તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ બૂઝાવવામાં શરૂઆતની 30 મિનિટ અત્યંત મહત્વની રહી, ફાયર ફાઇટર્સ ટીમનો અહેવાલ; અનેક કિમતી વસ્તુઓ બચાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેથેડ્રલમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, તેનો ડોમ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયો. - Divya Bhaskar
કેથેડ્રલમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, તેનો ડોમ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયો.
  • હવે આ ઇમારતને ફરીથી કેવી રીતે ઉભી કરવામાં આવશે તે અંગે ચિંતા 
  • નિષ્ણાતોનું કહેવું છે કે, આ કામમાં ઓછામાં ઓછા દસથી 15 વર્ષનો સમય લાગશે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ 850 વર્ષ જૂની ઇમારત બળી રહી હતી અને આખું પેરિસ આંખોમાં આંસૂ સાથે જોઇ રહ્યું હતું. આ ઇમારત કોઇનું ઘર નહીં પણ આસ્થાનું કેન્દ્ર હતું અને આખા શહેરની ઓળખ પણ હતું. પેરિસનું પ્રખ્યાત નોટ્રે ડેમ કેથેડ્રલ સોમવારે આગની લપેટમાં આવીને ક્ષતિગ્રસ્ત થઇ ગયું. એક સેકન્ડમાં આગ લાગવાનું શરૂ થયું અને જોતજોતામાં આખી ઇમારત આગના ગોળામાં ઢંકાઇ ગઇ. આગ જેટલી ઝડપથી ફેલાઇ તેટલી જ ઝડપ તેને બૂઝાવવામાં પણ લગાવવામાં આવી. શહેરના આ પ્રમુખ કેથેડ્રલને બચાવવા દરમિયાન શરૂઆતની 15થી 30 મિનિટનો સમય અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. 

ફ્રાન્સના ઉપ ગૃહમંત્રીએ ફાયર ટીમના કર્મચારીઓના કામના વખાણ કરતા કહ્યું કે, તેઓએ આ કેથેડ્રલને બચાવવા માટે પોતાના જીવનની પણ ચિંતા નથી કરી. આ તેઓનો જુસ્સો હતો, જેના કારણે કેથેડ્રલના પથ્થરો અને તેના બે ટાવર્સને સુરક્ષિત બચાવી શકાય. 

જો કે, કેથેડ્રલમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, તેનો ડોમ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ગયો. હજુ સુધી આગ કયા કારણોસર લાગી તેની અંગે તપાસ ચાલી રહી છે. ઉપ ગૃહમંત્રી લોરેન્ટ ન્યૂનેઝે જણાવ્યું કે, અમને હાલ માત્ર એટલી જ જાણકારી છે કે, આખું કામ 15થી 30 મિનિટમાં જ થયું. તેઓએ જણાવ્યું કે, ભલે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોય, પરંતુ પોલીસ અને ફાયર ટીમ આગામી 48 કલાક સુધી આ સ્થળે જ રહેશે, જેથી ઇમારતની સુરક્ષા અને દેખરેખ સુનિશ્ચિત થઇ શકે.  પેરિસના સરકારી વકીલ રેમી હેઇટ્ઝે જણાવ્યું કે, અમુક હદ સુધી સંભવ છે કે, આગ દુર્ઘટનાવશ લાગી હોય પરંતુ તેઓએ આગના મૂળ કારણ અંગે જાણકારી મેળવવા માટે 50 લોકોને જવાબદારી સોંપી છે. 

એક તરફ જ્યાં હજુ સુધી આગનું સાચા કારણ અંગે કોઇ પ્રાથમિક માહિતી નથી, ત્યાં ચિંતા એ પણ છે કે હવે આ ઇમારતને ફરીથી કેવી રીતે ઉભી કરી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ કામમાં ઓછામાં ઓછા દસથી 15 વર્ષનો સમય લાગશે. પરંતુ ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોંએ વાયદો કર્યો છે કે, નોટ્રે ડેમને પાંચ વર્ષમાં ફરીથી ઉભું કરી દેવામાં આવશે. તેઓએ એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે, આ પાંચ વર્ષમાં તેને એટલું સુંદર બનાવી દેવામાં આવશે, જેટલું તે અગાઉ ક્યારેય નહતું. 

લે મોન્ડ ન્યૂઝપેપર અનુસાર, ઇમારતને ફરીથી ઉભી કરવામાં સહયોગ માટે ઘણી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ સામે આવ્યા છે. અત્યાર સુધી આ ઇમારત માટે 913 મિલિયન ડોલર એકઠાં થઇ ગયા છે. માત્ર ફ્રાન્સ જ નહીં, વૈશ્વિક સ્તરે લોકો આ ઇમારતને ફરીથી ઉભી કરવા માટે આગળ આવ્યા છે. યુરોપિયન નેશન્સના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટસ્કે પણ આગની દુર્ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. 

આગની લપટો સોમવારે સ્થાનિક સમયાનુસાર સાંજે અંદાજિત 6.43 વાગ્યાની આસપાસ પહેલીવાર જોવા મળી અને ત્યારબાદ તાત્કાલિક ફાયર ટીમને બોલાવી લેવામાં આવી. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઇ કે જોતજોતામાં કેથેડ્રલની છત સુધી પહોંચી ગઇ. ઉંચાઇ પર ડોમ સુધી પહોંચતા પહેલાં આગમાં કેથેડ્રલની અંદર લાકડાંના નકશીકામને ભારે નુકસાન થયું. 

આગને આટલી ઝડપથી ફેલાતા જોઇ એ ડર વધી ગયો કે, આગની લપટોમાં કેથેડ્રલનું સૌથી પ્રખ્યાત ટાવર પણ ના આવી ગયું હોય. પરંતુ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, તેઓએ ઝડપથી ફેલાતી આગને કાબૂમાં કરી લીધી. મંગળવારે સ્થાનિક સમયાનુસાર સવારે અંદાજિત 10 વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

સર્ચ ટીમે અગાઉથી જ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે, આ આગમાં કઇ કઇ ચીજવસ્તુઓ નષ્ટ થઇ ગઇ છે. પહેલી નજરે ખ્યાલ આવે છે કે, કેથેડ્રલના પથ્થરો કાળા પડી ગયા અને મુખ્ય ડોમ ધ્વસ્ત થઇ ગયું છે. જે તસવીરો સામે આવી છે, તેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, કમસે કમ એક રોઝ વિન્ડો સુરક્ષિત છે, પરંતુ બાકીની ખરાબ સ્થિતિમાં છે. ફ્રાન્સના ગૃહમંત્રી ક્રિસ્ટોફર કાસ્ટનરે ચેતવણી આપી છે કે, ઇમારતના મુખ્ય હિસ્સાને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ ઇમારત હજુ પણ અસ્થિર છે. 

ઉપ ગૃહમંત્રીનું કહેવું છે કે, હાલની સ્થિતિ જોતા ઇમારત યોગ્ય હાલતમાં છે, પરંતુ પથ્થરોને જોઇને લાગે છે કે, કેટલીક ખામીઓ તો ચોક્કસથી આવી ગઇ છે અને છતનો હિસ્સો સૌથી વધુ પ્રભાવિત થયો છે. કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે નિષ્ણાતોને હજુ સુધી સાઇટ પર જવાની અનુમતિ નથી આપવામાં આવી. જો કે, ફાયર ટીમ નુકસાનનો અંદાજ લગાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. 

ગરમી અને પાણી ફેંકવાથી શું શું ખરાબ થઇ છે, તે પણ જાણકારી મેળવવાની બાકી છે. ફ્રેન્ચ ચેરિટી ફાઉન્ડેશનના બરટ્રેડ દી ફેયદૂનું કહેવું છે કે, કેથેડ્રલનો 18મી સદીમાં બનેલો હિસ્સો સળગ્યો નથી, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, તેના પર પાણીની કોઇ અસર થઇ છે કે નહીં. 

ઘણાં બધા લોકો નોટ્રે ડેમને બચાવવા માટે આગળ આવ્યા છે, કેટલાંકે ખાનગી સ્તરે આગળ આવીને મદદની રજૂઆત કરી છે, તો કેટલાંક ગ્રુપમાં આગળ આવ્યા છે. એર ફ્રાન્સે નિવેદન જાહેર કરતા કહ્યું કે, જે કોઇ પણ આ ઇમારતના પુનઃનિર્માણના કામમાં સહયોગ માટે આગળ આવશે, તેને કંપની ફ્રીમાં સેવા આપશે. કેરિંગ ગ્રુપના સીઇઓ અને ચેરમેન અબજોપતિ ફ્રાંકોઇસ હેનરી પિનોલ્ટે 113 મિલિયન ડોલરની સહાયતાનો વાયદો કર્યો છે. આ સિવાય બર્નાર્ડ અર્નાલ્ટના પરિવાર અને તેમની કંપનીઓ પણ મદદનો વાયદો કર્યો છે. લોરિયલ અને અન્ય કંપનીઓ પણ મદદ માટે આગળ આવી છે. 

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેઓ એ વાતથી સંતુષ્ટ છે કે, તેઓએ ઇમારતને ફરીથી ઉભી કરવામાં સહયોગ આપ્યો. રશિયાએ નિષ્ણાતોની એક ટીમને ફ્રાન્સ મોકલી છે. બ્રિટનની સરકાર પણ મદદ માટે ઉભી થઇ છે. આ ઉપરાંત સ્પેન પણ પોતાની તરફથી દરેક સંભવ મદદ આપવા ઇચ્છે છે. 

આગ બૂઝાવ્યા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલા ઇમરજન્સી સેવાના અધિકારીઓએ ઘણી બધી કિંમતી ચીજવસ્તુઓને બચાવી લીધી છે. જેમાંથી કેટલીક ધાર્મિક ચીજો પણ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કિંમતી ચીજોમાં કાંટાવાળો મુગટ પણ સામેલ છે જે ઇસુ ખ્રિસ્તને શૂળી પર ચઢાવતા પહેલાં પહેરાવવામાં આવ્યો હતો. એ ટ્યૂનિકને પણ સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે જે કિંગ લુઇસ IXએ એ સમયે પહેર્યો હતો, જ્યારે તેઓ કાંટાળા તાજને પેરિસ લઇને આવ્યા હતા. ઇતિહાસકાર કેમિલ પાસ્કલે ફ્રેન્ચ બ્રોડકાસ્ટર બીએફએમટીવી સાથે વાતચીતમાં જણાવ્યું કે, આગે અમૂલ્ય ધરોહરને નષ્ટ કરી દીધી છે. આજે નોટ્રે ડેમમાં જે કંઇ પણ થયું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતું, પરંતુ કેટલીક ચીજોને બચાવી લેવામાં આવી છે, જે રાહતની બાબત છે.