મુંબઈઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મંગળવારે ચીનના અનુરોધ પર કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી શકે છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ ચીનની પહેલ પર જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બંધ રૂમમાં કાશ્મીર પર ચર્ચા કરી હતી. 5 ઓગસ્ટે મોદી સરકારના જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ના પ્રાવધાનોને હટાવવાના નિર્ણય બાદ જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યું છે, જેમાં તેને માત્ર ચીનનો જ સાથ મળી રહ્યો છે.
12 ડિસેમ્બરે સુરક્ષા પરિષદને લખેલા એક પત્રમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ક્ષેત્રમાં તણાવ વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રોયટર્સ એજન્સીના રિપોર્ટ મુજબ, ચીનના યુએન મિશને સુરક્ષા પરિષદના સભ્યોને લખેલા એક પત્રમાં કહ્યું છે કે સ્થિતિની ગંભીરતાને જોતા અને તણાવ વધવાની શકયતાની વચ્ચે ચીન પાકિસ્તાનના અનુરોધનું સમર્થન કરે છે અને સુરક્ષા પરિષદ સમક્ષ જમ્મુ-કાશ્મીરની સ્થિત પર ચર્ચા કરાવવાની માંગ કરે છે.
નામ ન જણાવવાની શરત પર કેટલાક નિષ્ણાતોએ રોયટર્સ એજન્સીને એ વાતની પુષ્ટિ કરી છે કે મંગળવારે યુએનની બેઠક થઈ શકે છે. ભારત ઘણીવાર સ્પષ્ટ કરી ચુક્યું છે કે કાશ્મીર તેનો આંતરિક મામલો છે. અગાઉ યુએનના બંધ રૂમમાં થયેલી બેઠક બાદ ચીન અને પાકિસ્તાન મળીને કાશ્મીર મુદ્દા પર સંસ્થા તરફથી કોઈ સાર્વજનિક નિવેદન બહાર પાડી શકયા ન હતા. આ પહેલા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર મુદ્દા પર સુરક્ષા પરિષદમાં ખુલ્લી ચર્ચા કરવાની ત્રણ વાર કોશિશ કરી પરંતુ તેને સફળતા ન મળી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુરતા સભ્યોનું સમર્થન મેળવી શક્યું ન હતું. ઉલ્લેખનીય છે કે સંયુક્ત સુરક્ષા પરિષદમાં ઔપચારિક બેઠકનો પ્રસ્તાવ લાવવા માટે 15 સભ્ય દેશોમાંથી ઓછામાં ઓછા 9 સભ્ય દેશોનું સમર્થન જરૂરી છે.
પાકિસ્તાને 13 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કાશ્મીર મુદ્દા પર આપાતકાલીન બેઠક બોલાવવાની અપીલ કરી હતી. પાક વિદેશ મંત્રી શાહ મહમૂદ કેુરેશીએ યુએનએસસી અધ્યક્ષ જોઆના રોકોનાકાને પત્ર લખીને ભારત-પાકિસ્તાનના એજન્ડ અંતર્ગત કાશ્મીર મુદ્દાને સામેલ કરીને ઐપચારિક ચર્ચા કરાવવા માટે કહ્યું હતું. જોકે તમામ કોશિશ નિષ્ફળ રહી.
બંધ બારણાની બેઠકનો બસ એક જ હેતું હોય છે કે સભ્ય દેશ મુદ્દા પર અનૌપચારિક રીતે પોતાનો મત રજૂ કરી શકે. આ બેઠકની કોઈ માહિતી સાર્વજનિક કરવામાં આવતી નથી. આ સિવાય તેનો કોઈ રેકોર્ડ પણ હોતો નથી. તેમાં માત્ર સુરક્ષા પરિષદના 15 સભ્યો જ ભાગ લે છે. આ બેઠકમાં એ દેશોને પણ ભાગ લેવા દેવામાં આવતો નથી, જેના સંલગ્ન મુદ્દા પર ચર્ચા થવાની હોય છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.