કુલભૂષણ જાધવને કન્સ્યુલર એક્સેસ સુવિધાની માગણીનો પાકે સ્પષ્ટ ઇન્કાર કર્યો, કહ્યું - અયોગ્ય ડિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ મામલો હજુ આતંરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે કન્સ્યુલર એક્સેસની માંગ અયોગ્ય 
ઇસ્લામાબાદઃ પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે, કુલભૂષણ જાધવને કન્સ્યુલર એક્સેસની સુવિધા આપવાની ભારતની માગણી હાલ અયોગ્ય છે. કારણ કે, આ મામલો આતંરરાષ્ટ્રીય કોર્ટમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે અહીં મીડિયાને કહ્યું કે, ભારતે જાધવના પાસપોર્ટ અંગે પાકિસ્તાનના સવાલોનો અત્યાર સુધી કોઇ જવાબ નથી આપ્યો. જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ, 2017માં જાસૂસ અને આતંકવાદના આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. પાકિસ્તાનનો દાવો છે કે, તેમના સુરક્ષાબળોએ જાધવની 3 માર્ચ, 2016ના રોજ બલૂચિસ્તાન પ્રાંતથી ધરપકડ કરી હતી, જ્યાં તેઓએ ઇરાનથી કથિત રીતે ઘૂસણખોરી કરી હતી. 

બીજી તરફ, ભારતનું કહેવું છે કે, જાધવનું ઇરાનથી અપહરણ કરવામાં આવ્યું જ્યાં તેઓ નૌકાદળથી સેવાનિવૃત્તિ બાદ પોતાના કારોબાર અર્થે ગયા હતા. મીડિયા બ્રીફિંગ દરમિયાન ફૈઝલે કહ્યું કે, આ કેસ આતંરરાષ્ટ્રીય કોર્ટમાં છે, આવી સ્થિતિમાં કન્સ્યુલર એક્સેસનો પ્રશ્ન જ ઉભો નથી થતો. ભારતીય સંવિધાન તરફથી 370 કલમ ખતમ કરવાની માગણી મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, કલમ 370ને ખતમ કરવી યુએન (યુનાઇટેડ નેશન્સ) પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાશે. તેનો અમે ક્યારેય સ્વીકાર નહીં કરીએ, કાશ્મીરીઓ પણ તેને સ્વીકારશે નહીં. 

ફૈઝલે કહ્યું કે, પાકિસ્તાન નવેમ્બર 2019માં શીખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનક દેવની 550મી જયંતિ પર કરતારપુર કોરિડોરને શરૂ કરવા માટે કટિબદ્ધ છે. આ કોરિડોર નહીં ખુલે તો ભારત જ જવાબદાર ગણાશે. આ મુદ્દે બેઠકો થવી મહત્વપૂર્ણ છે, જેથી કરતારપુર સાથે સંબંધિત તમામ મુદ્દાઓના ઉકેલ લાવી શકાય. સૈદ્ધાંતિક રીતે અમે તેને ખોલવા માટે તૈયાર છીએ. જે પ્રકારે વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે તે મુજબ જો ભારત આ મુદ્દે રાજી થશે તો જ સંભવ બનશે. 

ભારતે ગુરૂવારે કહ્યું હતું કે, પાકિસ્તાને એ સમાચારો પર અમારી ચિંતાનો જવાબ નથી આપ્યો કે, તેણે સમિતિમાં કોઇ વિવાદાસ્પદ તત્વ નિયુક્ત કર્યા છે જે કરતારપુર કોરિડ સાથે સંલગ્ન થવાના છે?