• Gujarati News
  • Dvb original
  • From 'Vodka Girl' To 'Gangster' Dhoom, The Trend Of Naming Hollywood Style Shops Has Increased In Ahmedabad.

ઇંગ્લિશ નામનું ઘેલું:અમદાવાદમાં 'વોડકા ગર્લ'થી લઈને 'ગેંગસ્ટર'ની ધૂમ, હોલિવૂડસ્ટાઇલ દુકાનનાં નામ રાખવાનો ટ્રેન્ડ વધ્યો

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

એક સમયે એવું કહેવાતું કે પશ્ચિમી દેશોની ફેશન કે ટ્રેન્ડ અમુક વર્ષો પછી ભારતમાં સૌ પહેલાં મુંબઈમાં આવતા. ત્યાર બાદ મુંબઈથી અમદાવાદ સહિત દેશના અન્ય ભાગમાં ટ્રેન્ડ પહોંચતો. જોકે હવે ઈન્ટરનેટ યુગમાં દુનિયાનો કોઈ પણ ટ્રેન્ડ અમદાવાદ કે ગુજરાતમાં ગણતરીના દિવસોમાં પહોંચી જાય છે. આવો જ એક ટ્રેન્ડ એટલે દુકાનોના નામનો ટ્રેન્ડ. તમે અમદાવાદમાં ફરતા હશો તો ધ્યાનમાં આવ્યું હશે કે હમણાં હમણાં રેડીમેડ કપડાંની દુકાનોના ક્રિમિનલ સંબંધિત નામ રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે.

'માફિયા', 'ક્રિમિનલ', 'બદમાશ', 'લૂંટેરે', 'જેલ', 'કસ્ટડી', 'ગોડફાધર', 'ગબ્બર', 'અંડરવર્લ્ડ', 'વોટકા ગર્લ' જેવા નામો અમદાવાદમાં રેડીમેડ કપડાંની દુકાનોના નામ છે. આ અંગે દિવ્ય ભાસ્કરે દુકાનદારો, ગ્રાહકો અને સાઇકોલોજીસ્ટ સાથે વાત કરી આ ટ્રેન્ડ પાછળની વિગતો જાણી હતી.

દુકાનનું નામ 'માફિયા' રાખ્યું અને હિટ થઈ ગયું

અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત 'માફિયા ફેશન સ્ટોર'ના મેનેજર સુદર્શન રાજપુરોહિતે જણાવ્યું હતું, 'અમારી કંપનીએ યુથને એટ્રેકટ કરવા અને કનેક્ટ કરવા માટે કોઈ યુનિક નામ રાખવાનું નક્કી હતું. અમદાવાદમાં સ્ટોર કરતા પહેલા અમે મુખ્ય બજાર સીજી રોડ સહિતના વિવિધ સ્થળોએ રિસર્ચ કર્યું હતું. અમદાવાદમાં શું જોઈએ છે એ પણ અમે રિસર્ચ કર્યું અને બાદમાં 'માફિયા' નામ ફાઇનલ કર્યું. 2005 પહેલાં સ્ટીરીઓ ટાઈપ નામ રાખવામાં આવતા હતા. જેમકે 'ગારમેન્ટ', 'કલેક્શન', 'ફેશન'. પરંતુ 2005 પછી 'માફિયા' જ્યારે બજારમાં આવ્યું ત્યારે તેણે નવા નામો રાખવાનું શરૂ કર્યું. 'માફિયા' સ્ટોર અગાઉ 'માફિયા' નામની ફિલ્મ પણ આવી ગઈ હતી. આ એક સારો કોન્સેપ્ટ પણ હતો. અમારા કલેક્શન પ્રમાણે અમારે પણ હટકે- યુનિક નામ જોઈતું હતું. જેથી આ નામ રાખ્યું. નામથી 100 ટકા ફર્ક પડી ગયો છે.'

અલગ નામ તરત બધાને યાદ રહે છે

વસ્ત્રાપુરમાં જ 'WWF' નામનો શોરૂમ ધરાવતા મનીષભાઈએ કહ્યું હતું. 'અમદાવાદમાં (કપડાંની દુકાનોના) બધા એન્ટિક જ નામ છે. 'સ્મગલર', 'કસીનો', 'ડ્રગ', 'અફીણ' એવા જ નામ છે. અલગ નામ રાખતા બધાના મોં પર તરત જ આવી જાય છે અને યાદ આવી જાય છે કે આ 'WWF'થી કપડાં લાવ્યા છીએ. એટલે એવું નામ રાખ્યું છે. ગ્રાહકોમાં મોટાભાગના યંગસ્ટર જ હોય છે. પ્રોફેશનલ લોકો ઓછા હોય છે.' દુકાનના નામથી શું ફર્ક પડ્યો એ અંગે પૂછતાં તે કહે છે કે દુકાનને થોડો સમય થાય એ પછી નામથી જ ગ્રાહક આવતા હોય છે.'

હોલિવૂડ કે અંગ્રેજી ક્લ્ચર પ્રમાણે નામ બરોબર છે

આ અંગે ખરીદી કરવા આવેલા કસ્ટમર ભાગર્વભાઈ ભટ્ટ સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, 'માફિયા', 'ગેંગસ્ટર', 'કસ્ટડી' અત્યારે ક્લોધિંગ શોપમાં આવા જ કેચી નામ રાખેલા હોય છે. યંગ જનરેશનને આકર્ષવા સારા નામ છે અને સાથે કપડાં પણ સારા મળે છે. હોલિવૂડ અને અંગ્રેજી ક્લચર છે, એ પ્રમાણે નામ બરોબર છે.' નામથી કંઈ ફેર પડે છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે કેચી નામ હોય તો સારું.

યુનિક નામ રાખવા પાછળનું કારણ શું? શું કહે છે સાઇકોલોજિસ્ટ?

આ અંગે અમદાવાદના સાઇકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીએ કહ્યું કે આવા નામ કેચી હોવાને કારણે લોકો આકર્ષાય છે. ઘણી વખત લોકો નેગેટિવ હીરો તરફ વધુ આકર્ષાતા હોય છે. એ જ રીતે નેગેટિવ નામ તરફ લોકો આકર્ષાતા હોય એ શક્ય છે. આ બધા નામ જે લોકો રાખે છે, એ યંગસ્ટરમાં હિટ થવા માટે નવી પ્રથા ચાલુ થઇ હોય તેમ લાગે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આજકાલ નેગેટિવ હીરોવાળા અને નકારાત્મક ધરાવતા છોકરાઓને વધારે ગમે છે. કારણ કે નેગેટિવ માણસને હવે આઇકોન તરીકે સ્વીકારવામાં આવી રહ્યા છે. દરેકે દરેક મૂવી કે વેબ સિરીઝમાં જુઓ તો એનું કેન્દ્રીય પાત્ર કે નાયક અગાઉની જેમ પોઝિટિવ ક્લિયર કટ હોય એવું જરૂરી નથી. પણ એ ગ્રે શૅડ કે નેગેટિવ ઇમેજવાળો પણ હોઈ શકે. એટલે પોતે જેને આઇડિયલ માને છે એવું વ્યક્તિ પણ જો આ પ્રકારનું કામ કરતી હોય તો એ નામ વધારે પ્રચલિત થાય એવું કેટલાક દુકાનદારોને લાગે છે. જેના કારણે દુકાનોના આવા નામ રાખવાની પ્રથા ચાલી હોય તેમ શક્ય છે.'

ક્રિમિનલ નામ રાખવાનો ટ્રેન્ડ નવો નથી

ક્રિમિનલ સંબંધિત નેગેટિવ નામ રાખવાનો ટ્રેન્ડ નવો નથી. દુનિયાના અનેક દેશોમાં દુકાનોના આવા નામ છે. જેમ કે અમેરિકામાં સ્પિરિચ્યુયલ માફિયા નામની ફેશન બ્રાન્ડ છે. જે યુવાનોમાં લોકપ્રિય છે. આ કંપનીના તેના કપડાંની રેન્જ યુથને ધ્યાનમાં રાખીને જ હોય છે. જ્યારે ઈંગ્લેન્ડમાં પણ વેપ માફિયા નામનો સ્ટોર છે. જેમાં તમાકુની બનાવટ અને ઉત્પાદનો વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...