મૂનવૉક@ 50 - ભાગ-1 / ચંદ્રયાત્રાના ઈતિહાસનું પહેલું ડગલું જ રક્તરંજિત હતું!

‘અપોલો-1’ના ટેસ્ટિંગ વખતે જ જીવતા ભૂંજાઈ ગયેલા હતભાગી અવકાશયાત્રીઓ એડ વ્હાઈટ (ડાબે), ગસ ગ્રિસમ (વચ્ચે) અને રોજર ચાફી.
‘અપોલો-1’ના ટેસ્ટિંગ વખતે જ જીવતા ભૂંજાઈ ગયેલા હતભાગી અવકાશયાત્રીઓ એડ વ્હાઈટ (ડાબે), ગસ ગ્રિસમ (વચ્ચે) અને રોજર ચાફી.
જ્હોન એફ. કેનેડીની ઐતિહાસિક સ્પીચે સમાનવ ચંદ્રયાત્રાનો પ્રારંભ કરાવ્યો અને અંતે સ્પેસ રેસ કાયમ માટે પૂરી કરી દીધી.
જ્હોન એફ. કેનેડીની ઐતિહાસિક સ્પીચે સમાનવ ચંદ્રયાત્રાનો પ્રારંભ કરાવ્યો અને અંતે સ્પેસ રેસ કાયમ માટે પૂરી કરી દીધી.
રશિયાના ‘સ્પુતનિક-1’ યાનની સફળતાએ અમેરિકાના પેટમાં તેલ રેડ્યું.
રશિયાના ‘સ્પુતનિક-1’ યાનની સફળતાએ અમેરિકાના પેટમાં તેલ રેડ્યું.

  • ભારતના ‘ચંદ્રયાન-2’ મિશન ટાણે જ માનવ ઈતિહાસના સૌથી યાદગાર માઈલસ્ટોન એવા ચંદ્ર પર પહેલીવાર ડગ માંડ્યાને 50 વર્ષ પૂર્ણ થયાં છે.
  • એ નિમિત્તે જાણીએ તે ‘અપોલો-11’ મિશનની દિલધડક ચંદ્રયાત્રાનો થ્રિલિંગ ફ્લેશબૅક....

Divyabhaskar.com

Jul 23, 2019, 05:58 PM IST

જયેશ અધ્યારુઃ તારીખઃ 25 મે, 1961
સ્થળઃ રાઈસ સ્ટેડિયમ, હ્યુસ્ટન, ટેક્સાસ

અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડી ત્યાં ઉપસ્થિત જનમેદની સમક્ષ જુસ્સાદાર ભાષણ કરી રહ્યા છે. એમના એક જ વાક્યે સમગ્ર અમેરિકામાં થ્રિલની અને સામેના છેડે સોવિયેત રશિયામાં ઉપહાસની લહેર ફેલાવી દીધી. તે વાક્ય હતું, ‘વી ચૂઝ ટુ ગો ટુ ધ મૂન.’ યાને કે અમેરિકા 1960ના દાયકાના અંત સુધીમાં માણસને ચંદ્ર પર મોકલશે, એટલું જ નહીં, તેને હેમખેમ પૃથ્વી પર પરત પણ લાવશે. આ માટે તેમણે 25 અબજ ડૉલરનું તોતિંગ બજેટ પણ ફાળવી દીધું. આ ક્વાયતને ઘણા નિષ્ણાતોએ ‘મૂનડોગલ’ નામની મહત્ત્વાકાંક્ષી મુર્ખામી ગણાવી હોવા છતાં તે કર્યા વિના છૂટકો નહોતો.

સ્પેસ રેસઃ મુકામ પોસ્ટ અંતરિક્ષ

આ જાહેરાત પાછળ જવાબદાર હતો ડર. આ ડરને વૈશ્વિક રાજકારણના ઈતિહાસમાં ‘સ્પુતનિક ક્રાઈસિસ’ નામ મળેલું છે. જરા માંડીને વાત કરીએ. બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત રશિયા અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ/કોલ્ડ વૉરનાં મંડાણ થયાં. બંને પાછી મહાસત્તાઓ, એટલે એકબીજા સાથે સીધેસીધી બાખડવાને બદલે પડદા પાછળ એકબીજાને હંફાવવાના પેંતરા કરે. ઉપરથી બંનેનાં મનમાં એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ અને પારાવાર ડર. જાતભાતની અફવાઓ, કોન્સ્પિરસિ થિયરીઓ ને કાલ્પનિક ડરના ગંજ રોજેરોજ ખડકાયા કરે. એમાં સોવિયેત રશિયાએ 4 ઓક્ટોબર, 1957ના રોજ ‘સ્પુતનિક-1’ સેટેલાઈટ છોડીને અમેરિકાના પેટમાં ઊકળતું તેલ રેડ્યું. અમેરિકનોનાં પેટમાં ફાળ પડવાનાં ત્રણ સ્વાભાવિક કારણો હતાં. એક તો રશિયાએ વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ સેટેલાઈટ છોડીને ‘સ્પેસ રેસ’નો પહેલો રાઉન્ડ જીતી લીધો હતો. બીજું, તે સેટેલાઈટ છોડવા માટે રશિયાએ ‘ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરેલો. યાને કે જે મિસાઈલથી અવકાશમાં સેટેલાઈટ છોડી શકાય, તેનાથી ન્યુક્લિયર બોમ્બ ફેંકવામાં વાર કેટલી? ત્રીજું, અમેરિકા હજુ માંડ દસેક કિલોગ્રામ વજનનો સેટેલાઈટ અવકાશમાં છોડવાનું પ્લાનિંગ કરી રહ્યું હતું, ત્યાં રશિયાએ 83 કિલોગ્રામ વજનના સ્પુતનિક-1ને પૃથ્વીની ફરતે લૉ અર્થ ઓર્બિટમાં મૂકી આપ્યો. કલાકના 29 હજાર કિલોમીટરના વેગે માત્ર 96.2 મિનિટમાં આખી પૃૃથ્વીની પ્રદક્ષિણા કરી લેતો સ્પુતનિક-1 માંડ ત્રણ જ અઠવાડિયાં ‘જીવ્યો’ અને સ્પેસમાંથી ‘બીપ.. બીપ… બીપ…’નાં રેડિયો સિગ્નલ્સ મોકલ્યાં, પરંતુ અમેરિકાને ઊંઘતું ઝડપી લીધું. તેના એક જ મહિનામાં રશિયાએ ‘લાઈકા’ નામની કૂતરીને પૃથ્વીની ફરતે ભ્રમણકક્ષાએ મોકલી (અમેરિકાએ પાછળથી એક ચિમ્પાન્ઝીને સ્પેસયાત્રા કરાવેલી).

‘NASA’ હાઝિર હો!

