મોનસૂનમાં હિમાચલના પહાડી જિલ્લાઓમાં ધસી પડતા પહાડ હોય કે ઉત્તરાખંડના ઓલ વેધર રોડ પર પડતા બોલ્ડર. બંને હિમાલયી રાજ્યમાં વાદળ ફાટવા બાદ જે ઘટનાથી સૌથી વધુ મોત થાય છે તે છે ભૂસ્ખલન. હિમાચલમાં છેલ્લા દોઢ મહિનામાં જ 35થી વધુ લોકોનાં મોત ધસી પડતી પહાડી ભેખડો નીચે દબાઇ જવાથી થયાં જ્યારે ઉત્તરાખંડના જોશીમઠ, દેવપ્રયાગ અને ટિહરી જિલ્લામાં ઘણાં સ્થળે ભારે ભૂસ્ખલન થવાથી કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે.
ભૂગર્ભ વિજ્ઞાનીઓનું માનવું છે કે વરસાદ આ ધસી પડતા પહાડોનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે પણ મૂળ કારણ આખા હિમાલય બેલ્ટમાં રોજ સતત આવતા નાના-નાના ભૂકંપ છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં 5 વર્ષમાં 130થી વધુ વખત નાના-નાના ભૂકંપ આવ્યા છે. આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 3થી ઓછી તીવ્રતાના હોય છે. સતત આવતા આ ભૂકંપ તાત્કાલિક ધોરણે જાનમાલનું મોટું નુકસાન તો નથી કરતા પણ હિમલાયન થર્સ્ટ બેલ્ટને ડિસ્ટર્બ કરે છે. ઉત્તરાખંડ સેટેલાઇટ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર જનરલ અને વરિષ્ઠ ભૂગર્ભ વિજ્ઞાની ડૉ. પ્રો. એમ. પી. એસ. બિષ્ટ જણાવે છે કે હિમાલય વિશ્વમાં સૌથી નવી પર્વત શૃંખલા છે.
સતત આવતા ભૂકંપ કે જે વધુ અનુભવાતા પણ નથી તે ભેખડો સરકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવા ભૂકંપ ઉત્તરાખંડ અને હિમાચલમાં સૌથી વધુ આવે છે. વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાનના વરિષ્ઠ ભૂકંપ વિજ્ઞાની અને જિયો ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. સુશીલ રોહેલા જણાવે છે કે આ નાના ભૂકંપો અંગે રિસર્ચ માટે હિમાચલ અને ઉત્તરાખંડમાં 6-6 એક્સક્લોરોગ્રાફ અને સિસ્મોગ્રાફ સ્થાપિત કરાયા છે.
આ ભૂકંપોના કારણે તિરાડો વધુ પડે છે અને વરસાદ પડે ત્યારે તેમાં પાણી ભરાતાં મોટું ભૂસ્ખલન થાય છે. વિજ્ઞાનીઓ આ કારણથી પણ સરકારોને હિમાલયના ઊંચાણવાળા ક્ષેત્રોમાં માનવીય પ્રવૃત્તિઓ અંતર્ગત થતા વિકાસકાર્યો ટાળવા સલાહ આપે છે.
નાના ભૂકંપથી થ્રસ્ટ પ્લેટ સરકે છે અને પછી મોટો ભૂકંપ આવે છે
વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાનના રિસર્ચ મુજબ, આખા હિમાલયન બેલ્ટમાં રોજ રિક્ટર 3 સુધીના ભૂકંપ ભવિષ્યમાં આવનારા મોટા ભૂકંપનું જોખમ દર્શાવે છે. ડૉ. રોહેલા જણાવે છે કે રિક્ટર સ્કેલ પર 6થી 8 સુધીની રેન્જના મોટા ભૂકંપ પહેલાં ઘણીવાર નાના-નાના ભૂકંપ આવે છે. સતત આવતા નાના ભૂકંપને કારણે થ્રસ્ટ પ્લેટ સરકે છે. તેના કારણે તેમાં વધુ જગ્યા પડી જાય ત્યારે મોટો ભૂકંપ આવવાનું જોખમ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.