સામન્ય ચૂંટણીમાં નેતન્યાહૂનો રસ્તો આસાન નથી, જાહેરાતમાં મોદી અને ટ્રમ્પના ફોટાં લગાવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇઝરાયેલી પત્રકારે મોદી અને નેતન્યાહૂના પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કર્યા
  • ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરના ચૂંટણી, નેતન્યાહૂએ પ્રચાર વધાર્યો
  • નેતન્યાહૂ આ વર્ષે એપ્રિલમાં થયેલી ચૂંટણી બાદ ગઠબંધન સરકાર બનાવવામાં અસફળ રહ્યા હતા

નવી દિલ્હી: ઇઝરાયલમાં સપ્ટેમ્બરમાં થનારી સામાન્ય ચૂંટણીમાં પ્રધનામંત્રી બેન્જામિન નેતન્યાહૂ સહિત અન્ય પાર્ટીઓએ પ્રચાર અભિયાન જોરશોરથી શરુ કરી દીધું છે. નેતન્યાહૂની ચૂંટણીની જાહેરાતોમાં પ્રધાનમંત્રી મોદીની તસવીરો જોવા મળી રહી છે. ઇઝરાયલના પત્રકાર અમિચાઇ સ્તીને રવિવારે ટ્વિટર પર આ તસવીર શેર કરી હતી. નેતન્યાહૂના એક અન્ય પોસ્ટરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન પણ જોવા મળ્યા હતા.

ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરમાં ચૂંટણી થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નેતાઓ સાથેના પોસ્ટર લગાવીને લોકોને એવું જણાવવા ઇચ્છે છે કે તેમની સરકારે ઇઝારયલના અન્ય દેશો સાથેના સંબંધોને કેટલી મજબૂતી પ્રદાન કરી છે. નેતન્યાહૂના નામે  ઇઝરાયલના ઈતિહાસમાં સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી પદે રહેવાનો રેકોર્ડ છે. જોકે આ વખતે  ચૂંટણીમાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


નેતન્યાહૂએ સૌથી પહેલા મોદીને જીતની શુભકામનાઓ આપી હતી

નેતન્યાહૂ પહેલા નેતા હતા જેમણે 2019ની ચૂંટણી બાદ મોદીને જીતની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારત સાથે વધુ સારા સંબંધોને લઇને આગળ પણ સાથે મળીને કામ કરવાનો વાયદો કર્યો હતો. ભારત અને ઇઝરાયલ વચ્ચે હાલના વર્ષોમાં આર્થિક, સૈન્ય અને રાજકીય સંબંધોમાં મજબૂતી આવી છે.

નેતન્યાહૂ બહુમત સાબિત કરવામાં અસફળ રહ્યા, મોદીના જન્મદિને ઇઝરાયલમાં ચૂંટણી

આ વર્ષે એપ્રિલમાં ઇઝરાયલમાં ચૂંટણી થઇ હતી. જોકે તેમાં કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહોતો મળ્યો. બેન્જામિન નેતન્યાહૂએ ગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો પરંતુ  તેમાં તે નાકામ રહ્યા હતા. ત્યારબાદ ઇઝરાયલી સાંસદોએ સંસદને ભંગ કરવાના પક્ષમાં વોટીંગ કર્યું હતું. સંસદ ભંગ કરવાના પ્રસ્તાવના પક્ષમાં 74 જ્યારે તેની વિરુદ્ધમાં 45 વોટ પડ્યા હતા. ત્યારબાદ 17 સપ્ટેમ્બરના ફરી ચૂંટણી કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ દિવસેજ મોદીનો જન્મદિવસ છે અને અત્યારે મોદીના પોસ્ટર ઇઝરાયલમાં લાગ્યા છે.