હવે અમેરિકાએ કમર કસ્યા વિના છૂટકો નહોતો. તત્કાલીન પ્રમુખ ડ્વાઈટ આઈઝનહોવરની મંજૂરીથી સ્પેસ એક્સપ્લોરેશન માટે એક સમર્પિત સંસ્થા ‘NASA’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ની સ્થાપના થઈ. ‘એક્સપ્લોરર’ સિરીઝના માનવરહિત સેટેલાઈટ મોકલવાની ક્વાયત શરૂ થઈ. પરંતુ રશિયાથી આગળ નીકળવા માટે ટાર્ગેટ હતું માણસને અંતરિક્ષમાં મોકલવો. આ માટે ‘પ્રોજેક્ટ મર્ક્યુરી’ શરૂ કરવામાં આવ્યો. આખરે અમેરિકાએ 5 મે, 1961ના રોજ એલન શેપર્ડ નામના પાઈલટને અવકાશમાં મોકલ્યો. શેપર્ડ ભલે માત્ર પંદર જ મિનિટ અવકાશમાં રહ્યો, પરંતુ તેણે અંતરિક્ષમાં જનારા પહેલા અમેરિકન તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરી. રસાકસીની મૅચમાં ફિલ્ડર ખેલાડીનો કૅચ કરી લે, પરંતુ કૅચ કર્યા પછી ખબર પડે કે એણે તો બાઉન્ડરીની બહાર જઈને કૅચ કર્યો છે ત્યારે જે સ્થિતિ થાય એવું કંઈક અમેરિકા સાથે થયું. શેપર્ડે ભલે અંતરિક્ષમાં જનારા પહેલા અમેરિકન તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી, પરંતુ તેના એક્ઝેક્ટ એક મહિના પહેલાં સોવિયેત રશિયાએ યુરિ ગાગારિન નામના સાહસિકને 1 એપ્રિલ, 1961ના રોજ અંતરિક્ષમાં મોકલીને અમેરિકાને ધોબી પછાડ આપી દીધેલી! આ ટાઈમલાઈન પરથી અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચેની સ્પેસ રેસ કેવી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ જેવી તીવ્ર હશે તેની કલ્પના કરી શકાય તેમ છે.

સ્પેસ રેસનું નેહલે પે દેહલા

અમેરિકાએ ભલે ‘પ્રોજેક્ટ મર્ક્યુરી’ પછી ‘પ્રોજેક્ટ જેમિની’ શરૂ કરીને સમાનવ અંતરિક્ષયાત્રાની મહત્ત્વાકાંક્ષાઓ વધારી દીધી હોય, પરંતુ સોવિયેત રશિયાની ‘લુના’ સિરીઝના સેટેલાઈટ્સ અમેરિકાથી સતત આગળ જ રહેતા હતા. સપ્ટેમ્બર, 1959માં જ રશિયન સેટેલાઈટ ‘લુના-2’એ ચંદ્રની ધરતી પર ‘થપ્પો’ કરી દીધેલો. આ સાથે પૃથ્વીની બહારના ખગોળીય પદાર્થ પર લેન્ડ થનારો પહેલો માનવનિર્મિત પદાર્થ બનવાની સિદ્ધિ પણ રશિયાના નામે લખાઈ ગઈ.

કુલ મિલાકે અમેરિકાની હાલત એટલિસ્ટ સોવિયેત રશિયાની સરખામણીમાં તો બહુ ઉત્સાહજનક નહોતી. ત્યાં 1961માં અમેરિકાના મોસ્ટ હેન્ડસમ પ્રમુખ એવા જ્હોન કેનેડીએ સમાનવ ચંદ્ર પર લેન્ડ કરવાનું ટાર્ગેટ આપીને આ નેહલે પે દેહલાની ગેમના નિયમો જ બદલી નાખ્યા. અમેરિકનોને એક નવું સપનું, નાસાને નવી ડેડલાઈન, નવું લક્ષ્ય અને નવું ભંડોળ મળ્યું. એ સાથે જ અંતરિક્ષ વિજ્ઞાનના વિરાટ પુસ્તકમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો. એવો અધ્યાય જેને સોવિયેત રશિયા ક્યારેય આંબી શકવાનું નહોતું. તે હતું ‘અપોલો પ્રોજેક્ટ’.

એ ફોર અપોલો

‘અપોલો-11’ મિશન અંતર્ગત 20 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન ‘બઝ’ એલ્ડ્રિને ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂક્યો અને આખી દુનિયામાં તેઓ હીરો થઈ ગયા. પરંતુ આ સફળતા પાછળ ત્રણ અંતરિક્ષ યાત્રીઓનું લોહી, લાખો એક્સપર્ટોનો છ વર્ષનો પરસેવો અને સંખ્યાબંધ અપોલો યાનની ખેપનો ફાળો છે, જેની ચર્ચા બહુ ઓછી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નીલ આર્મસ્ટ્રોંગનું ‘અપોલો-11’ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી શક્યું તેની પાછળ અગાઉ લોન્ચ થઈ ચૂકેલાં ‘અપોલો-1’, ‘અપોલો 4-5-6-7-8-9-10’ મિશનોનો રોકેટફાળો છે. પરંતુ મૂનમિશનનો પ્રારંભ અત્યંત ટ્રેજિક અને લોહિયાળ થયો.

પહેલે જ ડગલે મૂન મિશનમાં લોહી રેડાયું

અગાઉનાં સ્પેસ મિશનોમાંથી નાસાએ અપોલો મિશન સિરીઝ માટે કુલ 32 જાંબાઝ એસ્ટ્રોનોટ્સ પસંદ કરેલા. તેમાંથી અપોલો-1 મિશન માટે એડ વ્હાઈટ, રોજર ચાફી અને ગસ ગ્રિસમ સિલેક્ટ થયેલા. પરંતુ 27 જાન્યુઆરી, 1967ના દિવસે ટ્રેજેડી ત્રાટકી. અપોલો-1નું યાન અંતરિક્ષયાત્રીઓ સાથે પૃથ્વીની ભ્રમણકક્ષામાં કેવી રીતે પ્રદક્ષિણા કરશે તેનું ‘ડ્રેસ રિહર્સલ’ હતું. સ્પેસ સૂટ સાથે ત્રણેય અંતરિક્ષયાત્રી અપોલો-1ની (જેનું નામ એ વખતે અપોલો સેટર્ન-204 હતું) કમાન્ડ મોડ્યુલ તરીકે ઓળખાતી કેબિનમાં ગોઠવાઈ ગયેલા. ત્યાં જ અચાનક ધડાકાભેર આગ ફાટી નીકળી અને આગ પ્લસ ઝેરી ધુમાડાને કારણે ગણતરીની સેકન્ડોમાં જ આ ત્રણેય યુવા અંતરિક્ષયાત્રી જીવતા ભૂંજાઈ ગયા. પાછળથી થયેલી તપાસમાં બહાર આવ્યું કે કેબિનમાં રહી ગયેલા ખુલ્લા વાયરિંગમાં થયેલી શોર્ટસર્કિટે કેબિનમાંના ઓક્સિજનમાં આગ ચાંપી હતી. કેબિનની અંદરનું પ્રેશર એટલું જબરદસ્ત હતું કે જમીન પર જ હોવા છતાં આ યાત્રીઓને બહાર કાઢી શકાયા નહોતા.

ચંદ્રની નજીક, મિશન દર મિશન

ઈ.સ. 1970 સુધીમાં ચંદ્ર પર પગ મૂકવાનાં સપનાં જોતા અમેરિકા માટે આ પ્રચંડ સેટબેક હતો. અંતરિક્ષયાત્રીઓની સલામતી માટેનાં તમામ પેરામિટર્સને નવેસરથી તપાસવાની જરૂર ઊભી થઈ. આખો સમાનવ સ્પેસ પ્રોગ્રામ પોણા બે વર્ષ પાછળ ઠેલાઈ ગયો. તે છેક ઓક્ટોબર, 1968માં ‘અપોલો-7’થી રિસ્ટાર્ટ થયો. તે દરમિયાન નાસા વધુ ને વધુ શક્તિશાળી રોકેટ વિકસાવવામાં અને અવકાશયાત્રાને સલામત બનાવવામાં બિઝી રહી.

અપોલો-7 અવકાશયાત્રીઓને પૃથ્વીની ફરતે એક અઠવાડિયા સુધી પ્રદક્ષિણા કરાવીને સહીસલામત પરત લઈ આવ્યું. અપોલો-8 માનવજાતના ઈતિહાસમાં પહેલવહેલી વાર માણસને લો-અર્થ ઓર્બિટની પેલે પાર ચંદ્રની ભ્રમણકક્ષા સુધી લઈ ગયું અને હેમખેમ પરત લઈ આવ્યું. અપોલો-8, 9 અને 10એ આ જ રીતે પૃથ્વીની પેલે પાર ચંદ્રની ભ્રમણકક્ષામાં પરકમ્માઓ કરી અને ચંદ્ર પરના એક્ચ્યુઅલ લેન્ડિંગ વખતનું રિહર્સલ કર્યું. આ તમામ અંતરિક્ષયાત્રાઓમાં સાચુકલા અંતરિક્ષયાત્રીઓ ગયેલા અને જેમણે નીલ આર્મસ્ટ્રોંગવાળી ખેપને સક્સેસફુલ બનાવી. વક્રતા જુઓ કે આજની તારીખે દુનિયામાં એમનાં નામ માત્ર એન્સાઈક્લોપીડિયા અને સ્પેસ ટ્રાવેલના દસ્તાવેજોમાં જ કેદ થઈને રહી ગયાં છે. આ તમામ યાત્રાઓ ઓક્ટોબર, 1968થી મે, 1969 એટલે કે માત્ર આઠ મહિનાના સમયગાળામાં જ થઈ હતી!

‘-11’ના ત્રણ ભાગ્યશાળી નીલ (ડાબે) અને ‘બઝ’ ચંદ્ર પર પગ બહુમાન મળ્યું, જ્યારે માઈકલ (વચ્ચે)ને ફરતે પ્રદક્ષિણા કરીને સંતોષ માનવો પડ્યો.

ફાઈનલી, 16 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન ‘બઝ’ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સની ત્રિપુટીને ‘અપોલો-11’ મિશન ખેડવાનો અને તેમાંના બેને ચંદ્ર પર પગ મૂકવાનો વખત આવ્યો. તે યાત્રા માટે નાસાએ ‘સેટર્ન V’ નામનું માનવજાતના ઈતિહાસનું સૌથી શક્તિશાળી રોકેટ તૈયાર કર્યું હતું. તે રોકેટ અને આર્મસ્ટ્રોંગ આણિ મંડળી જે યાનમાં બેસીને ચંદ્ર પર ગઈ તે કેવાં હતાં? ઓછી જાણીતી વાત એ છે કે આ યાત્રીઓની સાથે ‘અપોલો-1’માં શહીદ થયેલા ત્રણ હતભાગી અવકાશયાત્રીઓએ પણ ચંદ્રયાત્રા કરી હતી. કઈ રીતે?

મૂનવૉક @ 50 ભાગ-2 / 'વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ'

X
‘અપોલો-1’ના ટેસ્ટિંગ વખતે જ જીવતા ભૂંજાઈ ગયેલા હતભાગી અવકાશયાત્રીઓ એડ વ્હાઈટ (ડાબે), ગસ ગ્રિસમ (વચ્ચે) અને રોજર ચાફી.‘અપોલો-1’ના ટેસ્ટિંગ વખતે જ જીવતા ભૂંજાઈ ગયેલા હતભાગી અવકાશયાત્રીઓ એડ વ્હાઈટ (ડાબે), ગસ ગ્રિસમ (વચ્ચે) અને રોજર ચાફી.
જ્હોન એફ. કેનેડીની ઐતિહાસિક સ્પીચે સમાનવ ચંદ્રયાત્રાનો પ્રારંભ કરાવ્યો અને અંતે સ્પેસ રેસ કાયમ માટે પૂરી કરી દીધી.જ્હોન એફ. કેનેડીની ઐતિહાસિક સ્પીચે સમાનવ ચંદ્રયાત્રાનો પ્રારંભ કરાવ્યો અને અંતે સ્પેસ રેસ કાયમ માટે પૂરી કરી દીધી.
રશિયાના ‘સ્પુતનિક-1’ યાનની સફળતાએ અમેરિકાના પેટમાં તેલ રેડ્યું.રશિયાના ‘સ્પુતનિક-1’ યાનની સફળતાએ અમેરિકાના પેટમાં તેલ રેડ્યું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી