• Gujarati News
  • International
  • Now Indians Will Be Able To Stay In The UK For Two Years After Studying, The First Term Was Four Months.

હવે ભારતીયો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધી યૂકેમાં કામધંધા માટે રહી શકશે, પહેલા મુદત ચાર મહિના હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થેરેસા મેએ 2012માં બે વર્ષની જગ્યાએ 4 મહિનાનો સમયગાળો કર્યો હતો
  • કેનેડા, યુએસ જેવા દેશ સામે સ્પર્ધામાં ટકવા બ્રિટિશ સરકારે ફરી સમયગાળો બદલી નાખ્યો

પાર્થેશ ઠક્કર, અમદાવાદ: 2012માં તત્કાલિન યુકેના હોમ સેક્રેટરી થેરેસા મેએ એક નીતિમાં બદલાવ કર્યો હતો. યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કર્યા બાદ યૂકેમાં કામધંધા માટે 2 વર્ષ સુધી રહી શકતા હતાં. થેરેસાએ તેમાં બદલાવી કરીને આ સમયગાળો ચાર મહિનાનો કરી નાખ્યો હતો. આ નિર્ણય બાદ અહીંની યુનિર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. અભ્યાસ માટે યૂકે એક પસંદગીના દેશ હોવાનું સ્થાન પણ ખતરામાં પડી ગયું હતું અને ઘણી વખત તે અમેરિકા અને કેનેડા જેવા દેશોથી પાછળ રહ્યું હતું. જોકે હવે આ નીતિમાં ફરી બદલાવ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળશે.
બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે 2020ની શરુઆતથી અહીં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ બે વર્ષની પોસ્ટ વર્ક પરમિટ પર રહી શકશે. જે લોકો સપ્ટેમ્બર 2021ના અભ્યાસ પૂર્ણ કરશે તેમને બે વર્ષની પોસ્ટ વર્ક પરમિટ મળશે. મતલબ એ કે જો કોઇ વિદ્યાર્થી જાન્યુઆરી 2020 સુધીના એક વર્ષના પ્રોગ્રામમાં હશે તો તેને વર્ક પરમિટ નહીં મળે. આથી તેમને એક વર્ષનો અભ્યાસ અને એક વર્ષની ઇન્ટર્નશીપ, એમ બે વર્ષનો પ્રોગ્રામ પસંદ કરવો પડશે.
આ નવો ઇમિગ્રેશન રૂટ અન્ડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દેશમાં રહીને કામનો અનુભવ લેવામાં મદદ કરશે. આ બાબતે વિદ્યાર્થીઓ જે સંસ્થામાં અભ્યાસ કરવા જતા હોય તે સંસ્થા ઇમિગ્રેશનના કાયદાઓ પ્રત્યે કેટલી સભાન છે અને ટ્રેક રેકોર્ડ કેવો છે તે ચકાસી લેવું જોઇએ. જે સંસ્થાઓનો રેકોર્ડ સારો નથી તે નવી પોલિસી પ્રમાણે તેમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને અયોગ્ય ઠેરવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2020માં યૂકે જશે તેઓ આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે.
આ નિર્ણય અંગે શિક્ષણ સેક્રેટરી ગેવિન વિલિયમસને કહ્યું -વિદેશથી ઘણા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માગે છે તે જ સાબિત કરે છે કે અમારી યુનિવર્સિટી વિશ્વકક્ષાની ગુણવત્તા વાળી છે. વિદેશી વિદ્યાર્થીઓ અમારા દેશમાં જે યોગદાન આપે છે તે સાંસ્કૃતિક અને આર્થિક બન્ને સ્વરૂપે છે. તેથીજ અમે અભ્યાસ બાદ યૂકેમાં રહેવાનો સમયગાળો વધારી દીધો છે.

આ નિર્ણયથી બ્રિટન અને વિદેશી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
શિક્ષણના હબ તરીકે યૂકેની સ્થિતિ તેના હરીફ દેશ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સામે નબળી પડી રહી હતી. વિદેશથી વિદ્યાર્થીઓ આવે તો નવું ટેલેન્ટ પણ દેશમાં આવે છે અને આર્થિક ફાયદો પણ થાય છે. તેનાથી તે દેશ નવીનતા અને સ્પર્ધામાં આગળ ટકી રહે છે. મોટી કંપનીઓ હંમેશા તેજસ્વી કર્મચારીઓની શોધમાં રહે છે. યૂકેની આ પોલીસી હરિફાઇમાં એક નાકાબંધી બની રહી હતી. આ હકીકતથી યૂકે પણ અજાણ નથી.
નવી પોલિસી બ્રિટિશ સરકારના ઉદ્દેશ્યો સાથે એકદમ બંધબેસે છે જે પ્રમાણે સરકાર નીચે મૂજબનું કામ પાર પાડવા માગે છે.
2020 સુધી યૂકેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 લાખ સુધી પહોંચાડવી જે અત્યારે 4,60,000 છે.
2030 સુધીમાં યુકેમાં શિક્ષણ નિકાસનું મૂલ્ય લગભગ બમણું કરવું જે 35 અબજ યુરો સુધીનું છે. તેના માટે  સરેરાશ વાર્ષિક 4% વૃદ્ધિની જરૂર પડશે.

આ નિર્ણયથી ભારતના વિદ્યાર્થીઓને નીચે પ્રમાણે ફાયદો થશે
1. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ ફુલ ટાઇમ કે પાર્ટ ટાઇમ કામ કરવા માટે બે વર્ષ સુધી રહી શકશે.
2. આ વર્ક પરમિટ દરમિયાન તેઓ પરમાનન્ટ રેસિડન્સી માટે બીજા કોઇ વિકલ્પની પસંદગી પણ કરી શકે છે.
3. યુએસ, કેનેડા, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી રિજેક્ટ થયેલા વિદ્યાર્થીઓ પણ યૂકેમાં અપ્લાય કરી શકે છે.
4. પરિણિત વ્યક્તિ તેમના પાર્ટનરને સાથે રહેવા માટે બોલાવી શકે છે.
5. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની જેમ 6 મહિના જૂનું બેલેન્સ બતાવવાની જરૂર નથી. માત્ર 28 દિવસનું બેલેન્સ પૂરતું છે.
 

લેખક જાણીતા ઇમિગ્રેશન નિષ્ણાંત છે. તેઓ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ ઓફ કેનેડા રેગ્યુલેટરી કાઉન્સિલ (ICCRC)ના સભ્ય છે.