વૉશિંગ્ટન / ભારતમાં છ લાખ ડૉક્ટર અને 20 લાખ નર્સની અછત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ભારતમાં પ્રતિ 10,189 લોકો માટે ફક્ત એક સરકારી ડોક્ટર, વિકસિત દેશોમાં 1000 દર્દીએ એક ડૉક્ટર

Divyabhaskar.com

Apr 15, 2019, 01:46 AM IST

વૉશિંગ્ટન: ભારતમાં આશરે છ લાખ ડૉક્ટર અને 20 લાખ નર્સની અછત છે. એન્ટિ-બાયોટિક્સમાં પૂરતી તાલીમ લીધેલા સ્ટાફના અભાવના કારણે ભારતમાં લાખો દર્દીઓ જીવન બચાવી શકે એવી દવાઓથી વંચિત રહી જાય છે. એન્ટિ-બાયોટિક્સ દવાઓ ઉપલબ્ધ હોવા છતાં અનેકવાર દર્દીઓ તે ખરીદવાની ક્ષમતા ધરાવતા નથી હોતા. મોંઘી દવાઓના કારણે દર્દીઓ અનેકવાર તે લેવાનું પણ ટાળે છે, જ્યારે આરોગ્ય સેવા સરકારનું બજેટ પણ મર્યાદિત હોય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટા પ્રમાણે, ભારતમાં પ્રતિ 10,189 લોકો માટે એક સરકારી ડોક્ટર છે. સામાન્ય રીતે, વિકસિત દેશોમાં દર હજારે એક ડોક્ટર હોય છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસી (સીડીડીઈપી) દ્વારા કરાયેલા એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. ભારતમાં 65% આરોગ્ય ખર્ચ ખિસ્સાને પોસાય એવો નથી હોતો, જ્યારે આવા ખર્ચના કારણે પ્રતિ વર્ષ 5.70 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જાય છે.

એન્ટિ-બાયોટિક્સથી બચી શકે એવા 5.7 લાખથી પણ વધુ મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. આ દેશોમાં બેક્ટેરિયાથી થતાં ચેપી રોગોના કારણે વર્ષે સાત લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામે છે, જે એન્ટિ-બાયોટિક્સ દવાઓથી બચાવી શકાય એમ છે. સીડીડીઈપીના ડિરેક્ટર રામનન લક્ષ્મીનારાયણના મતે, એન્ટિ-બાયોટિક્સના કારણે જેટલા લોકો બચે છે, તેનાથી અનેકગણા વધારે તે નહીં મળવાના કારણે વર્ષે મૃત્યુ પામે છે.

આ અહેવાલ સાબિત કરે છે કે, નવી એન્ટિ-બાયોટિક્સ શોધાયા પછીયે મેડિકલ ક્ષેત્રની નિયમનકારી સંસ્થાઓ દ્વારા ઉદભવતા વિઘ્નો તેમજ નહીંવત ગુણવત્તા ધરાવતી આરોગ્ય સેવા આપવામાં સમય લાગતો હોવાથી આ પ્રકારની દવાઓ બજારમાં સહેલાઈથી પ્રવેશી શકતી નથી. અમે 1999થી 2014 વચ્ચે મેડિકલ બજારમાં પ્રવેશેલી 21 નવી એન્ટિ-બાયોટિક્સનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી માંડ પાંચ દવા આફ્રિકાના-સહારાના દેશોમાં પ્રવેશી શકી હતી.

અસરકારક એન્ટિ-બાયોટિક્સ શોધાઈ ગઈ તેનો અર્થ એ નથી કે, જે દેશને તેની જરૂર છે, તે ત્યાં લોકો માટે સહેલાઈથી ઉપલબ્ધ છે. એન્ટિ-બાયોટિક્સ, રસી, ડાયાગ્નોસ્ટિક ટેસ્ટ ક્ષેત્રે નવા સંશોધનો 1960થી ઘણાં મંદ પડી ગયા છે કારણ કે, આ ક્ષેત્રમાં કરાતું રોકાણ નફાકારક સાબિત નથી થતું. આ ઉપરાંત ઓછા વેચાણ, સારવારનો ઓછો ગાળો અને પહેલેથી બજારમાં હાજર કંપનીઓની જિનેરિક દવાઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ જેવા તત્ત્વોના કારણે પણ આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થતું અટકે છે.

આ સર્વેક્ષણ માટે અમેરિકન સંશોધકોએ ભારત, યુગાન્ડા અને જર્મની જેવા દેશોના નિષ્ણાતોની મદદ લીધી હતી. ત્યાર પછી આ ડેટાના આધારે ઓછી, મધ્યમ અને ઊંચી આવક ધરાવતા દેશોમાં એન્ટિ-બાયોટિક્સના અભાવના કારણે થતાં વાર્ષિક મૃત્યુદરનો તુલનાત્મક અભ્યાસ કરાયો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી