ઈમરાન ખાને કહ્યું- અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઘટાડવા મધ્યસ્થી કરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ખાતે સંબોધન કર્યું હતું - Divya Bhaskar
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ખાતે સંબોધન કર્યું હતું
  • પાકિસ્તાન પડોશી દેશ સાથે આર્થિક વિકાસ માટે શાંતિ સ્થાપવાની તરફેણ કરે છે
  • ઈમરાને કહ્યું- ભારત સાથે તેમના સંબંધ સામાન્ય થઈ જાય તો વિશ્વને પાકિસ્તાનની વાસ્તવિક વ્યુહાત્મક આર્થિક સંભાવનાનો અહેસાસ થશે
  • પાકિસ્તાનનો આરોપ- ભારત CAA, કલમ-370 નાબૂદી મુદ્દે ઘરઆંગણે થતા ભારે વિરોધથી ધ્યાન અન્યત્ર ખસેડવા સરહદ પર તંગદિલી વધારે છે

દાવોસઃ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ભારત સાથેના તંગ સંબંધો સામાન્ય કરવા સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અમેરિકાને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રથી સંપન્ન બન્ને દેશ વચ્ચે કાશ્મીર મુદ્દે જે વિવાદ છે તેનો ઉકેલ મેળવવા આંતરરાષ્ટ્રીય સમુદાયે દરમિયાનગીરી કરવી જોઈએ. દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની બેઠક નિમિત્તે ખાને આ નિવેદન આપ્યું હતું.


ઈમરાન ખાને નિયંત્રણ રેખા (LoC) સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચે UN લશ્કરી નિરક્ષકના એક જૂથને મોકલવા પણ માંગ કરી છે. નાગરિક સુધારા કાયદા (CAA)ના વિરોધમાં તેમ જ જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો રદ્દ કરવામાં આવ્યો છે તેને લીધે દેશભરમાં જે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે તેનાથી અન્યત્ર ધ્યાન હટાવવા ભારત પાકિસ્તાન સાથે સરહદ પર તંગદિલી વધારવા પ્રયત્ન કરી રહ્યું હોવાનો પણ ઈમરાન ખાતે આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીર મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી તરીકે મદદની ઓફરનો પુનરોચ્ચાર કર્યા બાદ ઈમરાનખાને આ નિવેદન આપ્યું છે. પાકિસ્તાનની આર્થિક બાબતો અંગે ખાને જણાવ્યું હતું કે ભારત સાથે સંબંધ સામાન્ય થવાના સંજોગોમાં વિશ્વ સમુદાયને પાકિસ્તાનની વાસ્તવિક વ્યુહાત્મક આર્થિક સંભાવનાનો અહેસાસ થશે. કારણ કે શાંતિ અને સ્થિરતા વગર આર્થિક વૃદ્ધિ હાંસલ કરવી શક્ય નથી.

ભારત સરકારની નીતિ અંગે ટીકા કરી
ઈમરાન ખાતે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે ભારત સરકારની મુસ્લિમ વિરોધી વિચારધારાને દર્શાવે છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવા તથા નાગરિક સુધારા કાયદો,2019 (CAA) સહિતના નિર્ણયો એ બાબત દર્શાવે છે કે ભારતમાં લઘુમતીઓ માટે હવે કોઈ જગ્યા નથી અને ભારત હિન્દુત્વ વિચારધારા તરફ જઈ રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે RSSની વિચારધારા એ ભાજપની મુખ્ય વિચાર ધારા છે,આ વિચારધારા નાઝીવાદથી પ્રેરણા પામેલી છે. ભારત સરકાર કાશ્મીરની વસ્તીને લગતા ફેરફાર કરવા માંગે છે, જે જીનિવા સંમેલનની જોગવાઈની તદ્દન વિપરીત છે.

વાતચીતથી ઉકેલ શક્ય છે
ઈમરાન ખાતે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે ભારત સાથે વિવિધ પ્રશ્ન અંગે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાની તરફેણમાં છે. અમે ભારત સાથે સરહદને લગતા પ્રશ્નો ધરાવી છીએ, જે દ્વિપક્ષીય વાટાઘાટ મારફતે ઉકેલવા અમે ઈચ્છીએ છીએ.
 

અન્ય સમાચારો પણ છે...