પાકિસ્તાનમાં ખાવાના સાંસા / લોટ 70 અને ખાંડ 80 રૂપિયે કિલો, નાનવાળાઓએ રોટીના ભાવ 10થી વધારી 15 રૂ. કરવા માગ કરી

After the shortage of tomatoes in Pakistan, now the bread has also sprung up

  • 5 મહિનામાં લોટના ભાવ 43 રૂપિયે કિલોથી વધીને બમણા થયા, સરકાર સામે રોષ વધ્યો
  • સરકારનું ફરમાન- નિર્ધારિત ભાવે જ બ્રેડ વેચો, ઘણી દુકાનો બંધ

Divyabhaskar.com

Jan 22, 2020, 07:43 AM IST
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં લોકો પર મોંઘવારીનો માર વધુ તેજ થઇ ગયો છે. ટામેટાની અછત બાદ હવે લોટ અને ખાંડનું સંકટ ઘેરાયું છે. છેલ્લા 5 મહિનામાં લોટના ભાવ 43 રૂપિયે કિલોથી વધીને 70 રૂ. સુધી પહોંચી ગયા છે. હોલસેલ માર્કેટ્સ અને દુકાનોમાંથી લોટ ગાયબ થવાના કારણે રોટી, નાન અને પાંઉના ભાવમાં પણ જંગી વધારો થયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોએ ઘઉંના એક-એક દાણા માટે વલખાં મારવા પડે છે. લોટની મિલોની બહાર પણ લોકોની કતારો જોવા મળી રહી છે.
બીજી તરફ બેકરી આઇટમ્સ, નાન અને રોટી બનાવનારાઓએ સરકારને 150 ગ્રામ રોટીના ભાવ 10 રૂ.થી વધારીને 15 રૂ. કરવા મંજૂરી માગી છે પણ સરકારે તે બધું નિર્ધારિત ભાવે જ વેચવા ફરમાન જારી કરી દીધું છે. ખૈબર પખ્તૂનખ્વાના નાન બનાવનારાઓએ તો હડતાળ પર જવાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે લોટ ખરીદયા બાદ તેઓ પહેલાના ભાવે નાન-રોટી ન વેચી શકે. ઘણા દુકાનદારોએ તો પોતાની દુકાન પણ બંધ કરી દીધી છે. પેશાવરમાં 2013માં 170 ગ્રામ લોટની નાનનો ભાવ 10 રૂ. નક્કી કરાયો હતો, જે અત્યાર સુધી વધ્યો નથી. ફ્લોરમિલ એસોસિયેશને કહ્યું છે કે સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદયા નથી. એવામાં જૂના ભાવે લોટ વેચવો શક્ય નથી. મોંઘા ઘઉં ખરીદવા ઉપરાંત તેની સફાઇ અને દળામણથી પણ પડતર વધી છે.વધતા ખાદ્ય સંકટને ધ્યાનમાં રાખીને સરકારે 3 લાખ ટન ઘઉંની આયાતને મંજૂરી આપી છે પણ પહેલો જથ્થો 15 ફેબ્રુ. સુધીમાં પહોંચી શકશે. ઇમરાન વિપક્ષો અને અર્થશાસ્ત્રીઓના નિશાના પર આવી ગયા છે, જેમણે ઘઉંની આયાત કરવાના સરકારના નિર્ણય અંગે તપાસની માગ કરી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન ખેતીપ્રધાન દેશ છે અને ગયા વર્ષના અંત સુધી ઘઉંની નિકાસ કરતું હતું તો અચાનક ઘઉંની અછત કેવી રીતે સર્જાઇ?
મુશર્રફ વખતે ખાંડનો ભાવ 105 રૂપિયે કિલો સુધી ગયો હતો
ઇમરાન સરકારના 15 મહિનામાં ખાંડનો ભાવ 64 રૂ.થી વધીને 80 રૂપિયે કિલો થઇ ચૂક્યો છે. સરકાર પગલાં નહીં ભરે તો આવતા અઠવાડિયા સુધીમાં 100 રૂપિયે કિલો સુધી પહોંચવાની આશંકા છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફના કાર્યકાળમાં ખાંડ 105 રૂપિયે કિલો વેચાઇ હતી. પાકિસ્તાન વાર્ષિક 6 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરે છે.
X
After the shortage of tomatoes in Pakistan, now the bread has also sprung up
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી