ઈરાક / બગદાદમાં અમેરિકન એમ્બેસી પાસે 3 રોકેટ છોડવામાં આવ્યા, ગ્રીન ઝોનમાં એક મહિનામાં ત્રીજો હુમલો

  • આ પહેલાં બગદાદમાં અમેરિકન એજન્સી પાસે 7 અને 8 જાન્યુઆરીએ પણ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો

Divyabhaskar.com

Jan 21, 2020, 10:55 AM IST

બગદાદ: ઈરાકના પાટનગર બગદાદમાં સોમવારે મોડી રાતે અમેરિકન એમ્બેસી પાસે ત્રણ રોકેટ છોડવામાં આવ્યા છે. જોકે હજી કોઈને નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. ન્યૂઝ ચેનલ અલ અરબિયાએ સેનાના સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, બ્લાસ્ટ પછી ગ્રીન ઝોનમાં સુરક્ષા અલાર્મ વાગવા લાગ્યું હતું. અમેરિકન એમ્બેસી બગદાદના સૌથી વધુ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં આવેલું છે.

આ પહેલાં પણ બગદાદમાં અમેરિકન એમ્બેસી પાસે 7 અને 8 જાન્યુઆરીએ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરીએ ઈરાને ઈરાકમાં આવેલા બે અમેરિકન સૈન્ય બેઝ પર 22 મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે અનબર પ્રાંતમાં એન અલ-અસદ એરબેઝ અને ઈરબિલના એક ગ્રીન ઝોન પર કરવામાં આવેલા હુમલામાં 80 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે.

કોઈ અમેરિકન સૈનિકોને નુકસાન નથી થયું- ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમારા કોઈ પણ સૈનિકને કઈ જ નુકસાન નથી થયું. 8 જાન્યુઆરીએ પણ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રીન ઝોન પર થયેલા હુમલા માટે અમેરિકા ઈરાન સમર્થિક અર્ધસૈનિક સમૂહોને દોષિત ગણાવે છે.

3 જાન્યુઆરીએ અમેરિકન ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું
બગદાદ એરપોર્ટ પર 3 જાન્યુઆરીએ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનની ઈલીટ કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની અને ઈરાકના ઈરાન સમર્થિક સંગઠન-પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (પીએમએફ)ના કમાન્ડર અબુ મહદી અલ-મુહંદિસ સહિત 8 લોકોના મોત થયા હતા. ત્યારપછી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી