વિરોધ / એક્વાડોરમાં પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યાં, રાષ્ટ્રપતિએ કર્ફ્યૂ લગાવી સરકારને રાજધાનીથી દૂર ખસેડી

  • એક અઠવાડિયાથી હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પેટ્રોલની સબસિડી સહિતના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે
  • સંસદમાં તોડફોડ માટે ઘુસેલા તત્વોથી સાવચેતી માટે રાષ્ટ્રપતિએ સરકારને રાજધાનીમાંથી ખસેડી દીધી છે
  • અઠવાડિયા પહેલા અહીં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે પરંતુ પ્રદર્શન શાંત નથી થયા
  • ટેક્સ રિફોર્મ સહિત સબસિડી હટાવવાની જાહેરાત થયા બાદ લોકોમાં ગુસ્સો છે

Divyabhaskar.com

Oct 09, 2019, 04:03 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: દક્ષિણ અમેરિકાના પશ્વિમી તટ પર સ્થિત દેશ એક્વાડોરમાં પટ્રોલના ભાવવધારા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેના વિરોધમાં છેલ્લા સાત દિવસથી અલગ અલગ મુદ્દાના આધાર પર લોકો આ પ્રદર્શન કરી રહ્યાં છે. ટેક્સમાં સુધારાથી લઇને વર્ષોથી પેટ્રોલ પર મળતી સબસિડીને રાષ્ટ્રપતિ લેનિન મોરેનોએ ખતમ કરી દેતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે પ્રદર્શનકારીઓ સંસદની બેરિકેટીંગ તોડીને અંદર ઘૂસ્યા હતા. જોકે બાદમાં ટિયર ગેસ અને પોલીસ કાર્યવાહીથી તેમને દૂર ખસેડી દેવાયા હતા. અત્યારે ત્યાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ સરકારને કામગીરી માટે રાજધાનીથી દૂર ખસેડી દીધી છે.

ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ મોરેનોએ સ્ટેટ ઇમરજન્સીની જાહેરાત કરી હતી પણ તેમ છતા અમુક જૂથ દ્વારા કરવામાં આવતા વિરોધ પ્રદર્શનને રોકી શકાયુ નથી. આ લોકોની માગ છે કે પેટ્રોલ પર સબસિડી ફરી મળે અને તેના ભાવ ઓછા થાય. સબસિડી હટાવ્યા બાદ ગુરવારથી અત્યાર સુધી અહીં ડિઝલના ભાવમાં 100 ટકા વધારો નોંધાયો છે. વિરોધ એટલો તીવ્ર છે કે રાષ્ટ્રપતિને આખી સરકાર અને સરકારી વહીવટને રાજધાની ક્વીટોથી દૂર લઇ જવાની ફરજ પડી છે. હવે સરકારી કામગીરી બીજી જગ્યાએથી ચાલુ રહેશે.

બુધવારે લાકડીઓ અને ધોકા લઇને એક ટોળુ એક્વાડોરની સંસદની બિલ્ડીગમાં સિક્યોરીટી કોર્ડન તોડીને ઘૂસ્યું હતું. અહીં તેઓ ઝંડા લહેરાવીને નારા લગાવી રહ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ આંસૂગેસ છોડીને તેમને દૂર ધકેલ્યા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે અન્ય સરકારી ઈમારતોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં આ પ્રદર્શનના લીધે બે લોકોનું મોત થયું છે જ્યારે ઘણા લોકો ઘાયલ છે. પ્રદર્શનકારીઓની માગ છે કે સ્ટેટ ઇમરજન્સીને હટાવવામાં આવે જે લેબર રિફોર્મ લાગૂ કર્યા છે તે અટકાવવામાં આવે.

સરકારે શા માટે પેટ્રોલ પરથી સબસિડી હટાવી?
એક્વાડોરની સરકાર પર વિદેશી દેવુ વધી ગયું છે. રાષ્ટ્રપતિ મોરેનોનું કહેવું છે કે ઇંધણ પર મળતી સબસિડી હટાવવી જરુરી છે કારણ કે ઇનટરનેશનલ મોનિટરી ફંડ તરફથી 4.2 બિલિયન ડોલરની લોન લીધા બાદ અમુક રિફોર્મ કરવાની પણ ફરજ પડી છે. આ તેના ભાગરૂપે લેવાયેલો એક નિર્ણય છે. સબસિડી હટાવ્યા બાદ ડિઝલની કિંમતો બમણી થઇ ગઇ છે જ્યારે પેટ્રોલમાં 30 ટકા ઉપર વધારો થયો છે.

સબસિડી સિવાય લેબર ટેક્સ રિફોર્મની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમાં પબ્લિક સેક્ટરની નોકરીમાં નવા કોન્ટ્રાક્ટમાં પગારમાં 20 ટકાની કપાત, દરેક કર્મચારીને દર મહિને એક દિવસનો પગાર સરકારને જમા કરાવવો અને સરકારી કર્મચારીઓનું વેકેશન 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યુ હોવાની જોગવાઇ છે. જોકે સરકારે ઇનકમ ટેક્સમાં પણ ઘટાડો કર્યો છે. લોકોને આ જોગવાઇઓ મંજૂર નથી તેથી તેઓ તે લાગૂ ન થાય તેવી તેમની માંગણી છે.

પગારમાં કપાતથી પણ લોકો ગુસ્સામાં છે કારણ કે અઙીં પ્રતિ વ્યક્તિ ઓછામાં ઓછી આવક માસિક 394 ડોલરની છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી