ નથી થતો, કારણ કે મને લાગે છે કે ભારતમાં 50થી 70 લાખ લોકો એરપોર્ટથી નવા સ્ટેડિયમની વચ્ચે હશે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.

અમદાવાદની વસ્તી 75 લાખની આસપાસ છે. આટલા લોકો ક્યાંથી આવશે તે સવાલ છે
 
હવે અમદાવાદની વસ્તીજ 75 લાખની આસપાસ છે ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેના સ્વાગતમાં 70 લાખ સુધી લોકો હાજરી આપશે. આટલા લોકો આવશે ક્યાંથી એ પણ એક મોટો સવાલ છે.
 

પીએમ મોદીએ કહ્યું કે વિશેષ મહેમાનોનું યાદગાર સ્વાગત થશે
 
મોદીએ બુધવારે ટ્વિટ કરી કહ્યું કે ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના 24-25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસને લઈને તેઓ ખૂબ ખુશ છે. ભારત તેના સન્માનિત અતિથિઓનું યાદગાર સ્વાગત કરશે. આ પ્રવાસ ખૂબજ ખાસ છે. તેનાથી ભારત-અમેરિકાની મિત્રતા મજબૂત થશે.  બન્ને દેશ લોકશાહી અને વિવિધતાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણો દેશ વિવિધ મુદ્દા પર તેને સહયોગ આપી રહ્યો છે. બન્ને દેશ વચ્ચે મજબૂત થઈ રહેલી મિત્રતાથી ન માત્ર આપણા નાગરિકોને પરંતુ સમગ્ર વિશ્વને ફાયદો થશે.