તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયાના એક ફ્લેટમાંથી ખરાબ હાલતમાં મળ્યાં ચાર બાળકો, બાળકોને સારી રીતે ન ઉછેરવા બદલ માતાને થઈ શકે છે 3 વર્ષ જેલની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રશિયન ઓથોરિટીએ બચાવેલા ચાર બાળકો - Divya Bhaskar
રશિયન ઓથોરિટીએ બચાવેલા ચાર બાળકો

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના મોસ્કોમાં પોલીસે ગંદકીથી ભરેલા એક ફ્લેટમાંથી 4 બાળકોને બહાર કાઢ્યા હતા. જેમાં ત્રણ છોકરા અને એક છોકરી મળી આવ્યાં હતા. આ બાળકોના જન્મનું રજિસ્ટ્રેશન નથી થયું અને તેઓ આજ સુધી ક્યારેય સ્કૂલમાં ગયા નથી. જાહેરમાં મૂકવામાં આવેલી કચરાપેટીમાં પડેલું ખાવાનું ખાઈને તેઓ જીવતા હતા. તેમને વાત કરતા પણ આવડતું નથી. બધા બાળકો એકબીજા સાથે ઇશારામાં વાતચીત કરે છે. પાડોશીઓએ આ વિશે ઓથોરિટીને જાણ કરી હતી અને ત્યારબાદ ઓથોરિટીએ તેમને બહાર કાઢ્યા હતા. તેમને બહાર કાઢનાર અધિકારીઓ કહેતા હતા કે ફ્લેટમાંથી એટલી વાસ આવતી હતી કે ત્યાં ઊભુ રહેવું પણ મુશ્કેલ હતું.

વર્ષોથી બહાર નીકળ્યા જ નથી
આ ચારેય બાળકો નોર્થ મોસ્કોના માઇટિશ્ચીમાં આવેલા એક ફ્લેટમાંથી કાઢવામાં આવ્યા છે. ચારેય બાળકો તેમની માતા અને દાદી સાથે રહેતા હતા. જેમાં સૌથી મોટી છોકરીની ઉંમર 8 વર્ષ છે અને સૌથી નાના બાળકની ઉંમર 2 વર્ષ છે. ઓથોરિટીને તેમના જન્મ વિશે પણ કોઈ જાણકારી મળી નથી કારણ કે જન્મ પછી તેમનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નહોતું. માત્ર આઠ વર્ષની બાળકી સોફિયાનું જ રજિસ્ટ્રેશન થયું હતું. જન્મયા પછી તેઓ ક્યારેય ઘરની બહાર ગયા જ નથી. તેઓ કિંડરગાર્ટન કે સ્કૂલમાં પણ આજ સુધી ગયા નથી. ગંદકીથી ભરેલા ફ્લેટમાં ઘણી જ ખરાબ પરિસ્થિતિમાં તેઓ રહેતા હતા. બાળકોને કાઢવા માટે જે અધિકારીઓ ગયા હતા તેમણે જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટમાંથી ભયાનક વાસ આવતી હતી. ઘરમાં બાળકો જે પૉટીનો ઉપયોગ કરતા હતા તે પણ મહિનાઓથી સાફ કર્યું નહોતું. 

નથી થયો બાળકોનો વિકાસ
અધિકારીએ જણાવ્યા મુજબ, ઘરમાંથી બ્રેડ અને સડેલાં સફરજન મળ્યાં હતાં. બાળકોના મત મુજબ બ્રેડ જ સૌથી સ્વાદિષ્ટ વાનગી છે કારણ કે તેના સિવાય તેમણે કશું જ ખાધું નથી. આઠ વર્ષની બાળકીને રંગો અને અક્ષરો વિશે કંઇ જ ખબર નથી. ભલે તેની ઉંમર આઠ વર્ષ થઈ ગઈ છે, પણ તેનો વિકાસ ચાર વર્ષના બાળક જેવો છે. બાળકોને વાતચીત કરતા પણ આવડતું નથી અને સ્વચ્છતા વિશે પણ કંઈ ખબર નથી. તે પાણી જોઇને પણ ડરે છે.

મમ્મીએ જણાવ્યું કારણ
આ ફ્લેટની પાડોશમાં રહેતા એક ફેમિલીએ ઓથોરિટીને આ વિશે જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘરમાં રહેતી એક વૃદ્ધ મહિલા દરરોજ પરિવાર માટે કચરાપેટીમાંથી જમવાનું વીણીને લઈ જાય છે. ત્યારપછી ઓથોરિટીએ પહોંચીને બાળકોને બચાવ્યા હતા. આ વિશે તેમની માતાને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે બાળકોનું રજિસ્ટ્રેશન કરાવવાનો, તેમને ડોક્ટર પાસે લઈ જવાનો કે તેમને સ્કૂલ લેવા-મૂકવા જવાનો ટાઇમ તેની પાસે નથી. ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ બાળકોની માતાને બાળકોનો ઉછેર સારી રીતે ન કરવા બદલ 3 વર્ષ જેલની સજા થઈ શકે છે.  

અન્ય સમાચારો પણ છે...