સુરત-એ-હાલ / કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને કહ્યું- પરસ્પરના મતભેદો પર વિવાદ નહીં, શાંતિથી સમાધાન કરો

કડક સુરક્ષા વચ્ચે ખીણના દરેક જિલ્લામાં શાંતિપૂર્વક ઈદની ઉજવણી
કડક સુરક્ષા વચ્ચે ખીણના દરેક જિલ્લામાં શાંતિપૂર્વક ઈદની ઉજવણી

  • વિદેશમંત્રી જયશંકરની ચીનના વિદેશમંત્રી અને ઉપ-રાષ્ટ્રપતિ સાથે વાતચીત, બંને દેશ વચ્ચે 4 કરાર, જિનપિંગ ભારત આવશે
  • પાક. વિદેશ મંત્રી કુરેશી બે દિવસ પહેલા ચીનને મનાવવા ગયા હતા 

Divyabhaskar.com

Aug 13, 2019, 04:03 AM IST

બેઈજિંગઃ જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીન તરફથી નિરાશા હાથ લાગી છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, કોઈ પણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ના બનવું જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર અમારા સૌની નજર છે. અમે ભારત તરફથી પણ સકારાત્મક પ્રયાસની આશા રાખીએ છીએ.

પાક, વિદેશ મંત્રી ચીન ગયા હતા
ચીનનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે બે દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી કાશ્મીર મુદ્દે મદદ માંગવા ચીન ગયા હતા. આ પહેલા સોમવારે જયશંકરે વિદેશ મંત્રી વાંગ યી અને ઉપ રાષ્ટ્રપતિ વાંગ કિશાનની મુલાકાત લીધી. આ દરમિયાન વાંગે કહ્યું કે, ભારત અને ચીનનું ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં મહત્ત્વનું યોગદાન હોવું જોઈએ. હાલ એ જરૂરી છે કે, અહીંની શાંતિ જળવાઈ રહે.

સંબંધ મજબૂત કરવા 100 એક્ટિવિટી
ભારત-ચીનના વિદેશ મંત્રીઓએ આરોગ્ય ક્ષેત્રે પરંપરાગત મેડિસિનનો પ્રચાર, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ માટે પ્લેયર એક્સચેન્જ કાર્યક્રમ સહિત ચાર કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને દેશ પરસ્પરના સંબંધ મજબૂત કરવા 100 એક્ટિવિટીઝ પણ કરશે. ચીનના પ્રમુખ શી જિનપિંગ વર્ષના અંતે ભારતના પ્રવાસે આવશે.

ભારતને નિકાસની છૂટ આપીશું
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, જયશંકરની ચીન મુલાકાત ખૂબ આનંદની વાત છે. અમે વેપારી અસંતુલનને લઈને ભારતની ચિંતાઓને સમજીએ છીએ. અમે ભારતને નિકાસની સુવિધા આપવા તૈયાર છીએ. અમે રોકાણ, પ્રવાસન, વેપારમાં સાથ આપવા તત્પર છીએ. કેટલાક મતભેદો છે, પરંતુ અમે તેને સ્વીકારતા ખચકાતા નથી.

અનેક મુદ્દે મતભેદ, પણ તેને વિવાદ નહીં બનાવીએ
જયશંકરે કહ્યું કે, ભારત-ચીન વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે, પરંતુ અમે તેને વિવાદ નહીં બનવા દઈએ. ભારત-ચીન આવનારા સમયમાં 100 એવા પ્રયાસને પ્રોત્સાહન આપશે, જેનાથી બંને દેશના લોકો પરસ્પર જોડાઈ શકે. વુહાન બેઠક પછી બંને દેશ વચ્ચે કોઈ મોટો વિવાદ નથી. આર્થિક ભાગીદારી પણ વધી રહી છે. ચીને માન સરોવર યાત્રાને લઈને કેટલાક સૂચન કર્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી અને બિલાવલ ભુટ્ટોએ પીઓકેમાં નમાજ પઢી
પાકિસ્તાન સરકારે સોમવારે લોકોને અપીલ કરી કે, બકરી ઈદ સામાન્ય રીતે મનાવો, જેથી કાશ્મીરીઓ સાથે એકજૂટતા વ્યક્ત થઈ શકે. પાક.ના અનેક પક્ષોના નેતાઓએ પીઓકે જઈને નમાજ પઢી હતી, જેમાં પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ સામેલ હતા.

બકરી ઈદ: બારામુલાની જામા મસ્જિદમાં સૌથી વધુ દસ હજારે નમાજ પઢી
અસામાન્ય સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સોમવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર, શોપિયાં, અનંતનાગ, બારામુલા, બડગામ અને બાંદીપોરમાં લોકોએ શાંતિથી નમાજ પઢી હતી. આ જિલ્લામાં બકરી ઈદ નિમિત્તે કોઈ અણછાજતી ઘટના સામે આવી ન હતી. બારામુલાની જામા મસ્જિદમાં નમાજ માટે સૌથી વધુ દસ હજાર લોકો ભેગા થયા હતા. જમ્મુના ઈદગાહમાં આશરે 4500 લોકોએ નમાજ પઢી હતી.

એકાંતવાસ: ફારુખ, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ એકલા ઈદ મનાવી
એનસી નેતા ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ એકાંતવાસમાં ઈદ મનાવી હતી. દર વખતની જેમ ઈદ પર તેમને મળવા આવતા લોકોની ભીડ ન હતી. બંને એનસી નેતા હરિ નિવાસ પેલેસમાં છે, જ્યારે મહેબૂબાને અન્યત્રે નજરબંધ કરાયા છે. સેન્ટૂર હોટલેમાં નજરબંધ રાજ્યના અન્ય નેતાઓએ એકસાથે નમાજ પઢી હતી. આ દરમિયાન ક્યાંય કોઈ અજુગતી ઘટનાના અહેવાલ ન હતા.

X
કડક સુરક્ષા વચ્ચે ખીણના દરેક જિલ્લામાં શાંતિપૂર્વક ઈદની ઉજવણીકડક સુરક્ષા વચ્ચે ખીણના દરેક જિલ્લામાં શાંતિપૂર્વક ઈદની ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી