• Home
  • International
  • Sparsh said, Doctors asked I could not live for two days, Papa quit his job, Mother learned English for me:

મન્ડે પોઝિટિવ / ડૉક્ટરોએ કહ્યું હતું- બે દિવસ પણ જીવી નહીં શકું, પાપાએ મારી સારવાર માટે નોકરી છોડી, માએ અંગ્રેજી શીખ્યું: સ્પર્શ 

મા જિગિશા, પિતા હિરેન અને ભાઈ અનુજ સાથે સ્પર્શ
મા જિગિશા, પિતા હિરેન અને ભાઈ અનુજ સાથે સ્પર્શ

  • ‘હાઉડી મોદી’માં બુલંદ અવાજમાં રાષ્ટ્રગીત ગાનારા મૂળ સુરતના 16 વર્ષના સ્પર્શ શાહ સાથે ભાસ્કરની ખાસ વાતચીત
  • જન્મ સમયે 45 ફ્રેક્ચર હતાં, 130 વખત હાડકાં તૂટી ચૂક્યા છે

Divyabhaskar.com

Sep 30, 2019, 02:26 AM IST

વોશિંગ્ટન: અમેરિકામાં વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વ્હીલચેર પર રાષ્ટ્રગીત ગાનારા સ્પર્શનો બુલંદ અવાજ તમે જરૂર સાંભળ્યો હશે. રાષ્ટ્રગીત ગાતા સમયે તેની છાતી ગર્વથી ગદગદ હતી અને આંખોમાં જોશ હતો. સ્પર્શ જન્મથી જ ઓસ્ટો-જેનેસિસ બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. સ્પર્શના માતા-પિતા મૂળ સુરતના છે. આ બીમારીમાં હાડકાં એટલા નબ‌ળા પડી જાય છે કે મામૂલી દબાણથી પણ તૂટી જાય છે. જ્યારે સ્પર્શનો જન્મ થયો ત્યારે તેના 45 હાડકાં તૂટેલા હતા. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ પરિવારને એટલે સુધી કહી દીધું હતું કે આ બાળક બે દિવસથી વધુ જીવી નહીં શકે. હવે સ્પર્શ 16 વર્ષનો છે. તેમના શરીરમાં 130 ફ્રેક્ચર છે. શરીરમાં લોખંડના 8 રોડ અને 22 સ્ક્રૂ છે પરંતુ મનથી બળવાન છે.

ગુજરાતી સ્કૂલમાં ભણેલી મમ્મીને ત્યારે અંગ્રેજી બિલકુલ આવડતું નહોતું
ભાસ્કર સાથે વાતચીતમાં સ્પર્શે કહ્યું કે ‘જન્મ પછી શરૂઆતના છ મહિના આઈસીયુમાં વિત્યા, પછીના છ મહિના સુધી મારા નાકમાં નળી નાંખી ભોજન અપાતું હતું. પાપા (હિરેન શાહ) ત્યારે કેપીએમજીમાં નોકરી કરતા હતા. મારી દેખરેખ માટે તેમને આ નોકરી છોડવી પડી હતી. સારવાર પાછળ આશરે 3 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા. ઉધાર ચૂકવવા માટે પિતાને ચાર વર્ષ લાગી ગયા. સંઘર્ષમાં મા (જિગિશા શાહ)એ સાથ આપ્યો. ગુજરાતી સ્કૂલમાં ભણેલી મમ્મીને ત્યારે અંગ્રેજી બિલકુલ આવડતું નહોતું પરંતુ તેમણે માત્ર અંગ્રેજી જ ના શીખ્યું પણ આજે તે વિશ્વની ટોપ રેટિંગ એજન્સીઓમાંની એક મૂડીઝમાં ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે.’ સ્પર્શ જણાવે છે કે ‘હું હંમેશાં વ્હીલચેર પર રહું છું તેથી બાળપણથી જ વાચનમાં રસ છે. સંગીતમાં પણ મન પરોવ્યું છે. મેં ભારતીય શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પંડિત જસરાજ પાસેથી લીધી છે. મને અમેરિકન હીપહોપ ખાસ કરીને એનએમએસ અને ડી-1 પણ બહુ ગમે છે. મમ્મી-પાપાએ મને એટલો મોટિવેટ કર્યો છે કે હું ભરપૂર જીવન જીવું છું. સામાન્ય બાળકોની જેમ સ્કૂલે જાઉં છું, ગાઉં છું અને મોટિવેશનલ સ્પીકર છું. મારો દિવસ સવારે 6.30 કલાકે શરૂ થાય છે. વ્હીલચેર પર જ બાથરૂમ જાઉં છું.
જોર આપી પેન ચલાવવામાં હાડકાં તૂટી જવાનો ડર
આખા ઘરમાં રાફ્ટ લાગેલા છે જેથી વ્હીલચેર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે. બસથી સ્કૂલ જાઉં છું અને સામાન્ય બાળકો સાથે ભણું છું. સ્કૂલથી પરત ફરી પિયાનો ક્લાસ લઉં છું. પછી સાંજે હોમવર્ક કરું છું. તેમાં મમ્મી-પાપા મદદ કરે છે. કારણ કે પુસ્તકો, નોટબુકો ઉઠાવવા કે વધુ જોર આપી પેન ચલાવવામાં હાડકાં તૂટી જવાનો ડર રહે છે.’

200 દેશોના લોકો ઓળખે છે, 7 દેશોમાં 150થી વધુ વખત પરફોર્મન્સ આપ્યા
પિતા હિરેન શાહ જણાવે છે કે ‘સ્પર્શે સાડા ત્રણ વર્ષની વયે પિયાનો વગાડવાનું શીખી લીધું હતું. 10 વર્ષનો થતા સુધી રેપ ગાવવા લાગ્યો અને 13 વર્ષની વયે ટ્રેડ ટોકમાં એટલી જબરજસ્ત મોટિવેશનલ સ્પીચ આપી કે અત્યાર સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર આ સ્પીચ અઢી કરોડ વખત સંભળાઈ ચૂકી છે. યાહુએ સ્પર્શને વિશ્વના 10 સૌથી વિલક્ષણમાંનો એક માન્યો છે. 200 દેશોના લોકો તેને ઓળખે છે અને 7 દેશોમાં 150થી વધુ વખત પરફોર્મન્સ આપી ચૂક્યો છે. ગૂગલ ડેલોઈટ યુએન અને મેડિશન ગ્રાઉન્ડ જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓએ સ્પર્શ મોટીવેશનલ સ્પીચ આપી ચૂક્યો છે.’ સ્પર્શનું માનવું છે કે આજના સમયમાં દરેક વ્યક્તિએ ગ્લોબલ સિટીઝન તરીકે શિક્ષિત હોવું જરૂરી છે. તેના માટે બે વાતો શીખવી પડશે. એક માતૃભાષા સાથે વિશ્વભરમાં બોલાતી ભાષાઓ જેમ કે અંગ્રેજી, ફ્રેન્ચ અને મેન્ડેરિન અને બીજું ગણિતમાં પારંગત થવું.

મારા જેવા લોકોને ધ્યાનમાં રાખી વ્યવસ્થાઓ બને
સ્પર્શ કહે છે કે ‘મારા જેવા ખબર નહીં કેટલા બાળકો અને વૃદ્ધો હશે. જે શારીરિક રીતે અક્ષમતાને કારણે મનપસંદ સ્થળોએ જઈ શકતા નથી. ભારતમાં બસ, ટ્રેન, પ્લેન, સરકારી બિલ્ડિંગ એટલે સુધી કે નદી, તળાવ, પોખર અને મંદિરોમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી તમામ લોકો ત્યાં પહોંચી શકે. હું ઇચ્છું છું કે પર્યાવરણને બચાવવા માટે મોદીજી ભારતમાં જળ અને જંગલોના સંરક્ષણ માટે વિશેષ પ્રયાસ કરે.’ (શાહ પરિવારે ભાસ્કરના રિતેશ શુક્લાને જણાવ્યા પ્રમાણે).

X
મા જિગિશા, પિતા હિરેન અને ભાઈ અનુજ સાથે સ્પર્શમા જિગિશા, પિતા હિરેન અને ભાઈ અનુજ સાથે સ્પર્શ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી