તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં ફાયરિંગ:ભીડ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોનાં મોત, હુમલાખોર પણ માર્યો ગયો હોવાનો અંદાજ

લંડનએક મહિનો પહેલા
  • ઇંગ્લેન્ડના પ્લાયમાઉથમાં હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને 6 લોકોની હત્યા કરી
  • ગૃહ સચિવ પ્રીતિ પટેલે ટ્વિટર પર કહ્યું હતું કે આ ઘટના આઘાતજનક

ઇંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં છ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. મૃતકોમાં 2 મહિલા, 4 પુરુષો અને 1 બાળકનો સમાવેશ થાય છે. હુમલાખોર પણ માર્યો ગયો હોવાનું મનાય છે. પોલીસે જણાવ્યું હતું કે ગોળી વાગવાથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં મોત થયું હતું.

પોલીસનો દાવો છે કે આ આતંકવાદી હુમલો નથી. તેમણે કહ્યું હતું કે ફાયરિંગની આવી ઘટનાઓ બ્રિટનમાં ઘણી ઓછી બને છે. આ ઘટનાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે અને સલામતી અંગે પણ ચિંતા વધારી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે ટ્વિટર પર કહ્યું હતું કે આ ઘટના આઘાતજનક છે અને મારી સંવેદના અસરગ્રસ્ત લોકો સાથે છે.

હુમલાખોર પાસે સેમી ઓટોમેટિક હથિયાર હતું
ઘટનાસ્થળે હાજર 57 વર્ષીય શેરોન ટર્નરે ધ ટાઈમ્સ અખબારને જણાવ્યું હતું કે હુમલાખોર દરવાજાને લાત મારીને ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે એક મહિલા અને તેની પુત્રી પર ફાયરિંગ શરૂ કર્યું હતું. તેણે કાળા અને ભૂરા રંગનાં કપડાં પહેર્યાં હતાં. તેની પાસે સેમી ઓટોમેટિક હથિયાર હતું.

પાર્કમાં શ્વાન સાથે ફરી રહેલા લોકો પર પણ ફાયરિંગ કર્યું
રિપોર્ટ અનુસાર, ઘરમાં ફાયરિંગ કર્યા બાદ તે પાર્ક તરફ ભાગ્યો હતો. તેણે અહીં શ્વાન સાથે ફરી રહેલા બે લોકોને પણ ગોળી મારી હતી. આ ઘટના પાછળનું કારણ શું છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

પોલીસને ગુરુવારે સાંજે 6.10 વાગ્યે ફોન આવ્યો હતો
ડેવોન અને કોર્નવોલ પોલીસે જણાવ્યું હતું કે તેમને ગુરુવારે સાંજે 6.10 વાગ્યે શહેરના કીહમ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો, જેમાં તેમણે ફાયરિંગ થયું હોવાની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ચાલુ છે. ઘટનાસ્થળની આસપાસના રસ્તાઓ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા છે. રાત સુધી રસ્તાનું નેટવર્ક ખોરવાશે.

બ્રિટનમાં 11 વર્ષ બાદ ફાયરિંગ
રોઇટર્સ અનુસાર, છેલ્લાં 11 વર્ષમાં બ્રિટનમાં સમૂહ પર ફાયરિંગની આ પ્રથમ ઘટના છે. આ પહેલાં 2 જૂન, 2010ના રોજ કેમ્બ્રિયા શહેરમાં ફાયરિંગમાં 12 લોકો માર્યા ગયા હતા અને 11 ઘાયલ થયા હતા. 52 વર્ષીય ટેક્સી-ડ્રાઈવરે તેના ભાઈને ગોળી માર્યા બાદ રસ્તા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.