અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાન છોડ્યું એ સાથે જ તાલિબાન આ દેશમાં સતત પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યું છે. તાલિબાનના વધી રહેલા પ્રભાવને પગલે અફઘાનિસ્તાનની મહિલાઓને સૌથી વધારે સહન કરવું પડી રહ્યું છે. ધ સન (The Sun) વેબસાઈટના અહેવાલ પ્રમાણે, તાલિબાનના લોકો ઘરે-ઘરે જઈને છોકરીઓ શોધી રહ્યા છે અને તેમને સેક્સ ગુલામ (Sex Slave) બનાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત ડેઈલી મેઈલ (Dailymail)ના અહેવાલ પ્રમાણે તાલિબાનો 12 વર્ષથી લઈ 45 વર્ષ સુધીની છોકરીઓ-મહિલાઓને ઘરે ઘરે જઈને શોધી રહ્યા છે, જેથી તેમના યુદ્ધ સાથે જોડાયેલા યુવકો વચ્ચે આ મહિલાઓનો સેક્સ ગુલામ તરીકે ઉપયોગ કરી શકાય. તાલિબાનની આ આતંકી અને બળજબરીપૂર્વકની પ્રવૃત્તિ સિરિયા તથા ઈરાક જેવા દેશોમાં સક્રિય ઈસ્લામિક સ્ટેટની ક્રૂરતા સાથે મળતી આવે છે, જેઓ મહિલાઓને સેક્સ ગુલામ બનાવવા માટે નામચીન છે.
ગયા મહિને તાલિબાને તેના કબજા હેઠળના વિસ્તારોમાં રહેલા તમામ ઈમામોને પોતાના વિસ્તારમાં 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને 45 વર્ષથી ઓછી ઉંમરની એવી વિધવા મહિલાઓની યાદી તૈયાર કરી સોંપવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલિબાનો બળજબરીપૂર્વક અપહરણ કરીને અફઘાનિસ્તાનમાંથી મહિલાઓની ઉઠાંતરી રહી રહ્યા છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે તાલિબાનના આ નિર્ણયને લીધે તાલિબાનના કબ્જાવાળા વિસ્તારોમાં રહેલી મહિલાઓ ગંભીર મુશ્કેલીમાં આવી ગઈ છે. તાલિબાનના આગમન સાથે જ શરીયા કાયદો લાગૂ થતા તેમની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગી શકે છે. આ મુદ્દે અફઘાનિસ્તાનના હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રિકાઉન્સિલેશનના સભ્ય ફારુખંદા જાહરા નાદેરીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે મને સૌથી વધારે ડર એ વાતનો છે કે તાલિબાની લીડરશિપમાં રહેલી મહિલાઓને ઘેરવા તથા તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ અગાઉ તાલિબાને ઉત્તરી અફઘાનિસ્તાનના એક જિલ્લા પર કબજો જમાવ્યા બાદ સ્થાનિક ઈમામને એક પત્ર મારફત પહેલો આદેશ જાહેર કર્યો હતો. આ ફરમાનમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાઓ પુરુષો વગર કોઈ જ બજારમાં જઈ શકશે નહીં. આ ઉપરાંત પુરુષોએ દાઢી રાખવી ફરજિયાત છે. તાલિબાને સિગારેટ, બીડી પર પ્રતિબંધ મૂક્યો છે.
તાલિબાનોએ મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત કર્યો છે. જ્યા સુધી શાળામાં મહિલા શિક્ષક ન હોય ત્યાં સુધી છોકરીઓ શાળામાં જઈ શકતી નથી. આ નિયમોનું ઉલ્લંઘન કરવાના સંજોગોમાં ગંભીર સજાનો સામનો કરવા માટે લોકોને તૈયાર કરવા જોઈએ. કટ્ટરપંથીઓના આકરા નિયમો વચ્ચે મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને જઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં સેના અને તાલિબાન વચ્ચે દેશભરમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તાલિબાનના દાવા પ્રમાણે કેટલાક દિવસોમાં આઠ વિસ્તારોની રાજધાનીના કબ્જામાં આવી ચુક્યા છે. અફઘાનિસ્તાનના લોકપ્રિય ક્રિકેટર રાશિદ ખાને પણ સોશિયલ મીડિયાની મદદથી લોકો અને વૈશ્વિક નેતાઓને અપીલ કરી છે કે મુશ્કેલીથીભર્યાં માહોલમાં તેમના દેશને સપોર્ટ કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.