ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં H1-B વિઝા હેઠળ કામ કરતાં પ્રોફેશનલ્સને ઘણીવાર કંગાળ સ્થિતિમાં મુકવામાં આવે છે અને તેઓનો જોખમી રીતે દુરૂપયોગ થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આજે ગુરૂવારે અમેરિકન થિંક ટેન્કે એર રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં પગારધોરણ મુદ્દે પણ વિઝા પોલીસીમાં નોંધપાત્ર ફેરફારનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે. સાઉથ એશિયા સેન્ટર ઓફ એટલાન્ટિક કાઉન્સિલના આ રિપોર્ટમાં આ વિઝા પ્રોગ્રામ હેઠળ કામ કરતાં ઇમિગ્રન્ટ્સના સુરક્ષાના ધારાધોરણોમાં ફેરફાર, કાર્યસ્થળે યોગ્ય વાતાવરણ અને વિઝા પ્રોગ્રામ હેઠળ અમુક હક્કો આપવાનું પણ સુચન કર્યુ છે. યુએસ થિંક ટેન્કનો આ રિપોર્ટ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિઝા પોલીસીમાં સુધારાના નિવેદન બાદ આવ્યો છે. ટ્રમ્પે ગત શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ એચ1-બી વિઝા પોલીસીમાં ટૂંક સમયમાં નવા ફેરફારો કરશે અને તેનું અમલીકરણ ઝડપી બનાવશે.
1) રિપોર્ટના આધારે ત્રણ મુખ્ય સુધારાઓનું સુચન
પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી હતી કે, H1-B વિઝા હેઠળ અમેરિકામાં આવતા કર્મચારીઓ માટે આવનારા દિવસોમાં વિઝા પોલીસીમાં ફેરફારો કરવામાં આવશે. આ નવા ફેરફારોથી અહીં કામ કરતા પ્રોફેશનલ્સને ઝડપથી સિટિઝનશિપ મળી રહે તે માટેનાં પગલાં પણ લેવામાં આવશે. અમેરિકામાં હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સની જરૂર છે અને આ માટે તેઓને અહીં મુક્ત વાતાવરણ મળે તે પણ એટલું જ જરૂરી છે.
H1-B પ્રોફેશનલ્સને લગતાં આ રિપોર્ટને હાવર્ડ યુનિવર્સિટીના લેખ રોન હિરાએ સાઉથ એશિયા સેન્ટર ઓફ ધ એટલાન્ટિક કાઉન્સિલના હેડ ભારત ગોપાલસ્વામીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર, કાર્યસ્થળે કર્મચારીઓની આ સ્થિતિ માત્ર અમેરિકન્સ માટે જ મુશ્કેલી ઉભી કરે છે તેવું નથી, પરંતુ આ પ્રકારના વાતાવરણથી એચ1-બી વિઝા પ્રોગ્રામ હેઠળ કામ કરતાં પ્રોફેશનલ્સનું પણ શોષણ થાય છે.
એચ1-બી પ્રોફેશનલ્સને ઓછો પગાર આપવામાં આવે છે, તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે અને અવાર-નવાર તેઓને કંગાળ પરિસ્થિતિમાં મુકવામાં આવે છે. સુરક્ષાના ધારાધોરણો નક્કી કરવા ઉપરાંત એચ1-બી વર્કર્સને યોગ્ય પગાર, સારું વાતાવરણ અને વધુ રોજગાર અધિકારો આપવાથી તેઓની જીવનશૈલીમાં પણ હકારાત્મક ફેરફાર આવશે. એટલું જ નહીં, તેઓ અમેરિકન કર્મચારીઓની પણ સુરક્ષા કરી શકશે.
સુરક્ષાના નિયમો લાગુ થવાથી H1-B કર્મચારીઓનું યુએસ ઇકોનોમિમાં નોંધપાત્ર યોગદાન જોવા મળશે. નવા નિયમો અને પોલીસી દ્વારા લેબર માર્કેટની અછત ઓછી થશે. નવા નિયમોથી અમેરિકામાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની એન્ટ્રી ઝડપી બનવાના કારણે પ્રોફેશનલ્સને યોગ્ય રીતે વર્ગીકૃત કરી શકાશે.
આ રિપોર્ટના આધારે થિંક-ટેન્કે ત્રણ મુખ્ય સુધારાઓનું સુચન કર્યુ છે અને આ તમામ નોકરીદાતાઓ પર લાગુ પડે તેવું ભારપૂર્વક જણાવ્યું છે.
સૌથી પહેલા સુધારામાં, H1-B વર્કર્સના પગારધોરણોમાં બઢતી આપવામાં આવે. જો અમેરિકા પોતાના માટે શ્રેષ્ઠ કર્મચારીઓની ઇચ્છા રાખે છે તો સામે પક્ષે કર્મચારીઓને પણ તેઓની શ્રેષ્ઠતા અનુસાર પગાર મળવો જોઇએ.
બીજું, નોકરીદાતાઓએ એચ1-બી પ્રોગ્રામ હેઠળ કર્મચારીઓને નોકરી આપતા પહેલાં યુએસ વર્કર્સને નોકરીની તકો અને યોગ્યતાના આધારે પોઝિશન આપવી જોઇએ. એચ1-બી વિઝા પ્રોગ્રામને લેબર માર્કેટમાં જરૂરિયાતના આધારે શરૂ કરવામાં આવ્યો છે, સ્થાનિક ઉંચા પગારને ટાળવા માટે નહીં.
ત્રીજું, આ પ્રોગ્રામમાં અસરકારક અને કાર્યક્ષમ અમલ પદ્ધતિ હોવી અત્યંત જરૂરી છે. હાલના પ્રોગ્રામમાં નિયમોનું પાલન માત્ર ફરિયાદ આધારિત છે. મોટાંભાગના કેસોમાં વ્હિસ્લબ્લોઅર્સ દ્વારા છેતરપિંડીના કેસો સામે આવે છે.
એટલાન્ટિક કાઉન્સિલે કહ્યું કે, ફાળવણી પ્રક્રિયામાં પણ ગોઠવણ હોવી જરૂરી છે. હાલની સ્થિતિ અનુસાર, H1-B પ્રોગ્રામ હેઠળ જે પહેલાં આવે, જે પહેલાં કામ શરૂ કરે તે આધારે ફાળવણી કરવામાં આવે છે. આ એક પ્રકારે લોટરી જેવું છે જેના કારણે સ્થિતિ વધુ દયનીય બની છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.