ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સામે કાશ્મીર રાગ શરૂ કર્યો છે. ગુટેરસ હાલ પાકિસ્તાન મુલાકાતે છે. સોમવારે તેમની સાથે બેઠકમાં ઈમરાને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીરના લોકો સાથે કરેલો વાયદો પૂરો કરે અને લોકોને તેમના અધિકારો અપાવવામાં મદદ કરે. ઈમરાને ભારત પર આરોપ લગાવ્યો છે કે, ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી ત્યાંના લોકોના માનવધિકારોનું હનન થઈ રહ્યું છે.
વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રને જાણ કરી છે કે કાશ્મીરના લોકો તેમના અધિકાર મેળવવા માટે યુએન તરફ જોઈ રહ્યા છે. કારણકે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઘણાં પ્રસ્તાવોમાંથી એક છે.
ઈમરાને દાવો કર્યો હતો કે, ભારત તરફથી એલઓસી પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તે સાથે જ ભારત ઉશ્કેરણી જનક નિવેદનો કરે છે. તેમણે કહ્યું કે, ભારત કાશ્મીર વિશે તેમની ગતિવિધિઓથી દુનિયાનું ધ્યાન અન્ય માર્ગે દોરવા માટે અન્ય કાર્યવાહી કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના મુદ્દે ઈમરાન ખાને કહ્યું કે, અફઘાન સંઘર્ષનું કોઈ સૈન્ય સમાધાન નથી અને પાકિસ્તાન એ વિશ્વાસ અપાવવા માંગે છે કે, તેઓ દેશને યુદ્ધથી બહાર કાઢીને શાંતિ સ્થાપવામાં સંપૂર્ણ સમર્થન આપશે.
ગુટેરસેએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજૂઆત કરી
આ પહેલાં ગુટેરસેએ રવિવારે ઈસ્લામાબાદમાં કહ્યું હતું કે, તેઓ કાશ્મીર મુદ્દે ચિંતિત છે અને ભારત પાકિસ્તાન વચ્ચે ઘણાં સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા કરી શકે છે. આ વિશે ભારતે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાનો તેમનો પ્રસ્તાવ નકાર્યો છે. વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, મુખ્ય મુદ્દો પાકિસ્તાન તરફથી ગેરકાયદે રીતે કબજો જમાવેલા પીઓકેને ખાલી કરાવવાનો હોવો જોઈએ.
મોદીએ કહ્યું હતું- અનુચ્છેદ 370થી ભાગલાવાદ અને આતંકવાદ વધ્યા
ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછીથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ નિર્ણય પછી પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબંધો ખતમ કરી દીધા છે અને ભારતીય એમ્બેસેડરને બહાર કરી દેવામાં આવ્યા છે. ભારતે તેમના આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે, વિશેષ દરજ્જાથી કાશ્મીરમાં આતંકીઓને સમર્થન મળતુ હતું. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, દેશમાં અનુચ્છેદ 370 ખતમ કરવાનો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો કારણકે તેનાથી રાજ્યમાં માત્ર ભાગલાવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.