અયોધ્યા / અમેરિકી મીડિયાએ ચુકાદાને મોદીની જીત ગણાવી, વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું- ભાજપે આ મુદ્દાનો અસરકારક ઉપયોગ કર્યો

US media calls the verdict a Modi victory, Wall Street Journal says - BJP effectively used the issue
US media calls the verdict a Modi victory, Wall Street Journal says - BJP effectively used the issue

  • અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું- અયોધ્યા કેસમાં ભારતીય કોર્ટે હિન્દુઓનો પક્ષ લીધો.
  • 134 વર્ષનો વિવાદ ફક્ત 30 મિનિટમાં ઉકેલવામાં આવ્યોઃ ગલ્ફ ન્યુઝ
  • ધ ગાર્ડિયને લખ્યું- 1992માં મસ્જિદ તોડી પાડવાની ઘટના ભારતમાં ધર્મનિરપેક્ષતાની નિષ્ફળતાની મોટી ક્ષણ હતી.

Divyabhaskar.com

Nov 10, 2019, 03:06 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળ અંગે શનિવારે ચુકાદો આપ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધિશોની ખંડપિઠે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વિવાદિત સ્થળ પર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે અને ત્રણ મહિનામાં તેની યોજના રજૂ કરે.સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વિશ્વભરના મીડિયામાં ઘણી ચર્ચા થઈ છે.અમેરિકી મીડિયાએ કોર્ટના નિર્ણયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત ગણાવી હતી. વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું કે ભાજપે અસરકારક રીતે મુદ્દાનો ઉપયોગ કર્યો.

અમેરિકી મીડિયા

વિવાદિત સ્થળ હિન્દુ રાષ્ટ્રવાદી સમૂહોને આપવામાં આવશે

અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટે લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળનું નિયંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારને આપી દીધું, જે બાદમાં હિન્દુ રાષ્ટ્રવાદી સમૂહોના ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે. અખબારે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતની રાજકીય અને સામાજીક સંરચનાને આકાર આપવાનું કામ કરશે. દેશના રાજકીય પક્ષોએ દાયકાઓ સુધી આ મુદ્દા સાથે જોડાયેલી ભાવાઓનો રાજકીય લાભ લેવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ ભાજપે આ મુદ્દાનો સૌથી અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે મોદી સરકાર મુસ્લિમ બહુમતિવાળા કાશ્મીરમાં તેની સ્વાયતતાને છીનવી લીધી છે અને ભારતમાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા કેટલાક મુસ્લિમ અપ્રવાસિયોને નાગરિકતા આપવાનો ઈન્કાર કરી દીધો છે.વિવાદિત સ્થળ પર નિયંત્રણ મેળવવું તે હિન્દુ રાષ્ટ્રીયવાદીઓનો દાયકા જૂનો એજન્ડો રહ્યો છે. મોદી પોતે યુવાવસ્થામાં રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા હતા. વર્ષ 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તે આ મુદ્દાની ઉંડાઈમાં ઉતરી ગયા હતા.

મંદિર બનાવવું ભાજપનો ઉદ્દેશઃ વોશિંગ્ટન પોસ્ટ

અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે કહ્યું છે કે દાયકાઓ જૂના વિવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મોટી જીત છે. અખબારે કર્યું છે કે ભગવાન રામ માટે વિવાદિત સ્થળ પર મંદિર બનાવવાનો ભાજપનો ઉદ્દેશ હતો. અખબારે આગળ લખ્યું છે કે ભારતની સુપ્રીમ કોર્ટે દેશના સૌથી વિવાદિત ધાર્મિક સ્થળને ટ્રસ્ટને આપી દેવા આદેશ કર્યો છે અને જે જગ્યા પર એક સમયે મસ્જિદ હતી તે જગ્યા હવે હિન્દુ મંદિરનું નિર્માણ કરવા માર્ગ મોકળો કરી આપ્યો છે.

હિન્દુઓએ બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ મંદિર નિર્માણની યોજના તૈયાર કરીઃ ન્યુયોર્ક ટાઈમ્સ

અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હિન્દુઓને તે જગ્યા પર મંદિર નિર્માણ કરવા મંજૂરી મળી ગઈ છે, જ્યાં અગાઉ મસ્જિદ હતી. હિન્દુઓએ તેની યોજના વર્ષ 1992 બાદ તૈયાર કરી લીધી હતી, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદ તથા અયોધ્યામાં મંદિરની લહેરમાં જ સત્તા પર આવ્યો હતો. આ તેમના પ્લેટફોર્મનો મુખ્ય મુદ્દો હતો.

મિડલ ઈસ્ટ

ભાજપના અભિયાનની જીતઃ અલ જજીરા

મિડલ ઈસ્ટની વેબસાઈટે લખ્યું- ભાજપાએ અયોધ્યામાં મંદિરના નિર્માણ માટે વર્ષો સુધી અભિયાન ચલાવ્યું. હવે ચુકાદા મારફતે મંદિરનો માર્ગ મોકળો થવો તે 69 વર્ષિય મોદીના બીજા કાર્યકાળની શરૂઆતી દિવસોની આ મોટી જીત છે. આશા છે કે આ ચુકાદો વર્ષોના ગુસ્સા અને મતભેદભરી કાયદાકીય લડાઈનો અંત લાવશે, અગાઉ આ પ્રશ્ન બ્રિટીશ સામંતવાદી શાસકો અને ત્યારબાદ દલાઈ લામાએ પણ ઉકેલવા પ્રયત્ન કર્યા હતા.

મુસ્લિમોને વૈકલ્પિક જમીન મળશેઃ ગલ્ફ ન્યુઝ

બીજીબાજુ સંયુક્ત અરબ અમીરાતની વેબસાઈટ ગલ્ફ ન્યુઝે લખ્યુ છે, 134 વર્ષ જૂનો વિવાદ 30 મિનિટમાં ઉકેલી લેવામાં આવ્યો. હિન્દુઓને અયોધ્યાની જમીન મળશે. મુસ્લિમોને મસ્જિદ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવશે.

પાકિસ્તાન

કોર્ટના ચુકાદાથી હિન્દુ-મુસ્લિમોના તંગ સંબંધો પર અસર થશેઃ ધ ડોન

પાકિસ્તાનના અખબાર ધ ડોને લખ્યું છે કે ભારતની સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ કે જ્યાં હિન્દુઓએ વર્ષ 1992માં મસ્જિદને તોડી પાડી હતી તેને હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે અયોધ્યાની જમીન પર મંદિર બનાવવામાં આવશે. જોકે, કોર્ટે સ્વીકાર કરી લીધો છે કે 460 વર્ષ જૂની બાબરી મસ્જિદને તોડી પાડી કાયદાકીય ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોર્ટના આ ચુકાદાથી ભારતના હિન્દુ-મુસ્લિમો વચ્ચેના સંબંધો પર પ્રતિકૂળ અસર થશે.

ભારત સરકાર મુસ્લિમોની સુરક્ષા સુનિશ્ચિત કરેઃ ધ ટ્રીબ્યુન

પાકિસ્તાનના ધ ટ્રીબ્યુને તેના સમાચારોમાં સરકાર અને વિદેશ મંત્રાલયના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે. તેમા વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીને ટાંકી કહેવામાં આવ્યું છે કે ભારતના મુસ્લિમ પહેલાથી જ દબાણમાં છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તેમના પર દબાણ વધશે. વેબસાઈટે વિદેશ મંત્રાલય તરફથી લખ્યું છે કે ભારત સરકારે મુસ્લિમોની જાનમાલના રક્ષણને સુનિશ્ચિત કરવું જોઈએ.

બ્રિટન

અયોધ્યામાં રામ મંદિર બનાવવું તે ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડાનો એક ભાગ હતોઃ ધ ગાર્ડિયન

બ્રિટીશ અખબાર ગાર્ડિયને પણ તેને પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીની મોટી જીત ગણાવી હતી. અખબારે લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવું એ તેમના રાષ્ટ્રવાદી એજન્ડાનો એક ભાગ રહ્યો છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે દેશના 20 કરોડ મુસ્લિમ સરકારથી ડરનો અહેસાસ કરી રહ્યા છે. અખબારે કહ્યું છે કે વર્ષ 1992માં મસ્જિદ તોડી પાડવામાં આવી તે ભારતની ધર્મનિરપેક્ષતાની નિષ્ફળતાની મોટી ક્ષણ હતી.

X
US media calls the verdict a Modi victory, Wall Street Journal says - BJP effectively used the issue
US media calls the verdict a Modi victory, Wall Street Journal says - BJP effectively used the issue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી